• રવિવાર, 27 સપ્ટેમ્બર, 2026

જ્ઞાનેશ કુમાર સામે યથાવત્ રહેશે હલ્લાબોલ

મમતાથી ડાબેરીઓ સુધી વિપક્ષી નેતાઓ એકબીજાના સંપર્કમાં : બેઠકમાં આગામી રણનીતિ ઘડાશે

નવી દિલ્હી, તા. 26 : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર ઉપર આક્રમક વિપક્ષ હવે એકજૂથ બની રહ્યો છે. જ્ઞાનેશ કુમારને હટાવવાની માગ કરી રહેલા વિપક્ષી ઇન્ડિ ગઠબંધનના મોટા નેતાઓ એકબીજાના સંપર્કમાં છે. આગામી અઠવાડિયે ગઠબંધનની બેઠક અને સંયુક્ત પ્રેસ કોન્ફરન્સની યોજના બનાવવામાં આવી રહી છે. આ મામલે મમતા અને અભિષેક બેનરજીએ રાહુલ ગાંધી સાથે વાતચીત કરી છે. આ ઉપરાંત સીપીએમ મહાસચિવ એમએ બેબીએ મમતા બેનરજીનો સંપર્ક કર્યો છે. આટલું જ નહીં આવતા મંગળવારે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક પણ છે. આ બેઠકમાં મુખ્ય રીતે એસઆઇઆરને લઈને ચૂંટણી પંચમાં મતભેદની ચર્ચા થઈ શકે છે અને જ્ઞાનેશ કુમાર સામે વિરોધને વધારે આક્રમક બનાવવા અંગે રણનીતિ બનાવવામાં આવી શકે છે.

આ ઉપરાંત ફોર્મ છમાં બદલાવને લઈને પણ કોંગ્રેસ આક્રમક છે. શનિવારે સવારે કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે એક્સ ઉપર લખેલી પોસ્ટમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ અપીલ કરી હતી. તેમના કહેવા પ્રમાણે સુપ્રીમ કોર્ટે આ મામલે સ્વત: સંજ્ઞાન લેવું જોઈએ. જયરામ રમેશે માગણી કરી હતી કે જ્ઞાનેશ કુમારને એસઆઇઆર અને ફોર્મ 6મા અસંવૈધાનિક ફેરફાર માટે જવાબદાર ઠેરવવા જોઈએ. ચૂંટણી પંચ અત્યારે ગભરાટમાં છે. જેનાં કારણે ઝડપથી જેન ઝી વોટ જોડવામાં આવી રહ્યા છે. હવે યુવા પેઢીના વોટરોનાં નામ જોડવામાં આવી રહ્યા છે અને તેઓને સોશિયલ મીડિયાનાં માધ્યમથી સંપર્કમાં લેવામાં આવી રહ્યા છે.

સોશિયલ મીડિયા મારફતે વ્યાપક પ્રચાર કરવા ચૂંટણી પંચ અને જ્ઞાનેશ કુમારને નિર્દેશ મળ્યા છે. જો કે આ પહેલાં મુખ્ય ચૂંટણી કમિશનરે ફોર્મ છમાં ખુલ્લી રીતે ગેરકાનૂની અને અસંવૈધાનિક ફેરફાર કરીને મતદારોનું નામ યાદીમાં જોડવું અસંભવ બનાવ્યું હતું. કોંગ્રેસે લખ્યં હતું કે નવા વોટરો માટે માતા-પિતા અને દાદા-દાદી એસઆઇઆરમાં સામેલ છે કે નહીં તે વિકલ્પ અયોગ્ય અને ગેરકાનૂની છે. જુલાઈ 2026માં ગૂપચૂપ રીતે આ બદલાવ સામેલ કરી દેવાયો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક