• બુધવાર, 02 સપ્ટેમ્બર, 2026

ગોંડલમાં હોર્ન વગાડવા બાબતે બોલાચાલી પોલીસમેન સહિત 7 શખસ સામે ફરિયાદ

ગોંડલ, તા.1: ગોંડલમાં વાહન હંકારવા બાબતે સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. કારચાલક કથિત પોલીસમેન મહેન્દ્ર ઉર્ફે કાલુ ખીમસુરીયા અને તેના સાગરીતોએ એક્ટિવા ચાલક મહિલા, તેના પતિ તેમજ સંબંધી પર જીવલેણ હુમલો કરી માર માર્યો હતો. આ મામલે ભગવતપરા વિસ્તારમાં રહેતા નર્મદાબેન પરમારની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગત તા. 30ના રોજ રાત્રે નર્મદાબેન અને તેમના સંબંધી વિશાલભાઈ દાફડા એક્ટિવા પર જઈ રહ્યા હતા ત્યારે પાછળથી પૂરઝડપે આવેલી કારના ચાલક મહેન્દ્ર ઉર્ફે કાલુ ખીમસુરિયા દ્વારા સતત હોર્ન વગાડવામાં આવ્યું હતું. સાઇડ આપ્યા બાદ પણ બિનજરૂરી હોર્ન બાબતે ટકોર કરતા મહેન્દ્ર ઉર્ફે કાલુ ખીમસુરિયા અને તેની સાથે રહેલા કપીલ ચાંડપા ઉશ્કેરાઈ ગયા હતા અને ત્રણેય ઇજાગ્રસ્તોને ઢીંકાપાટુનો માર મારવા લાગ્યા હતા.

ઝઘડો વધતા મુખ્ય આરોપીએ પોતાના અન્ય સાગરીતો માનવ રાજા ખીમસુરિયા, સની ખીમસુરિયા, રવી દુલા પરમાર, મિલન રાજા ખીમસુરિયા અને ગીલી ડાંગરને બોલાવી લીધા હતા. આ ટોળકીએ ગેરકાયદે મંડળી રચીને તમામ પર હુમલો કર્યો હતો. તે દરમિયાન ત્યાંથી પસાર થતી 112 જનરક્ષક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને વચ્ચે પડી બચાવવાનો પ્રયાસ કર્યો હતો. હુમલાખોરોએ સરકારી ફરજમાં રુકાવટ કરી 112 ટીમનો મોબાઈલ ફોન પણ તોડી નાખ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક