• ગુરુવાર, 03 સપ્ટેમ્બર, 2026

ટેન્કરમાંથી કેમિકલ ચોરીનું ઢાબા કનેકશન ઝડપાયું, રૂ. 45.29 લાખનો મુદ્દામાલ કબજે

- કટારિયા ટોલનાકા નજીક યુપી-બિહાર ઢાબાના પાર્કિંગમાં ટેન્કરમાંથી માલિકની જાણ બહાર કેમિકલ કાઢી લેવાતું હોવાનો પર્દાફાશ : બે આરોપીની ધરપકડ, ત્રણ સામે ગુનો

સુરેન્દ્રનગર, તા. 2 : રાજકોટ-અમદાવાદ હાઇવે પર હોટલ-ઢાબાના પાર્કિંગનો ઉપયોગ કરી ટેન્કરમાંથી કેમિકલ ચોરી કરવાની પ્રવૃત્તિનો રાજકોટ રેન્જ ટીમે પર્દાફાશ કર્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના પાણસીણા પોલીસ સ્ટેશનની હદમાં કટારીયા ગામની સીમમાં કટારિયા ટોલનાકા નજીક આવેલી યુ.પી.-બિહાર હોટલના પાર્કિંગમાંથી ટેન્કરમાંથી કેમિકલની ચોરી કરવામાં આવતી હોવાની ચોક્કસ માહિતીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આ સમગ્ર મામલે કુલ પાંચ આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે અને રૂ. 45,29,447નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર અપુર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ હાઇવે પરની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે બાતમી અને હ્યુમન સોર્સ મારફતે માહિતી એકત્ર કરી રહી હતી. આ દરમિયાન પો.સ.ઇ. સી.એમ. કાંટેલિયા તથા તેમની ટીમને મળેલી ચોક્કસ હકીકતના આધારે કટારિયા ટોલનાકા નજીક આવેલી યુ.પી.-બિહાર ઢાબા હોટલના પાર્કિંગમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ, ટેન્કર માલિકની જાણ બહાર ટેન્કરમાંથી કેમિકલ ચોરી કરી હોટલમાં રાખવામાં આવતું હોવાની હકીકત સામે આવી હતી. સ્થળ પરથી ચોરી કરાયેલા કેમિકલ સાથે ટેન્કર તથા કેમિકલ ચોરીમાં ઉપયોગમાં લેવાતા અન્ય સાધનો મળી આવતા પોલીસે કુલ કિંમત રૂ. 45,29,447 મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં સ્થળ પરથી મળી આવેલા આરોપીઓ પૈકી માજીદ વાર્હદ અલી, રહે. મલ્હુપર, તા. સરાયા રાજા, થાના દેલ્હુપરુ, જી. પ્રતાપગઢ, ઉત્તરપ્રદેશ અને સાહિલ ફિરોઝભાઇ મુલતાની, રહે. અંકેવાળિયા, તા. લીંબડી, જી. સુરેન્દ્રનગરની પોલીસે ધોરણસર ધરપકડ કરી છે જ્યારે ઇકલાખખાન, જયરાજાસિંહ ભુપતાસિંહ રાઠોડ, રહે. ચુડા, જી. સુરેન્દ્રનગર તથા જયવીરભાઇ કાઠી હાજર મળી આવ્યા ન હોવાથી તેમના વિરુદ્ધ પણ પાણસીણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક