પૈગંબરની મસ્જિદનું પાવર સ્ટેશન નિશાને લેવાયાનો સાઉદીનો આરોપ : હુથી વિદ્રોહીઓએ દાવો ફગાવ્યો
નવી
દિલ્હી, તા. 2 : મુસલમાનો માટે સૌથી પવિત્ર સ્થળોમાંથી એક મક્કા ઉપર હુમલા બાદ હવે
સાઉદી અરબના મદીના ઉપર હુમલાના અહેવાલ સામે
આવ્યા છે. રિપોર્ટસ અનુસાર યમનના હૂથી વિદ્રોહીઓએ મદીના ઉપર એક મોટો હુમલો કર્યો છે.
સાઉદીના સૈન્ય ગઠબંધન અનુસાર હુમલા મદીના સ્થિત તાઈબા પાવર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન પાસે
થયો હતો અને હૂથી વિદ્રોહીઓએ ડ્રોન મારફતે
હુમલો કર્યો હતો. આ પાવર સ્ટેશન મસ્જિદ એ નબવીને વીજ આપૂર્તિ કરે છે. જેને પૈગંબરની
મસ્જિદ પણ કહેવામાં આવે છે.
સાઉદી
સેનાના એક પ્રવક્તાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર હુમલાનો આરોપ મુક્યો હતો. જેમાં
કહેવામાં આવ્યું હતું કે હુમલો ગત મંગળવારના રોજ થયો હતો. જેમાં એક ટ્રાન્સફોર્મર પુરી
રીતે ક્ષતિગ્રસ્ત થયું હતું. જો કે પાવર નેટવર્કને તરત જ બહાલ કરી લેવામાં આવતા વિજળી
સેવા ઉપર વધારે અસર પડી નહોતી. સાઉદી ગઠબંધને
હુથી હુમલાની આકરી નિંદા કરી હતી. પ્રવક્તા અલ મલ્કીએ કહ્યું હતું કે, હુમલો બન્ને
પવિત્ર મસ્જિદને નિશાન બનાવવાની કોશિશનો હિસ્સો છે. બીજી તરફ હૂથીઓ દ્વારા હુમલાને
અંજામ અપાયાના રિપોર્ટને ફગાવાયા હતા અને કહ્યું હતું કે સાઉદીના દાવા ખોટા છે. સાઉદી
પોતાની નાકામી છુપાવવા ખોટા દાવા કરે છે. અગાઉ પણ સાઉદી પોતાની વાત સાબિત કરી શક્યું
નથી.