• ગુરુવાર, 30 જુલાઈ, 2026

રાજકોટના રેસકોર્સમાં 9 થી 17 જાન્યુઆરી ગૂંજશે મોરારિબાપુની ફૂલછાબ આયોજિત રામકથા

- શિક્ષણ અને કેળવણી ક્ષેત્રે જન્મભૂમિ જૂથ મોટી યોજના હાથ ધરશે, જેનો આરંભ કથાથી થશે

 રાજકોટ તા. 29: રાજકોટમાં મોરારિબાપુની રામકથા યોજાશે તેવા વાવડ ગુરુપૂર્ણિમાના પાવન દિવસે  વહેતા થતાં જ સૌરાષ્ટ્રમાં હરખની હેલી પ્રસરી ગઈ છે. બાપુની આ રામકથા તા. 9 થી 17 જાન્યુઆરી દરમિયાન રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાશે. 9મી તારીખે શનિવારે સાંજે અને રવિવારથી તા. 17મી સુધી સવારે નિત્યક્રમ અનુસાર આ કથા થશે. રાજકોટના આંગણે ફરી એક વાર રામકથાનો આ પાવન, મંગલકારી અવસર આવ્યો છે. આ સમાચાર પછી સૌરાષ્ટ્રમાંથી અભિનંદન અને આનંદની વર્ષા ફૂલછાબ ઉપર થઈ રહી છે.

2025ની બીજી ઓક્ટોબરે ફૂલછાબ આરંભ દિવસે, ફૂલછાબ એવોર્ડ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનાજિંગ ટ્રસ્ટી શ્રી હાર્દિક મામણિયાએ સૌરાષ્ટ્ર ટ્રસ્ટ વતી ફૂલછાબ માટે રામકથા આપવાનો અનુરોધ બાપુને કર્યો હતો. મોરારિબાપુએ તરત જ ફૂલછાબને કથા આપી હતી. થોડા દિવસો પૂર્વે રામકથાની તારીખ પણ બાપુએ આપી. જાન્યુઆરી માસની 9મી તારીખથી આ કથા રાજકોટમાં યોજાશે.

1921થી પ્રજાલક્ષી પત્રકારત્વની જ્યોત અવિરત જલતી રાખનાર ફૂલછાબ તથા જન્મભૂમિ જૂથ વર્તમાનપત્રોના પ્રકાશન થકી અને તેની સાથે સામાજિક નિસબત પણ સતત રાખતાં આવ્યાં છે. કુદરતી આપદા, રાષ્ટ્રીય સંકટો વખતે આ અખબારો સમાજની પડખે ઊભાં રહ્યાં છે. આ રામકથા પણ એવા જ એક મોટા સંકલ્પ-પ્રકલ્પનું માધ્યમ બની રહેશે. સૌરાષ્ટ્ર ટ્રસ્ટ આગામી દિવસોમાં શિક્ષણ-કેળવણી ક્ષેત્રે મોટી યોજના લાવી રહ્યું છે. વિરાટ રાશિના અંદાજવાળી આ યોજના અંતર્ગત સૌરાષ્ટ્ર- કચ્છના અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણ સુવિધા સુપેરે પહોંચે તેવી વ્યવસ્થા કરાશે. વિદ્યાર્થીઓને સવલત, શિષ્યવૃત્તિ, શિક્ષકોને પ્રોત્સાહન આપવાનું આયોજન છે જેની વિગતો ટૂંક સમયમાં વિસ્તૃત રીતે જાહેર થશે. આ પ્રકલ્પમાં સમાજના વિવિધ ક્ષેત્રો પણ જોડાઈ શકશે. રામકથાનો હેતુ સૌરાષ્ટ્રમાં પુન: રામનામ સુમિરનનો તો છે જ સાથે જ શિક્ષણનો ફેલાવો એ પણ એક પ્રકારે રામકાર્ય છે તેનો આરંભ પણ સૌરાષ્ટ્ર ટ્રસ્ટ ફૂલછાબની રામકથા થકી કરશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક