ઘરમાંથી 57 લાખના સોના-ચાંદીના દાગીના,
જમીન, મકાન, પ્લોટના દસ્તાવેજો, વાહન, આર.સી. બુક અને સહી કરેલા કોરા ચેક મળી આવ્યાં
: તમામ મુદામાલ ભોગ બનનારને પરત કરાયો
ગોંડલ,
તા.26: રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા વ્યાજખોરીની પ્રવૃત્તિઓ ડામવા અને સામાન્ય નાગરિકોને
તેના ચુંગાલમાંથી મુક્ત કરવા માટે એક સરાહનીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. એસ.પી.
વિજ સિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ ગોંડલ ઇન્ચાર્જ ડી.વાય.એસ.પી આર.એ.ડોડીયાની ટીમે
ગોંડલના વસાવડની વ્યાજખોર બેલડી પાસેથી રૂ.1.05 કરોડનો મુદ્દામાલ રિકવર કર્યો હતો.
મોવિયા
ગામે રહેતા લલીત ઉર્ફે નિલેશ મોહનભાઈ ટારીયા નામના વ્યક્તિએ વ્યાજખોરોના ત્રાસ અંગે
ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી સોહિલ રફીક સલાટ અને ઇરફાન રફીક સલાટ (બંને રહે. ગોંડલ)
પાસે કોઈ નાણાધીરધારનું લાયસન્સ ન હોવા છતાં તેમણે ફરિયાદીને રૂ.44 હજાર માસિક 3 ટકાના
વ્યાજે આપ્યા હતા. ફરિયાદીએ આ રકમ સામે વ્યાજ પેટે કુલ રૂ.20 હજાર ચૂકવી દીધા હતા.
તેમ છતાં આરોપીઓએ ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપીને માનસિક રીતે હેરાન કર્યા હતા.
આ અંગે સુલ્તાનપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ગુનો
નોંધાયા બાદ પોલીસે તાત્કાલિક પગલાં ભરીને આરોપીઓની ધરપકડ કરી હતી. દરમિયાન આરોપીઓના
ઘરે સર્ચ કરીને ફરિયાદીના સોના-ચાંદીના દાગીના રિકવર કરવામાં આવ્યા હતા. જેમાં સોનાની
ચાંદલી, ચાંદીનું કડું અને ચાંદીની લક્કી સહિતનો મુદ્દામાલ ઝડપાયો હતો. પોલીસને વિગતો
મળી હતી કે, આરોપીઓએ અન્ય લોકોના દાગીના અને દસ્તાવેજો પણ પોતાની પાસે ગેરકાયદે રીતે
રાખ્યા છે. પોલીસે આશરે 90 જેટલા અન્ય ભોગ બનનાર નાગરિકોનો સંપર્ક સાધ્યો હતો. પોલીસની
સમજાવટ અને કડક વલણને કારણે આરોપીઓએ સ્વેચ્છાએ અન્ય ભોગ બનનારાઓના સોના-ચાંદીના દાગીના
અને જમીનના દસ્તાવેજો પરત આપી દીધા હતા. પરત કરાયેલા મુદ્દમાલમાં 180.65 ગ્રામ સોનાના
દાગીના, 19 કિલો 324 ગ્રામ ચાંદીના દાગીના તેમજ જમીન, મકાન, પ્લોટના દસ્તાવેજો તથા
વાહન અને આર.સી. બુક સહિત સહી કરેલા કોરા ચેક મળી કુલ રૂ.1.05 કરોડનો મુદ્દામાલ રિકવર
કરી અસલી માલિકોને પરત અપાવ્યો છે.