• ગુરુવાર, 27 ઑગસ્ટ, 2026

ભાવનગરના યુવકને ઓછા ચાર્જમાં ક્રેડિટ કાર્ડ લેવાની લાલચ ભારે પડી

બેંક કર્મચારી બની ઠગે KYCના બહાને OTP મેળવી ચાર ટ્રાન્ઝેક્શન મારફત રૂ.3.26 લાખની ઠગાઈ કરી

ભાવનગર, તા.26 : ઓછા ચાર્જમાં ક્રેડિટ કાર્ડ લેવાની લાલચ ભાવનગરના એક યુવકને ભારે પડી છે. ઠગે બેંક કર્મચારી હોવાનું જણાવી યુવક પાસેથી કેવાયસીના બહાને માહિતી અને ઓટીપી મેળવી કુલ રૂ.3.26 લાખથી વધુની ઓનલાઈન ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે. આ મામલે ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસે અજાણ્યા શખસ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ઘોઘારોડ વિસ્તારમાં આવેલી મીરાપાર્ક સોસાયટીમાં રહેતા અને જીઆઈડીસીમાં હેલ્પર તરીકે નોકરી કરતા અશોક ચૌહાણને ગત 8 જુલાઈએ અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાને આઈસીઆઈસીઆઈ બેંકનો કર્મચારી ગણાવી ઓછા ચાર્જમાં રૂપે ક્રેડિટ કાર્ડ આપવાની ઓફર કરી હતી. અશોક તેની વાતમાં આવી જતા ઠગે વોટ્સએપ પર એક લિંક મોકલી હતી. લિંક દ્વારા પાન કાર્ડ અને આધાર કાર્ડના ફોટા અપલોડ કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ કેવાયસી પૂર્ણ કરવાના બહાને મોબાઈલ પર આવેલો ઓટીપી પણ મેળવી લેવામાં આવ્યો હતો. ઠગે 24 કલાકમાં ક્રેડિટ કાર્ડ ઘરે આવી જશે તેવી ખાતરી આપી હતી. પરંતુ કાર્ડ ન મળતાં અશોકે 18 જુલાઈએ હિસ્ટ્રી તપાસી હતી. જેમાં 9 અને 10 જુલાઈ દરમિયાન ચાર અલગ-અલગ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા રૂ.3,26,108 ઉપાડી લેવાયા હોવાનું બહાર આવ્યું હતું. છેતરાપિંડીની જાણ થતાં યુવકે સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે ગુનો નોંધી ઠગ સુધી પહોંચવા વધુ તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક