• શનિવાર, 22 ઑગસ્ટ, 2026

ઝૂકી દિલ્હી સરકાર; રાહુલનાં ધરણાં બાદ Bિઍંછ

‘પેલેટ ગન’ પર ઘમસાણ વચ્ચે કોંગ્રેસ સાંસદે કહ્યું, આ ન્યાય તરફ પહેલું પગલું;  નડ્ડાએ કહ્યું

આ રાજકીય હતાશા, સુપ્રીમ તપાસ કરે છે તો ધરણા માટે : પ્રસાદ

નવી દિલ્હી, તા. 21 : પેલેટ ગનથી ઘાયલ થયેલા છાત્ર સાહિલ લોચબના મામલામાં એફઆઈઆર નોંધવાની ‘રાજહઠ’ સાથે રાહુલે શુક્રવારે શરૂ કરેલાં ધરણાં પર રાજકીય ઘમસાણ સર્જાયું હતું.

રાહુલના પાંચ કલાકનાં ધરણાં બાદ આખરે દિલ્હી સરકાર ઝૂકી હતી અને દિલ્હી પોલીસે એફઆઇઆર નોંધી હતી અને તેની એક નકલ રાહુલ ગાંધીને અપાઇ હતી.

કોંગ્રેસ સાંસદે એફઆઇઆર નોંધાયા બાદ પત્રકારોને કહ્યું હતું કે, આ ન્યાય તરફ પહેલું પગલું છે. ઘાયલ છાત્ર સાહિલ લોચબે કહ્યું હતું કે, ન્યાયની જીત થઇ છે.

અગાઉ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સાડાબાર વાગ્યાથી દિલ્હીના સંસદ માર્ગ પોલીસ સ્ટેશન બહાર ધરણાં પર બેઠા હતા. ભાજપે પલટવાર કરતાં કહ્યું હતું કે, વંદે માતરમ્ વિવાદમાં ઘેરાયેલી કોંગ્રેસ ધ્યાન ભટકાવવા આવા ધરણાં કરે છે.કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા જે. પી. નડ્ડાએ કહ્યું હતું કે, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના ધરણાં છાત્રો કે ન્યાય માટે નથી, પરંતુ રાજકીય હતાશા અને મીડિયા જગતનું ધ્યાન ખેંચવા માટે છે.

જંતરમંતર પ્રદર્શન વખતે પોલીસ કાર્યવાહીના મામલાની તપાસ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે, ત્યારે કોંગ્રેસે તપાસ દરમ્યાન પ્રદર્શન કેમ કર્યું છે તેવો સવાલ ભાજપ સાંસદ રવિશંકર પ્રસાદે કર્યો હતો.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે છાત્ર સાહિલને સાથે લઈને સંસદ માર્ગ સ્થિત ડીજીપી ઓફિસમાં પહોંચીને પેલેટ ગન મુદ્દે એફઆઈઆર નોંધાવવાની માંગ કરી હતી.

રાહુલે પોલીસ કાર્યવાહીને ગંભીર અપરાધ લેખાવી હતી. તેમણે લોચબને લાગેલા છરા બતાવીને કહ્યું હતું કે, પેલેટ ગનના પુરાવા છે. પોઈસસ કહે છે કે એફઆઈઆર નહીં કરવાના ઉપરથી આદેશ છે.

ધરણાં સ્થળે રાહુલ સાથે પ્રિયંકા ગાંધી, અધીર રંજન ચૌધરી, સલમાન ખુરશીદ, જયરામ રમેશ પણ પહોંચ્યા હતા. રાહુલે કહ્યું હતું કે, પેલેટ ગનથી છાત્ર ઘાયલ થવાની લેખિત ફરિયાદ દિલ્હી પોલીસને પણ આપી હતી.

ફરિયાદની કોપી મળી નહોતી. લેડી હોર્ડિંગ હોસ્પિટલના રિપોર્ટના સંદર્ભ સાથે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, રિપોર્ટમાં પણ 200થી વધુ પેલેટ ગન અને આંખમાંથી ત્રણ છરા નીકળ્યા હોવાનું જણાવાયું છે.

મારી માંગ માત્ર ઘાયલ છાત્રના પરિવારને ન્યાય અપાવવાની છે. સાહિલની આંખની રોશની ચાલી ગઈ છે. હવે  એ આંખથી તે કદી પણ જોઈ શકશ નહીં, તેવું કોંગ્રેસ સાંસદે કહ્યું હતું.

રાહુલે કહ્યું હતું કે, આ મામલામાં એફઆઈઆર નોંધાય અને તપાસ અધિકારીનું નામ અપાય ત્યારબાદ અમે અહીંથી ચાલ્યા જશું.

કેસરિયા પક્ષના સાંસદ રવિશંકર પ્રસાદે પલટવાર કરતાં કહ્યું હતું કે, સૌથી મહત્ત્વની વાત એ છે કે, જે લોકો પીડિત હતા તે સુપ્રીમ કોર્ટમાં ગયા. સુપ્રીમે ખુદ આ મામલાની તપાસ માટે એક ઉચ્ચ સત્તાધારી સમિતિ બનાવી છે.

રાહુલ ગાંધી શું આપને કાયદાનાં શાસન માટે કોઈ માન નથી? શું આપ બસ એ જ કરી શકો જે આપનું મન કહે, તેવા પ્રહારો પ્રસાદે કર્યા હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક