વિધાનસભામાં પસાર થયેલા ખરડા દબાવી રાખવા મુદ્દે સુપ્રીમ ફરી આકરાં પાણીએ
નવીદિલ્હી, તા.20: વિધાનસભામાં પસાર થઈ ગયેલા વિધેયકોને લટકાવી રાખવાનાં મામલે સર્વોચ્ચ અદાલતે આજે તામિલનાડુનાં રાજ્યપાલની સખત આલોચના કરતી ટિપ્પણી કરી હતી. આજે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, આ બિલ 2020થી પેન્ડિંગ છે. અત્યાર સુધી તમે આનું કરતા શું હતા ? તામિલનાડુ ઉપરાંત કેરળ અને પંજાબના પણ આવા જ મામલે શીર્ષ અદાલતમાં સુનાવણી ચાલી હતી. કોર્ટે સવાલ પણ કર્યો હતો કે શું વિધેયકને પરત મોકલ્યા વિના રાજ્યપાલ તેને રોકી રાખી શકે છે?
સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી રાજ્યપાલ આર.એન.રવિ તરફથી 10 વિધેયક રાજ્ય સરકારને પરત મોકલવામાં આવ્યા બાદ આવી છે. રાજ્યપાલ આર.એન.રવિએ જે 10 બિલ પરત મોકલ્યાં હતાં તેમાંથી બે ખરડા તો અગાઉની અન્નાદ્રમુકની સરકારમાં પસાર થયેલા હતા. આનાં હિસાબે જ સર્વોચ્ચ અદાલત આજે રોષે ભરાઈ હતી અને કહ્યું હતું કે, આખરે તમે ત્રણ વર્ષ સુધી આ ખરડા દબાવી શું કામ રાખ્યા?
રાજ્યપાલ તરફથી વિધેયકો પરત કરવામાં આવ્યા બાદ શનિવારે તામિલનાડુ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું. જેમાં તેને ફરીથી પસાર કરવામાં આવ્યા હતાં અને તેને પુન: રાજ્યપાલની મંજૂરી અર્થે મોકલી દેવામાં આવ્યા હતાં. તામિલનાડુ વિધાનસભાએ શનિવારે દસેય ખરડા ફરીથી પસાર કરીને રાજ્યપાલને મોકલી દીધા હોવા અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, હવે રાજ્યપાલ શું કરે છે તે જોઈએ. આ મામલે હવે વધુ સુનાવણી 1 ડિસેમ્બરે નિર્ધારિત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહમાં પંજાબનાં રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતને પણ સુપ્રીમ કોર્ટે સરકાર સાથે મળીને કામ કરવાની સલાહ આપી હતી. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડી.વાય.ચંદ્રચૂડનાં વડપણ હેઠળની સુપ્રીમ કોર્ટની પીઠે કહ્યું હતું કે, રાજ્યપાલ ચૂંટાયેલા જનપ્રતિનિધિ કે સરકાર નથી હોતા. તેમણે સરકારની સાથે મળીને કામ કરવું જોઈએ અને આવા મામલા અમારા સુધી આવવા પણ ન જોઈએ.