મોડાસા, તા.1 : અમદાવાદ શહેરમાં જાહેર પરિવહન સેવા તરીકે મહત્ત્વની ગણાતી ઇછઝજ બસોમાં મુસાફરોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે, ખાસ કરીને નરોડાથી નારોલ વચ્ચેના રૂટ પર પરપ્રાંતીય ખિસ્સાકાતરું ગેંગ સક્રિય થઈ હોવાની ફરિયાદો સામે આવી છે. તાજેતરમાં પત્રકાર પણ આ માર્ગ પર ઇછઝજ બસમાં મુસાફરી દરમિયાન આ ગેંગનો ભોગ બન્યા હતા, જ્યાં રવિવારે મુસાફરી કરતી વેળાએ તેમનું ખીસ્સું કાપી રોકડ રકમ અને મહત્ત્વના ડૉક્યુમેન્ટ્સ ચોરી લેવામાં આવ્યા હતા. આ ટોળકી દ્વારા ફુલ ભરેલી બસોને જ નિશાન બનાવવામાં આવે છે, જેમાં વિવિધ સ્ટેશનોથી ગેંગના સભ્યો બસમાં ચઢીને મુસાફરોની ભારે ભીડનો ગેરલાભ લે છે અને બસમાંથી ઉતરતી વખતે ધક્કામુક્કી તથા ગેરસમજ ઊભી કરી પેન્ટ કે શર્ટના ખિસ્સા તેમજ બેગમાંથી મોબાઇલ, રોકડ અને કિંમતી ચીજવસ્તુઓ સેરવી લે છે. મુસાફરોનું સ્પષ્ટપણે કહેવું છે કે બસ સ્ટોપ પર ઉતરતી વખતે સર્જાતી ભારે ભીડના સમયે જો સુરક્ષા કર્મચારીઓ ખાસ નજર રાખે અને ઇછઝજ તંત્ર તથા પોલીસ દ્વારા સંયુક્ત રીતે પેટ્રાલિંગ તથા ચાકિંગ વધારવામાં આવે, તો જ આ ખિસ્સાકાતરું ટોળકીની હરકતો પર અંકુશ મેળવીને મુસાફરોને સુરક્ષા પૂરી પાડી શકાશે.