• શનિવાર, 03 ઑક્ટોબર, 2026

નાગોયામાં ભારતની ‘સુવર્ણ-સિકસર’ : એક જ દિવસમાં 6 ગોલ્ડ

બોક્સિંગ, કુસ્તી, તીરંદાજી સહિતની સ્પર્ધામાં ભારતના ખાતે વધુ 10 મેડલ ઉમેરાયા, કુલ મેડલનો આંકડો 76 સુધી પહોંચ્યો

નવી દિલ્હી, તા.2: એશિયન ગેમ્સના સમાપનને હવે ગણતરીના કલાકો બાકી છે. ત્યારે ભારતીય દળે મેદાન પર સારો દેખાવ કરી આજે એક જ દિવસમાં 6 ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધા છે. બોક્સિંગમાં ત્રણ, કુશ્તી અને તીરંદાજીમાં એક-એક તથા છેલ્લે મહિલા હોકી ટીમે 1982 બાદ સૌપ્રથમ વખત ગોલ્ડ મેડલ જીત્યો છે. હવે ભારતે જીતેલા મેડલની સંખ્યા 76 સુધી પહોંચી ગઈ છે.

14મા દિવસની સર્વોચ્ચ અને રોમાંચક ક્ષણ મહિલા રિકર્વ તીરંદાજી સ્પર્ધામાં જોવા મળી હતી. અંકિતા ભકત, કુમકુમ અનિલ મોહોડ અને કીર્તિ શર્માની ત્રિપુટીએ ફાઇનલમાં 10 વખતની ઓલિમ્પિક ચેમ્પિયન દક્ષિણ કોરિયાને પરાજય આપીને દેશને આ ઇવેન્ટનો પ્રથમ ઐતિહાસિક ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. 1970ના દાયકા પછી એશિયન ગેમ્સની ફાઇનલમાં ક્યારેય ન હારનારી વિશ્વવિખ્યાત કોરિયન ટીમના દબદબાનો ભારતીય મહિલાઓએ સચોટ નિશાન સાધીને અંત આણ્યો હતો.

બોક્સિગમાંથી કુલ ત્રણ ગોલ્ડ દેશની ઝોળીમાં આવ્યા છે. રિંગમાં સ્ટાર બોક્સર લવલીના બોરગોહેને મહિલાઓની 75 કિગ્રા કેટેગરીમાં સુવર્ણ પદક જીતીને નવો કીર્તિમાન સ્થાપ્યો છે. 2014માં દિગ્ગજ એમ. સી. મેરીકોમ બાદ એશિયન ગેમ્સ બોક્સિગમાં ગોલ્ડ જીતનારી લવલીના ભારતની માત્ર બીજી મહિલા બોક્સર બની છે. આ ઉપરાંત સ્ટાર મુક્કાબાજ અંકુશ પંઘાલે પુરુષોના 80 કિગ્રા ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. અંકુશે ચપળ ફૂટવર્ક અને સચોટ પંચિસના જોરે કોરિયન પ્રતિસ્પર્ધી પર સતત દબાણ બનાવી રાખ્યું હતું. કિમ મિન-સિયોંગે વળતો પ્રહાર કરવાના પ્રયાસો કર્યા હોવા છતાં, અંકુશે મજબૂત ડિફેન્સ અને ત્વરિત કાઉન્ટર-એટેક વડે તેને કોઈ તક આપી નહોતી. નિર્ણાયક રાઉન્ડ્સમાં સંયમ અને ઉર્જા જાળવી રાખી હતી. અંતે 4-0થી વિજય થયો હતો. જ્યારે તે પહેલાં વિમેન્સ 65 કિગ્રા કેટેગરીમાં પરવીન હુડ્ડાએ હાઈ-વોલ્ટેજ ફાઇનલમાં બાજી મારી સુવર્ણ સફળતા હાંસલ કરી હતી.

આજના દિવસની સૌથી યાદગાર પૂર્ણાહુતિ મહિલા હોકી ટીમે કરી હતી. જ્યાં ભારતે ચીન સામે 1-0થી દિલધડક જીત મેળવી 1982 પછી પહેલીવાર એશિયાનો તાજ પુન: પ્રાપ્ત કરી લીધો હતો. આ બહુવિધ સુવર્ણ સફળતા સાથે ભારતે મેડલ ટેલીમાં પોતાની સ્થિતિ અત્યંત મજબૂત બનાવી દીધી છે.

ઉપરાંત ભારતીય તીરંદાજોનો દબદબો યથાવત્ રહ્યો છે. રિકર્વ મિક્સ્ડ ટીમ ઇવેન્ટની અત્યંત રસાકસીભરી ફાઇનલમાં ભારતની કુમકુમ મોહોડ અને ધીરજ બોમ્માદેવરાની જોડીએ લડાયક પ્રદર્શન દાખવી સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતા. સુવર્ણ પદક માટેના હાઈ-વોલ્ટેજ મુકાબલામાં ચીનની જિંગયી ઝુ અને મેંગકી લીની જોડીએ નિર્ણાયક ક્ષણોમાં બાજી મારી 5-3થી જીત હાંસલ કરી હતી. ફાઇનલ મુકાબલાની શરૂઆત ભારત માટે આંચકાજનક રહી હતી. પ્રારંભિક બે સેટમાં ચીની જોડીએ સચોટ નિશાન સાધીને 4-0ની મજબૂત લીડ મેળવી લીધી હતી. જોકે, દબાણ હેઠળ આવ્યા વિના ધીરજ અને કુમકુમે અદભુત માનસિક મનોબળ અને તાલમેલનું પ્રદર્શન કર્યું હતું. ભારતીય જોડીએ શાનદાર વાપસી કરતાં સ્કોર 3-4 સુધી લાવી દીધો હતો અને એક તબક્કે મેચને નિર્ણાયક શૂટ-ઓફ તરફ ધકેલવાની પૂરી શક્યતા ઊભી કરી દીધી હતી. પરંતુ આખરી ક્ષણોમાં હાર થઈ હતી.

બીજી તરફ મેન્સ રિકર્વ ટીમ સ્પર્ધાની હાઈ-પ્રોફાઇલ ફાઇનલમાં ધીરજ બોમ્માદેવરા, યશદીપ ભોગે અને નીરજ ચૌહાણની ટીમે પણ લડાયક મિજાજ દાખવી સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. ગોલ્ડ મેડલ માટેના મુકાબલામાં આ રમતના વૈશ્વિક પાવરહાઉસ ગણાતા દક્ષિણ કોરિયાએ ભારત સામે 5-1થી જીત મેળવી સુવર્ણ પદક કબજે કર્યો હતો.

આ ઉપરાંત ભારતીય સેઇલર્સ હર્ષિતા તોમર અને શીતલ વર્માએ વુમન્સ સ્કીફ ઇવેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. ભારતીય જોડીએ 24ના નેટ સ્કોર સાથે ત્રીજું સ્થાન મેળવ્યું હતું, જ્યારે જાપાન (11) ગોલ્ડ અને હોંગકોંગ (15) સિલ્વર મેડલ વિજેતા બન્યા હતા. આખરી અને નવમી રેસના અંતે ભારતીય જોડી શરૂઆતમાં ચોથા સ્થાને રહી હતી. જોકે, તકનીકી નિયમોના ઉલ્લંઘન બદલ ચીનને વધુ બે રેસમાં ડિસ્ક્વોલિફાય જાહેર કરવામાં આવતાં ભારત ત્રીજા સ્થાને પહોંચ્યું હતું અને હર્ષિતા-શીતલને સત્તાવાર રીતે બ્રોન્ઝ મેડલ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ સાથે સ્ટાર સેઇલર નેત્રા કુમાનને પણ ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વુમન્સ ડિંગી સેઇલિંગ ઇવેન્ટમાં શાનદાર પ્રદર્શન કરતાં નેત્રાએ બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે. અગાઉની ત્રણ સળંગ એશિયન ગેમ્સમાં પોડિયમથી નજીક રહીને ચૂકી ગયેલી ભારતીય ખેલાડીએ આખરે એશિયાઈ મંચ પર પોતાનો દબદબો સાબિત કર્યો છે.

મહિલા હોકી ટીમને લાખોના રોકડ ઈનામ

ભારતની મહિલા ટીમના પ્રશંસનીય પ્રદર્શનની કદર કરતાં હોકી ઇન્ડિયાએ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ પર ઇનામોનો વરસાદ કર્યો છે. હોકી ઇન્ડિયાના પ્રમુખ દિલીપ તિર્કીએ ટીમના દરેક ખેલાડી માટે રૂ.10 લાખ તેમજ સપોર્ટ સ્ટાફના પ્રત્યેક સભ્ય માટે રૂ.5 લાખના રોકડ પુરસ્કારની સત્તાવાર જાહેરાત કરી છે. ભારતીય હોકીના દિગ્ગજ ડિફેન્ડર અને પૂર્વ કેપ્ટન રહી ચૂકેલા દિલીપ તિર્કી પોતે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. તેઓ 1998ની એશિયન ગેમ્સમાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ અને 2002ની બુસાન એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનારી ભારતીય ટીમનો મહત્વનો હિસ્સો હતા.

હોકી ટીમની સિદ્ધિ પર વડાપ્રધાન મોદી ગદ્ગદ; પાઠવ્યા અભિનંદન

દેશ માટે ગૌરવપૂર્ણ બનેલી આ ઐતિહાસિક ક્ષણ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા હોકી ટીમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે અને આ સફળતાને ભારતીય રમતગમત જગત માટે અત્યંત વિશેષ ગણાવી છે. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અભિનંદન સંદેશ પાઠવતાં જણાવ્યું કે, ભારતીય હોકી માટે આ એક અતિ વિશેષ ક્ષણ છે! 4 દાયકાથી પણ વધુ સમય બાદ એશિયન ગેમ્સમાં પ્રતિષ્ઠિત ગોલ્ડ મેડલ પોતાના નામે કરનારી મહિલા હોકી ટીમની આ ભવ્ય સફળતા પર સમગ્ર ભારત ગર્વ અનુભવી રહ્યો છે અને ઉત્સવ મનાવી રહ્યો છે. આ ઐતિહાસિક વિજય ખેલાડીઓના ઉત્કૃષ્ટ કૌશલ્ય અને પરસ્પરના અદ્ભુત તાલમેલનું જ પરિણામ છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક