• શનિવાર, 13 જુલાઈ, 2024

સૌરાષ્ટ્રમાં પણ કોલેરા બન્યો જીવલેણ, ઉપલેટાના તણસવા ગામે 4 બાળકનાં મૃત્યુ

સાત દિવસમાં બાળકો સહિત 40 લોકોની તબિયત લથડી, મૃત્યુનું કારણ કોલેરા આવતા તંત્ર દોડતું થયું

ઉપલેટા પંથકની પ્લાસ્ટિકની ફેક્ટરીઓમાં પીવાના પાણીની વ્યવસ્થા ન હોવાથી મજૂરો ખુલ્લા કૂવાનું પાણી ઉપયોગમાં લેતા હતા

પાણીના નમૂના લેવાયા, અન્ય મજૂરોના હેલ્થ ચેકઅપ સહિતની તપાસ માટે સમિતિ બનાવાઈ

રાજકોટ, ઉપલેટા,તા.23 : કોરોના બાદ હવે ભારતમાં કોલેરા હાહાકાર મચાવી રહ્યો છે. દેશના અનેક ભાગમાં ગુજરાતમાં પણ અમુક લોકોનો ભોગ લેનાર આ બીમારી હવે સૌરાષ્ટ્રમાં પણ ઘાતક બની છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઔદ્યોગિક એકમોમાં કામ કરતા મજુર અને તેના બાળકો સહિત 40 લોકોને સાતેક દિવસથી બિમાર પડી રહ્યાં છે. જેમાંથી કાર્તિક, કવિતા, સેજલી, બંસી નામના ચાર બાળકોના મૃત્યુ નિપજ્યાનું ગ્રામજનો કહી રહ્યાં છે. કોલેરાને કારણે સૌરાષ્ટ્રમાં પ્રથમ મૃત્યુ નિપજ્યા છે ત્યારે આ વિસ્તારમાં આવતા ઝાડા-ઉલ્ટીના કેસને ગંભીરતાથી લેવા હિતાવહ છે.

ઉપલેટા તાલુકાના ગણોદ તણસવા રોડ પર આવેલા ખાનગી ઔદ્યોગિક વિસ્તારમાં કારખાનામાં કામ કરતા મજૂરો અચાનક બિમાર પડી રહ્યા હોવાથી તેમને સારવારમાં ખસેડાતા હતા. જે પૈકીના ચાર બાળકોના મૃત્યુ થતા તેમના બ્લડ સેમ્પલ જામનગર લેબોરેટરીમાં મોકલાયા હતા. જેમાં મૃત્યુનું કારણ કોલેરા હોવાનું બહાર આવ્યું હતું. જેથી કલેક્ટર અને જિલ્લા આરોગ્ય અધિકારી સહિતનાઓએ સ્થળની મુલાકાત લીધી હતી.

આ અંગે કલેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું હતુ કે, ખાનગી ઔદ્યોગિક એકમોમાં રહીને કામ કરતા મજૂરો અને તેમના બાળકો મળીને છેલ્લા સાતેક દિવસમાં 40 લોકો બીમાર પડયા છે. જેમાંથી કેટલા મૃત્યુ પામ્યા તે ચોક્કસ આંક આવ્યો નથી, પરંતુ અમુક લોકો સ્વસ્થ થઈને તેમના વતન જતા રહ્યાં છે. જે લોકોના મૃત્યુ થયા છે તેમને કોલેરા હોવાનો રિપોર્ટ જામનગરથી આવતા તાત્કાલિક પગલા લેવામાં આવી રહ્યાં છે. જેમાં ઔદ્યોગિક એકમોમાં પીવાના પાણીની કોઈ વ્યવસ્થા ન હોવાથી મજૂર લોકો ખુલ્લા કૂવાના પાણીનો ઉપયોગ પીવા અને રસોઈ માટે કરતા હતા. જેના કારણે તબિયત લથડી છે અને લોકો કોલેરાનો ભોગ બન્યા છે. અન્ય કારણોમાં આ વિસ્તારમાં વેંચાતા આઈસક્રિમ અને નોનવેજથી પણ કોલેરા ફેલાયો હોવાની શંકા છે. જેથી તમામ બાબતોની ખરાઈ માટે તપાસ સમિતિ બનાવવામાં આવી છે. આ ઉપરાંત અસરગ્રસ્ત વિસ્તારમાં 10 ટીમ સર્વે કરી રહી છે અને ચોવીસ કલાક તબીબી સેવા ઉપલબ્ધ કરાવાઈ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક