• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

દિલ્હીની ગાદી : ઉત્તરાધિકારી અને ઉત્તરદાયિત્વ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજીનામું આપવાનો નિર્ણય જાહેર કરી દીધો છે. આમ આદમી પાર્ટીમાંથી હવે દેશની રાજધાનીની વિધાનસભાને ઉત્તરાધિકારી તરીકે કોણ મળશે તેના પર સૌની નજર છે. મની લોન્ડરીંગ કેઈસમાં જામીન મળવા મુશ્કેલ છે તેવી દૃઢ માન્યતા પછી પણ આ કિસ્સામાં કેજરીવાલને  મળેલા જામીન અને સુપ્રીમ કોર્ટે એજન્સીઓ માટે કરેલા અવલોકનો પછી સીબીઆઈ- ઈડી તો બેકફૂટ પર મૂકાઈ ગયા છે.

દિલ્હી એક્સાઈઝ નીતિ કૌભાંડમાં ભ્રષ્ટાચારનો ગંભીર આક્ષેપને લીધે લોકસભાની ચૂંટણીના ગાળા સહિત 155 દિવસ જેલમાં રહ્યા બાદ આખરે અરવિંદ કેજરીવાલ જેલમુક્ત થયા છે. જસ્ટિસ ઉજ્જલ ભુઈયાએ કેજરીવાલની ધરપકડ સામે પ્રશ્ન કરીને સીબીઆઈને પિંજરે પુરાયેલા પોપટની છાપમાંથી બહાર આવવાની શીખામણ આપી છે. સીબીઆઈ અને ઈડી બન્ને માટે આ શુભસંકેત નથી. જેમાં 100 કરોડ રુપિયાની આપ-લે થઈ હોવાના આક્ષેપ છે તેવા એક્સાઈઝ કૌભાંડમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ હતી. હવે તેમને વચગાળાના જામીન મળ્યા છે. એજન્સીઓએ ફરીથી પુરાવા એકઠા કરીને કેઈસને વધારે મજબૂત બનાવવો પડશે.

જો કે હવે જામીન વાળી આ આખી વાત અત્યારે તો પૂરી થઈ છે. મંગળવારે સાંજ સુધીમાં તેઓ રાજીનામું આપી દેશે. તેમના ઉત્તરાધિકારી કોણ તે જોવાનું છે. રાજીનામાનો કોઈ વિકલ્પ પણ તેમના માટે નથી. પ્રજાની સહાનુભૂતિ પણ તેમને આ નિર્ણયથી થોડી મળી શકે. આમ પણ સુપ્રીમ કોર્ટે તેમને મુખ્યમંત્રી કાર્યાલયે જવાની મનાઈ ફરમાવી છે. સરકારી ફાઈલમાં તેમણે નાયબ ગવર્નરની પૂર્વ મંજુરી વગર સહી પણ કરવાની નથી. એક્સાઈઝ કૌભાંડનો આરોપ લાગ્યો ત્યારે રાજીનામાનો વિચાર આવવો જોઈતો હતો. તેમણે અત્યારે પદત્યાગ કરવાની સાથે જ નવેમ્બર કે ફેબ્રુઆરી માસમાં ચૂંટણી કરાવવાની માગણી કરી છે તેના પરથી સ્પષ્ટ છે કે જનતાની અદાલતમાં તેઓ પોતાનો કેઈસ મજબૂત રીતે મૂકવા માગે છે.

જામીન મળ્યા પરંતુ મુખ્યમંત્રીપદ જઈ રહ્યું છે તેના પરથી એટલું નક્કી થઈ રહ્યું છે કોઈ પણ નેતાનું એક ઉત્તરદાયિત્વ છે, હોવું જોઈએ. આક્ષેપ સાબિત થાય કે નહીં તે પછીની વાત છે. પરંતુ મોટા ભાગે તો આવા આક્ષેપ થાય જ નહીં તે રીતે તેણે વર્તવું જોઈએ. કેજરીવાલના જે ઉત્તરાધિકારી આવશે તેમણે પણ આ વાતનો ખ્યાલ રાખવો પડશે કે જે છાપ સાથે આપનો ઉદય થયો હતો તે જેટલી ખરડાઈ છે તેમાં વધારો ન થાય અને દેશના અન્ય રાજ્યોમાં પણ મંત્રીઓ, મુખ્યમંત્રીઓએ પણ ધ્યાન રાખવું પડશે કે ક્યાંય, કોઈ કેઈસમાં એવી રીતે નામ ન આવે કે જેથી પદની ગરિમા પર અસર પડે. હવે વાત કેજરીવાલના ભવિષ્યની તો તેમનું પદ ગયું પરંતુ હવે હરિયાણાની ચૂંટણીમાં તેમની ભૂમિકા અગત્યની રહેશે. તેમને મળેલા જામીન કોને ફળે છે તે ચૂંટણીના પરિણામ વખતે ખબર પડશે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક