• ગુરુવાર, 21 સપ્ટેમ્બર, 2023

નમામી દેવી નર્મદે: સરદાર સરોવર છલકાતાં મુખ્યમંત્રીનું જળ પૂજન

19 લાખ ક્યુસેક પાણી છોડાતા ભરૂચનાં ગામોને એલર્ટ કરાયા: 20નું રેસ્ક્યુ, 1487ને સલામત સ્થળે ખસેડાયા

(ફૂલછાબ ન્યુઝ)

અમદાવાદ, તા.17: સરદાર સરોવર નર્મદા ડેમ પૂર્ણ સપાટીએ છલકાઈ જતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા મૈયાના પાવન જળરાશિનાં વધામણાં જળ પૂજન કરીને કર્યાં હતાં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આજના જન્મદિવસના અવસરે નર્મદા ડેમ પૂર્ણ કક્ષાએ છલકાઈ જવાના આ મંગલ પ્રસંગે મુખ્યમંત્રી રવિવારે વહેલી સવારે એકતા નગર પહોંચ્યા હતા અને નર્મદાના પવિત્ર જળનું પૂજન કરવા સાથે વડાપ્રધાનને સમગ્ર ગુજરાતની જનતા જર્નાદન વતી જન્મદિવસ શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ તેમણે ડેમ ખાતે વિવિધ કામગીરી પણ નિહાળી હતી.

દરમિયાન સરદાર સરોવર ડેમમાંથી 19 લાખ ક્યુસેક પાણી છોડવાનાં પગલે ભરૂચ જિલ્લાનાં ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાનાં માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. નર્મદાના કાંઠા વિસ્તારનાં ગામોમાંથી લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે. એનડીઆરએફની ટીમ દ્વારા દીવાબેટ ફસાયેલા 20 લોકોને સલામત રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. વડોદરા જિલ્લાના ડભોઈના 2, શિનોરના 4 અને કરજણ તાલુકાના 7 સહિત નદી કાંઠાનાં 13 ગામોના 1487 નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.