-રાજ્યમાં 9% અને સૌરાષ્ટ્ર-કચ્છમાં 22% વરસાદની ઘટ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા.26
ઃ રાજ્યમાં ફરી વરસાદી માહોલ સર્જાવાની શક્યતા વચ્ચે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છ માટે રાહતરૂપ આગાહી કરી છે. હવામાન
વિભાગના જણાવ્યા મુજબ 30 સપ્ટેમ્બરથી
2 ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. ઉપરાંત
આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ છૂટોછવાયો હળવો વરસાદ પડવાની શક્યતા છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે, વેસ્ટર્ન
ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે રાજ્યમાં ફરી વરસાદી સ્થિતિ ઊભી થઈ શકે છે. ખાસ
કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિ જોવા મળે તેવી શક્યતા છે. લાંબા
સમયથી વરસાદની ઘટનો સામનો કરી રહેલા વિસ્તારો માટે આ આગાહી રાહતરૂપ બની શકે છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય 701 મીમીની
સામે 637 મીમી
વરસાદ નોંધાયો છે. આમ,
રાજ્યમાં કુલ વરસાદમાં 9 ટકાની
ઘટ છે. બીજી
તરફ સૌરાષ્ટ્ર અને કચ્છમાં અત્યાર સુધીમાં 22 ટકા
વરસાદની ઘટ નોંધાઈ છે. તેથી
આગામી ત્રણ દિવસ દરમિયાન થનારો હળવાથી મધ્યમ વરસાદ પાણીની અછત ધરાવતા વિસ્તારો માટે મહત્વનો બની શકે છે. હવે
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર કેટલી રહે છે અને કયા વિસ્તારોમાં વરસાદ થાય છે તેના પર સૌની નજર રહેશે. ખેડૂતો
અને સ્થાનિક તંત્ર આ આગાહીને ધ્યાનમાં રાખીને આયોજન કરી રહ્યા છે.