-11
જિલ્લાના બાર એસોસિયેશન હડતાલમાં જોડાયા : સ્થાનિક તંત્રને આવેદન આપી ઘરઆંગણે સુવિધા
આપવા ઝડપી ન્યાયની માગ ઉઠાવી
રાજકોટ,
તા. 29 : સૌરાષ્ટ્ર-કચ્છની હાઈકોર્ટની બેન્ચ રાજકોટ ખાતે ફાળવવાની વર્ષો જૂની માગ ફરી
એકવાર તેજ બની છે. રાજકોટ બાર એસોસિયેશનની હાકલને સમર્થન આપતા સૌરાષ્ટ્રના વિવિધ શહેરોના
વકીલ મંડળોએ આજે કોર્ટ કાર્યવાહિથી અળગા રહી સ્થાનિક તંત્રને આવેદન પાઠવ્યા હતા. વકીલોએ
રજૂઆત કરી હતી કે, ગુજરાત હાઈકોર્ટમાં ચાલતા આશરે 40 ટકા કેસો સૌરાષ્ટ્ર-કચ્છમાંથી
આવે છે. રાજકોટમાં બેન્ચ શરૂ થાય તો અમદાવાદ હાઈકોર્ટનું ભારણ ઘટશે અને લોકોને સમય
તથા ખર્ચ બચાવી ઘરઆંગણે ઝડપી ન્યાય મળી શકશે.
રાજકોટ
બાર એસોસિયેશનનું કહેવું છે કે, ગુજરાત હાઈકોર્ટમાં ચાલતા આશરે 40 ટકા કેસો સૌરાષ્ટ્ર-કચ્છમાંથી
આવે છે. રાજકોટમાં બેન્ચ શરૂ થાય તો અમદાવાદ હાઈકોર્ટનું ભારણ ઘટશે અને કેસોના ઝડપી
નિકાલમાં મદદ મળશે. સૌરાષ્ટ્ર-કચ્છના 11 જિલ્લામાં 80 તાલુકા અને 5000થી વધુ ગામડાઓ
આવેલા છે, જ્યાંના લોકોને ન્યાય માટે અમદાવાદ સુધી જવું પડે છે. અન્ય રાજ્યોમાં અનેક
હાઈકોર્ટ બેન્ચ ઉપલબ્ધ હોવાનો ઉલ્લેખ કરી ગુજરાતમાં પણ રાજકોટને બેચ આપવાની માગ કરવામાં
આવી છે.
જામનગર
: જામનગર બાર એસોસિયેશન દ્વારા માગને સમર્થન આપવામાં આવ્યું હતું. વકીલોએ બેઠક યોજી
ઠરાવ પસાર કર્યો હતો. ત્યારબાદ બાઈક રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવાયું હતું.
વકીલોએ જણાવ્યું કે અગાઉ રાજકોટમાં સૌરાષ્ટ્ર બેન્ચ કાર્યરત હતી, જેને ફરી શરૂ કરવી
જરૂરી છે. જનહિતની આ માગ માટે આગામી સમયમાં સૌરાષ્ટ્રના તમામ બાર એસોસિયેશન સાથે મળીને
આંદોલન વધુ મજબૂત બનાવાશે હતું.
માણાવદર
: માણાવદર બાર એસોસિયેશન દ્વારા મામલતદારને પાઠવેલા આવેદનમાં જણાવ્યું કે, રાજકોટ સૌરાષ્ટ્રનું
મધ્યવર્તી કેન્દ્ર હોવાથી અહીં બેન્ચ શરૂ કરવાથી હજારો અરજદારોને સીધો લાભ મળશે. વર્ષો
જૂની આ માગ સરકાર તાત્કાલિક સ્વીકારે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
કોડીનાર
: કોડીનાર બાર એસોસિયેશનના વકીલોએ મામલતદાર મારફતે રાજકોટ કલેક્ટરને પાઠવેલા આવેદનમાં
જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર-કચ્છના લોકોને હાઈકોર્ટના કામ માટે અમદાવાદ જવું પડે છે,
જેના કારણે સમય, નાણાં અને શારીરિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. રાજકોટમાં બેન્ચ
શરૂ થાય તો લોકોને ઘર નજીક ઝડપી અને સરળ ન્યાય મળી શકે.
કેશોદ
: કેશોદ બાર એસોસિયેશન દ્વારા નાયબ કલેક્ટર અને મામલતદારને પાઠવેલા આવેદનમાં જણાવ્યું
હતુ કે, ગુજરાત હાઈકોર્ટના 40 ટકા જેટલા કેસો સૌરાષ્ટ્ર-કચ્છમાંથી આવે છે. રાજકોટમાં
બેન્ચ શરૂ થાય તો કેસોની પેન્ડન્સી ઘટશે અને અમદાવાદ હાઈકોર્ટનું ભારણ ઓછું થશે. અન્ય
રાજ્યોમાં એકથી વધુ હાઈકોર્ટ બેન્ચ કાર્યરત છે ત્યારે ગુજરાતમાં પણ પ્રાદેશિક સુવિધા
ઉપલબ્ધ કરાવવી જરૂરી છે.
વિસાવદર
: વિસાવદર બાર એસોસિયેશનની બેઠકમાં રાજકોટ ખાતે હાઈકોર્ટ બેન્ચ શરૂ કરવાની માગને સમર્થન
આપતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ઠરાવની નકલ જિલ્લા કોર્ટ, રાજકોટ બાર એસોસિયેશન
અને ગુજરાત હાઈકોર્ટને મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મામલતદારને આવેદન
આપવામાં આવ્યું હતું.
મોરબી
: મોરબી બાર એસોસિયેશન દ્વારા જિલ્લા કલેક્ટરને પાઠવેલા આવેદનમાં જણાવ્યું હતુ કે,
સૌરાષ્ટ્ર-કચ્છના લોકોને અમદાવાદ હાઈકોર્ટ સુધી પહોંચવા લાંબી મુસાફરી કરવી પડે છે.
રાજકોટમાં બેન્ચ શરૂ થાય તો સમય અને ખર્ચ બંનેની બચત થશે. સરકાર સમક્ષ વર્ષો જૂની માગને
તાત્કાલિક સ્વીકારવા રજૂઆત કરી હતી.
માંગરોળ
: માંગરોળ બાર એસોસિયેશન દ્વારા મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યું
કે રાજકોટ સૌરાષ્ટ્ર-કચ્છનું મુખ્ય કેન્દ્ર છે અને અહીં હાઈકોર્ટ બેન્ચ માટે જરૂરી
સુવિધાઓ ઉપલબ્ધ છે. સરકારને આ માગણી અંગે સકારાત્મક નિર્ણય લેવા અપીલ કરી હતી.
માળિયા
હાટીના : માળિયા હાટીના તાલુકા બાર એસોસિયેશન દ્વારા મામલતદારને પાઠવેલા આવેદનમાં જણાવ્યું
હતું કે, સૌરાષ્ટ્ર-કચ્છના લોકોને ન્યાય મેળવવા અમદાવાદ સુધી 10થી 12 કલાકની મુસાફરી
કરવી પડે છે. રાજકોટમાં હાઈકોર્ટ માટે જરૂરી જગ્યા અને જજોના રહેઠાણની સુવિધા ઉપલબ્ધ
છે. સરકાર તાત્કાલિક નિર્ણય લઈ વર્ષો જૂની માગ પૂર્ણ કરે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
પોરબંદર
: ડિસ્ટ્રિક્ટ બાર એસોસિયેશનના પ્રમુખ હરભમ એમ. ચુંડાવદરાએ જિલ્લા કલેક્ટરને પાઠવેલા
આવેદનમાં જણાવાયું છે કે, રાજકોટમાં બેંચ શરૂ કરવાથી હાઈકોર્ટનું ભારણ ઘટશે અને લોકોને
ઝડપી તથા સસ્તો ન્યાય મળી શકશે. હાલ સૌરાષ્ટ્ર-કચ્છના લોકોને અમદાવાદ સુધી જવા માટે
સમય અને નાણાનો વ્યય થાય છે. રાજકોટમાં જરૂરી જગ્યા અને સુવિધાઓ ઉપલબ્ધ હોવાથી વર્ષો
જૂની માગણીને પૂર્ણ કરવા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.