• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

વિઘ્નહર્તાના ઉત્સવમાં વિઘ્નોની હારમાળા

ગણપતિ ઉત્સવ તેના અંતિમ ચરણમાં છે. જેમણે પૂર્ણકાલીન સ્થાપન કર્યું છે તેમને ત્યાંથી પણ મંગળવારે તો પ્રતિમાઓ વિસર્જિત થશે. આ વખતે જો કે ગણેશ ઉત્સવ દરમિયાન ઘણી ઘટના એવી બની જે ગમે નહીં. ગણનાયકને વિદાય આપતી વેળાએ ભક્તોની-ભાવિકોની આંખ હંમેશાં ભીની હોય છે.‘ અગલે બરસ તું જલદી આ..’ એમ કહીને બાપ્પાનું વિસર્જન કરવામાં આવે પરંતુ આ વર્ષે કદાચ બાપા પોતે પણ રાજી નહીં હોય. કેટલીક ઘટનાઓ ચોંકાવનારી, જગાડનારી છે. આ વર્ષે તો જે થયું તે થયું પરંતુ આવતા વર્ષોમાં અને હવે આવનારા તહેવારો દરમિયાન તમામ પ્રકારની તકેદારી રાખવી જરુરી છે તેવો સંકેત આ ઘટનાઓ આપી ગઈ છે.

ગણપતિ ઉત્સવ દરમિયાન આ વર્ષે સુરત અને વડોદરામાં કોમી વૈમનસ્ય ફેલાયું. આપણે ત્યાં આવું થાય એટલે એની આસપાસ પણ અનેક પ્રકારની વાતો ફેલાય. કોણે કર્યું, કોણે કરાવ્યું? સંબંધિત એજન્સીઓ તપાસ કરે જ. પરંતુ કોઈ પણ ઘટનાને, ધાર્મિક કે સામાજિક કોઈ પણ બનાવને તરત રાજકીય રંગ આપી દેવાની માનસિકતા વધારે નુકસાનકારક છે. ગણપતિની પ્રતિમા પર પથ્થરમારો થયો, ક્યાંક વિસર્જન સમયે કાંકરીચાળો થયો. ગણેશોત્સવ જ્યાં હતો ત્યાં જ લીલારંગની ધજાઓ ફરકી. આ તમામ ઘટનાઓ ફક્ત દુ:ખદ નહીં, ચોંકાવનારી અને ચિંતાજનક હતી. કચ્છમાં પણ ગણેશોત્સવ દરમિયાન છમકલાં થયાં. ગુજરાતની શાંતિને કોણ આ રીતે ડહોળવા માગે છે? તે બહાર આવવું જોઈએ. વળી હવે તો  જે થાય તે તરત સોશિયલ મીડિયા પર ફેલાય એટલે તણખો આગ બનતાં વાર લાગે નહીં.

રાજ્ય સરકારે તાત્કાલિક સઘન કાર્યવાહી કરી. જે કંઈ વાયરલ થયું, પ્રકાશિત થયું તે બધું બધાએ જોયું છે. જેમનો વાંક હતો તેમને પોલીસે તેમની કક્ષાએ સજા કરી. ગણેશ પંડાલ પર પથ્થરમારો કે કોઈ વિસ્તારમાં તેનો વિરોધ આ બધું ગુજરાતમાં લગભગ બે દાયકા બાદ બની રહ્યું છે. આ રોકાવું જોઈએ. ગુજરાતની કોમી શાંતિ અને એક્તા સામે આ પડકાર છે. સોમવારે ઈદ પણ છે. હવે નવરાત્રી આવશે. પ્રજાએ એક થઈને આ તમામ અવસરે ઉદાહરણ બેસાડવાના છે. તરત નિયંત્રણમાં આવી ગઈ કે એકાદ વિસ્તારમાં જ થઈ એટલે ઘટનાને નાની ગણવી જોઈએ નહીં. રાજકીય દૃષ્ટિકોણ એક તરફ મૂકી સૌએ આ પરિસ્થિતિને અટકાવવા આગળ આવવું રહ્યું.

ઉત્સવ ઉજવવાનો આપણો ઉત્સાહ એવો હોય છે કે આપણે શિસ્ત ભૂલી જઈએ છીએ. ગણેશ વિસર્જન સમયે ગાંધીનગર પાસે નદીમાં માણસો ડૂબ્યાની દુર્ઘટના બની. કેટલાક અકસ્માતો નિવારી શકાય તેમ હોય છે. વિસર્જન વખતે દર વર્ષે આવું બને છે. કોઈ ને કોઈ સ્થળે માણસો ડૂબે છે. ગણપતિ વિસર્જન દરમિયાન લોકોની સુરક્ષા માટે પણ પોલીસે, મહાનગરપાલિકાએ વ્યવસ્થા રાખવી પડે? માણસો તહેનાત કરવા પડે તે તો કેવું? વહેતા પાણીની વધારે નજીક ન જવું, ટોળાં-ધક્કામૂક્કી ન કરવાં એટલું સ્વયંશિસ્ત તો કેળવવું રહ્યું. સાવ રમત રમતમાં આમ માણસો ડૂબી જાય તે પણ શોકજનક છે.

ગણપતિ પંડાલની આસપાસના કેટલાક વીડિયો એવા પણ વાયરલ થયા કે તેની આસપાસ કેટલાક લોકો નશો કરીને નાચતા હતા. આયોજકોએ અને તંત્રવાહકોએ ધ્યાન આપવું જોઈએ. આખરે આ ધાર્મિક ઉત્સવ છે તેની મર્યાદા તો જળવાવી જ જોઈએ. પ્રશાસન પાસે અપેક્ષા રાખવાની સાથે પ્રજા તરીકે પણ કેટલીક જવાબદારી સમજવી જરુરી.

 

ઇ-પેપરના નવા શુલ્ક