• રવિવાર, 27 સપ્ટેમ્બર, 2026

શરતો નામંજૂર ઃ ટ્રમ્પે ફગાવ્યો ઈરાનનો પ્લાન

મીડટર્મ ચૂંટણી પછી ફરી ઈરાન ઉપર હુમલો કરવાની તૈયારીમાં ટ્રમ્પ

નવી દિલ્હી, તા. 26 ઃ મધ્ય પૂર્વમાં તણાવ વચ્ચે ઈરાને અમેરિકા સામે 7 દિવસનો એક પ્લાન રજૂ કર્યો હતો. જેમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલવા, પરમાણુ વાતચીત ફરીથી શરૂ કરવાની વાત કરવામાં આવી હતી. તેના બદલામાં ઈરાને અમેરિકાને અમુક પગલાં ભરવા કહ્યું હતું. હવે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રસ્તાવને ફગાવી દીધો છે. અમેરિકી અધિકારીઓ અનુસાર ટ્રમ્પે પોતાના સહયોગીઓને કહ્યું છે કે નવેમ્બર મહિનામાં થનારી મીડટર્મ ચૂંટણી બાદ ઈરાન ઉપર ફરીથી હુમલા શરૂ થઈ શકે છે.

ઈરાનનો પ્લાન કતર મારફતે અમેરિકાને પહોંચાડવામાં આવ્યો હતો. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું હતું કે, અમેરિકા પ્રસ્તાવનો સ્વીકાર કરશે તો સાત દિવસની સમયસીમા શરૂ થશે. આ માટેની જરૂરી તૈયારી પહેલા જ પૂરી કરી લેવામાં આવી છે. ઈરાન સાત દિવસના પ્રસ્તાવમાં હોર્મુઝ ખોલવા તૈયાર હતું. સાતમા દિવસે અમેરિકા સાથે વાતચીત ફરીથી શરૂ થવાની હતી. જેમાં અમેરિકા સમક્ષ માગણી કરવામાં આવી હતી કે ઈરાની પોર્ટની ઘેરાબંધી હટાવવામાં આવે, ઈરાનનાં ક્રૂડને વેચાણની છૂટ આપવામાં આવે અને એવું યુદ્ધ વિરામ લાગુ કરવામાં આવે જેમાં લેબનોન પણ સામેલ હોય.

એક અમેરિકી રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે અમેરિકી અધિકારીઓ અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના પ્રસ્તાવને ફગાવી દીધો છે. ટ્રમ્પને ભરોસો નથી કે ઈરાન માગ પૂરી કરશે. આ જ કારણથી ટ્રમ્પે સહયોગીઓને કહ્યું છે કે મીડટર્મ ચૂંટણી પછી ઈરાન ઉપર હુમલા ફરીથી શરૂ થઈ શકે છે. જો કે રિપોર્ટમાં સાફ કરવામાં આવ્યું નથી કે જો હુમલો થશે તો તેનું સ્તર કેવડું રહેશે. ટ્રમ્પ મોટા સૈન્ય અભિયાનને લઈને પણ પૂરી રીતે તૈયાર લાગી રહ્યા નથી. જેનું મુખ્ય કારણ અમેરિકા પાસે ઘટી રહેલો સૈન્ય ભંડાર છે. અમેરિકા આ હથિયારોને બીજી સંભવિત જરૂરિયાત માટે બચાવીને રાખવા માગે છે.

ઇ-પેપરના નવા શુલ્ક