• ગુરુવાર, 30 જુલાઈ, 2026

હરજિંદર અને ગુલવીરને રજત ચંદ્રક: 5 મુક્કેબાજ સેમિ ફાઇનલમાં

- 2022માં કાંસ્ય જીતનાર વેઇટ લિફટર હરજિંદર સિંઘે મેડલનો રંગ બદલ્યો

-કોમનવેલ્થ ગેમ્સમાં 10000 મીટર રેસમાં મેડલ જીતનારો ગુલવીર સિંહ ભારતનો પહેલો એથ્લેટ

 

ગ્લાસગો, તા.29: કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની જોળીમાં વધુ બે રજત ચંદ્રક આવ્યા છે. વેઇટ લિફટીંગમાં હરજિંદર સિંઘે શાનદાર દેખાવ કરીને સિલ્વર મેડલ કબજે કર્યો છે જ્યારે ગુલવીર સિંહ 10 હજાર મીટર રેસમાં મેડલ જીતનારો ભારતનો પહેલો એથ્લેટ બન્યો છે. આ ઉપરાંત ભારતના પાંચ મુક્કેબાજ સેમિ ફાઇનલમાં પહોંચ્યા છે. આથી તેમના માટે ઓછામાં ઓછા કાંસ્ય ચંદ્રક નિશ્ચિત બની ચૂક્યા છે. મેડલ ટેલીમાં હાલ ભારત બે ગોલ્ડ સહિત કુલ 12 ચંદ્રક સાથે નવમા ક્રમે છે. ઓસ્ટ્રેલિયા 3પ ગોલ્ડ સહિત કુલ 80 મેડલ સાથે ટોચ પર છે.

મહિલાઓની 69 કિલો વજન જૂથની વેઇટ લિફટીંગ સ્પર્ધામાં ભારતની હરજિંદર સિંઘે સિલ્વર મેડલ જીત્યો હતો. તેણીએ સ્નેચમાં 101 કિલો અને કલીન એન્ડ જર્ક રાઉન્ડમાં 126 મળી કુલ 227 કિલો વજન ઉઠાવી બીજા સ્થાને રહી રજત ચંદ્રક કબજે કર્યો હતો. કેનેડાની ખેલાડી ચાર્લોટ સિમોનોએ કુલ 240 કિલો વજન ઉંચકી ગોલ્ડ મેડલ જીત્યો હતો. 29 વર્ષીય હરજિંદર સિંઘે 2022ના બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં 71 કિલો વર્ગમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. હવે તેણે આ વખતે રજત ચંદ્રક કબજે કરવામાં સફળતા હાંસલ કરી છે. વેઇટ લિફટીંગમાં ભારતનો આ સાતમો મેડલ છે.

જ્યારે ગુલવીર સિંહ પુરુષોની 10 હજાર મીટર દોડ સ્પર્ધામાં કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતનારો ભારતનો પહેલો એથ્લેટ બન્યો છે. ગુલવીર સિંહે 27 મિનિટ અને 49.78 સેકન્ડમાં 10000 મીટરની રેસ પૂરી કરી હતી અને બીજા સ્થાન પર રહ્યો હતો. આથી તે સિલ્વર મેડલનો હકદાર બન્યો હતો. ઓસ્ટ્રેલિયાના એથ્લેટ કાઇ રોબિન્સને 27 મિનિટ અને 48.93 સેકન્ડમાં રેસ પૂરી કરી ગોલ્ડ મેડલ જીત્યો હતો.

આ ઉપરાંત મુક્કેબાજીમાં ભારતે પ મેડલ નિશ્ચિત કરી લીધા હતા. પ્રીતિ પવાર, પ્રિયા ધાંધસ અને જાદુમણિ સિંહે સેમિ ફાઇનલમાં પ્રવેશીને ઓછામાં ઓછા કાંસ્ય ચંદ્રક નિશ્ચિત કરી લીધા હતા જ્યારે આજે અરૂંધતી ચૌધરી 70 કિલો વર્ગના સેમિ ફાઇનલમાં પહોંચી હતી. સાક્ષીએ પણ સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક