• શનિવાર, 03 ઑક્ટોબર, 2026

અરુણાચલ પછી હવે લદ્દાખ : ભારતે અધિકૃત નક્શામાં દેખાડયા 28 સ્થાન

ચીનને શૂળ ઉપડવાનું નક્કી : નક્શાની આક્રમકતા સામે ભારતનો સજ્જડ જવાબ

નવી દિલ્હી, તા.2: અરુણાચલ પ્રદેશ પછી હવે લદ્દાખમાં પણ કેન્દ્ર સરકાર તરફથી એક એવું પગલું ભરવામાં આવ્યું છે જેનાથી પાડોશી દેશ ચીનને બળતરા ઉપડશે. ગૃહ મંત્રાલયે લદ્દાખમાં 28 વ્યૂહાત્મક સ્થાનો અને ભૌગોલિક વિશેષતાઓને અધિકૃત ભારતીય માનચિત્ર એટલે કે નક્શા ઉપર ઔપચારિક રીતે ચિહ્નિત કર્યા અને દર્શાવ્યા છે. આમાં વાસ્તવિક નિયંત્રણ રેખા(એલએસી) ઉપર ગોગરા અને હોટ સ્પ્રિંગ જેવા સરહદી વિખવાદવાળા સ્થાનો પણ સામેલ છે.

ગૃહ મંત્રાલયે આ સ્થાનો દેખાડતો નક્શો જારી કરતાં કહ્યું હતું કે, કેન્દ્ર શાસિત પ્રદેશ પ્રશાસન સાથે વિચાર વિમર્શ બાદ આ પગલું ભરવામાં આવ્યું છે. આ પગલાનો હેતુ અધિકૃત નક્શા-નિર્માણને વ્યવસ્થિત કરવો, સટીક ઓળખને આસાન બનાવવી અને સંવેદનશીલ સીમાવર્તી વિસ્તારો વિશે લોકોમાં બહેતર જાગરુકતા લાવવાનો છે.

આ પહેલા ઓગસ્ટ માસમાં ગૃહમંત્રાલયે આવી જ રીતે અરુણાચલ પ્રદેશમાં પણ 27 ઠેકાણાનું નામકરણ કર્યુ હતું અને તેનો નક્શો પણ જારી કર્યો હતો. તેની સામે પણ ચીને વાંધો ઉઠાવેલો.

સરકારનાં એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભારત સરકારે લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ પ્રશાસન સાથે પરામર્શ કરીને ભારતીય સર્વેક્ષણ વિભાગ(એસઓઆઈ)નાં અધિકૃત નક્શા ઉપર લદ્દાખમાં મોજૂદ કુલ 28 સ્થાન, વિશેષતાની ઓળખ સાથે કરી છે.

ગોગરા અને હોટ સ્પ્રિંગ મુખ્ય વ્યૂહાત્મક સ્થાનોમાં સામેલ છે અને 2020માં ભારત-ચીનની સેના વચ્ચે ટકરાવ પણ આ સ્થાને જ થયો હતો. ભારતીય પહેરેદારી માટે આ મહત્વનાં સ્થાનો છે.

આ ઘટનાક્રમ એવા સમયે સામે આવી રહ્યાં છે જ્યારે ચીને અરુણાચલ પ્રદેશ અને લદ્દાખની જગ્યાઓ માટે મેંડરીન નામ નક્કી કરીને પોતાની નક્શા સંબંધિત આક્રમકતા વધારી હતી. જેથી આ જગ્યાઓ ઉપર તે પોતાનો દાવો મજબૂત કરી શકે. ચીનનું કહેવું છે કે, લદ્દાખ અને અરુણાચલ તિબેટનો હિસ્સો છે અને તે આ ભારતીય વિસ્તારો ઉપર પોતાનો દાવો કરતું આવ્યું છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક