બીજાપુરમાં સુરક્ષા દળોનું અભિયાન, ભારે માત્રામાં હથિયારો જપ્ત
રાયપુર, તા.ર : બસ્તરમાં 19 એપ્રિલે લોકસભા ચૂંટણી માટે મતદાન પહેલા હાઇ એલર્ટ વચ્ચે છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 9 નક્સલી ઠાર મરાયા છે તથા અનેક ઘવાયા હતા. બીજાપુરમાં નક્સલીઓ વિરુદ્ધ છેડવામાં આવેલા અભિયાન દરમિયાન ગંગાલુર વિસ્તારમાં આમને સામને ભીષણ અથડામણ થઈ હતી. સ્થળ પર એલએમજી, લોન્ચર સહિત ભારે માત્રામાં હથિયારો મળી આવ્યાં હતાં.
નક્સલીઓએ અચાનક સુરક્ષા દળો ઉપર ગોળીબાર શરૂ કરતાં જવાબી કાર્યવાહીમાં 9 નક્સલી સ્થળ પર જ માર્યા ગયા હતા. બીજાપુર નક્સલ પ્રભાવિત સંવેદનશીલ વિસ્તાર છે. અહીં ડીઆરજી, એસટીએફ, કોબરા તથા સીઆરપીએફની સંયુક્ત ટીમના જવાનો પહોંચતા જ નક્સલીઓએ હુમલો કર્યો હતો. અથડામણમાં અનેક નક્સલી ગોળી વાગવાથી ઘવાયા હોવાનું સામે આવ્યું છે. આ પહેલા સોમવારે પણ છત્તીસગઢ અને તેલંગણાના સરહદી વિસ્તારમાં અથડામણમાં એક નકસલી ઠાર મરાયો હતો.