રમતવીરોએ પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખતા દેશને વધુ 7 મેડલ અપાવ્યા
નવી
દિલ્હી, તા.26 : એશિયન ગેમ્સમાં ભારત માટે આજનો દિવસ ઐતિહાસિક રહ્યો હતા. રમતવીરોએ
પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખતા દેશને વધુ 7 મેડલ અપાવ્યા હતા. ભારતે કબડ્ડીમાં પોતાનો
દબદબો કાયમ રાખતા પુરુષ અને મહિલા બંને વર્ગમાં સુવર્ણ ચંદ્રક પોતાના નામે કર્યા હતા.
ખાસ વાત એ છે કે, બંને ટીમોએ ફાઇનલ મુકાબલામાં કટ્ટર હરીફ ઈરાનને ધૂળ ચટાડી હતી. આ
ઉપરાંત, એથ્લેટિક્સ, મેરેથોન, શૉટપુટ અને શાટિંગમાં પણ ભારતે શાનદાર પ્રદર્શન કરતા
મેડલ જીત્યા છે, જ્યારે મેન્સ હોકી ટીમ સેમિફાઇનલમાં પ્રવેશી ચૂકી છે.
પુરુષોની ફાઇનલ મેચ અત્યંત તણાવપૂર્ણ રહી હતી. ભારતીય
પુરુષ ટીમે ઈરાનને 40-34થી પરાજય આપીને પોતાનો સુવર્ણ ચંદ્રક જાળવી રાખ્યો છે. એક સમયે
સ્કોર 20-20ની બરાબરી પર હતો. પરંતુ ભારતીય ખેલાડીઓએ નિર્ણાયક સમયે લીડ મેળવી લીધી
હતી. મહિલા કબડ્ડી ટીમે પણ ફાઇનલમાં ઈરાનને 37-34થી માત આપીને ચોથી વખત સુવર્ણ ચંદ્રક
જીત્યો હતો. હાફ ટાઈમ સુધી ભારત 22-16થી આગળ હતું, પરંતુ બીજા હાફમાં ઈરાને શાનદાર
વાપસી કરી હતી. એક સમયે ભારત 27-22થી આગળ હતું, ત્યારે ઈરાનની એટેના મદાદીએ ચાર પોઈન્ટની
રેડ કરી સ્કોર 27-26 કરી દેતા મેચ રોમાંચક બની હતી. જોકે, ભારતીય ડિફેન્સે ત્યારબાદ
મજબૂત પકડ જમાવી ઈરાનને વધુ કોઈ તક આપી ન હતી. મહિલા ટીમનો આ સળંગ પાંચમો એશિયાડ મેડલ
છે.
પુરુષોની
મેરેથોનમાં સાવન બરવાલે ઇતિહાસ રચ્યો છે. તેણે 2 કલાક 11 મિનિટ અને 37 સેકન્ડના રાષ્ટ્રીય
રેકોર્ડ સાથે સિલ્વર મેડલ જીત્યો છે. એશિયન ગેમ્સ મેરેથોનમાં ભારતને 44 વર્ષના લાંબા
અંતરાલ બાદ મેડલ મળ્યો છે. અગાઉ 1982 દિલ્હી એશિયાડમાં ભારતે બ્રોન્ઝ જીત્યો હતો.
શોટ
પુટ એટલે કે ગોળા ફેંકમાં ભારતના સ્ટાર એથ્લેટ તજિન્દરપાલ સિંહ તૂરે 20.46 મીટરના થ્રો
સાથે સિલ્વર મેડલ જીત્યો છે. અગાઉ સળંગ બે વખત ગોલ્ડ જીતનાર તૂરનો એશિયન ગેમ્સમાં આ
ત્રીજો મેડલ છે. ઈરાનના મોહમ્મદરેઝા તૈયબીએ 20.81 મીટરના થ્રો સાથે તૂરનો 2018નો એશિયન
ગેમ્સ રેકોર્ડ (20.75 મીટર) તોડીને ગોલ્ડ જીત્યો હતો. સાઉદી અરેબિયાના મોહમ્મદ ટોલુએ
બ્રોન્ઝ મેડલ (20.48 મીટર) મેળવ્યો હતો.
મહિલાઓની
50 મીટર રાઇફલ થ્રી-પોઝિશન ટીમ ઇવેન્ટમાં આશી ચોકસે, તિલોત્તમા સેન અને વિદાર્શા વિનોદની
ત્રિપુટીએ દેશને સિલ્વર મેડલ અપાવ્યો છે. આ ઇવેન્ટમાં ચીને ગોલ્ડ પર કબ્જો જમાવ્યો
હતો. આ સાથે સ્ક્વોશની મિક્સ્ડ ડબલ્સ ઇવેન્ટમાં અનુભવી ખેલાડી જોશના ચિનપ્પા અને વેલાવન
સેંથિલકુમારની જોડીનો સેમિફાઇનલમાં પરાજય થતાં તેમને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડયો
છે.
મહિલાઓની
400 મીટર પ્રિન્ટ ઇવેન્ટમાં ભારતની યુવા એથ્લેટ પ્રાચી ચૌધરીએ 53.21 સેકન્ડના સમય સાથે
બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ જ ઇવેન્ટમાં ભાગ લઈ રહેલી અન્ય ભારતીય એથ્લેટ કિરણ પહેલે
પણ શરૂઆતથી જ શાનદાર લય જાળવી રાખી હતી. રેસના મોટાભાગના સમય સુધી તે ટ્રેક પર અત્યંત
મજબૂત સ્થિતિમાં દેખાઈ રહી હતી અને મેડલની પ્રબળ દાવેદાર લાગતી હતી. જોકે, રેસના અંતિમ
અને નિર્ણાયક તબક્કામાં તેની ગતિ ધીમી પડી જતા તે પાછળ રહી ગઈ હતી અને સહેજ માટે મેડલ
ચૂકવી પડી હતી.