એડવોકેટ સામે એક જ દિવસમાં નોંધાઈ હતી બે ફરિયાદ
પોરબંદર, તા.25: પોરબંદરના એડવોકેટ
સામે એક જ દિવસમાં બે પોલીસ ફરિયાદ થઈ હતી. જેથી તેની સામે પાસા હેઠળ કાર્યવાહી થાય
નહીં તે માટે હાઇકોર્ટમાંથી વચગાળાનો સ્ટે મેળવ્યો છે.
પોરબંદરમાં પ્રેક્ટિસ કરતા એડવોકેટ
અકબર સુલેમાન સેલોત તા.13/08/2026ના કલેક્ટર કચેરી ખાતે એક પક્ષકારને લગતા વિવાદ દરમિયાન
બનેલી એક જ ઘટનાના અનુસંધાને કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે પોલીસે ફરજમાં રૂકાવટનો અને
પોલીસની જીપમાંથી યુવતીને છોડાવીને અપહરણ કરી જવાનો વકીલ અને યુવતીના માતા-પિતા સહિત
આઠ લોકો સામે ગુનો નોંધ્યો હતો.
આ સંજોગોમાં એડવોકેટ સેલોતે ગુજરાત
હાઇકોર્ટ સમક્ષ પાસા હેઠળ સંભવિત અટકાયત સામે રક્ષણ મેળવવા અરજી કરી હતી. આ મામલે ગુજરાત
હાઇકોર્ટ એડવોકેટ્સ એસો.ના પ્રમુખ એડવોકેટ યતીન ઓઝાએ એડવોકેટ અકબર સુલેમાન સેલોત તરફથી
હાઇકોર્ટ સમક્ષ દલીલ કરી હતી. હાઇકોર્ટની ડિવિઝન બેન્ચ જસ્ટિસ ગીતા ગોપી તથા જસ્ટિસ
પીરઝાદા સમક્ષ મામલો રજૂ થતાં અરજદાર એડવોકેટને વચગાળાનું રક્ષણ-સ્ટે આપવામાં આવ્યો
છે.