• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

સો દિવસનું સરવૈયું, વિપક્ષોને સણસણતો જવાબ

પોતાના જન્મદિવસના બે દિવસ અગાઉ ગુજરાત આવીને વડાપ્રધાને 8000 કરોડથી વધારે રકમના વિકાસકામોનો સંપુટ ખુલ્લો મૂક્યો. વંદે ભારત મેટ્રો ટ્રેન એટલે કે નમો રેપિડ રેલના લોકાર્પણ સહિતના કામોની વાત તેમણે પોતાના વક્તવ્યોમાં પણ કરી સાથે જ ત્રીજી ટર્મના 100 દિવસનું સરવૈયું પણ વતનની ધરતી પરથી તેમણે દેશને આપ્યું. વિપક્ષોને પ્રત્યુત્તર આપવાના આગવા અંદાજમાં નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું કે મારી મજાક ઉડાવવામાં ઘણાને મજા આવતી રહી છે અને હું પણ એ મજા કરવા દઉં છું પરંતુ સો દિવસમાં દેશને વિકાસપથ પર અમે દોડતો રાખ્યો છે. લોકાર્પણ કે યોજનાઓની વાત તો અગાઉ પણ થઈ હતી. અવલોકન એ કરવાનું હતું કે લોકસભાની છેલ્લી ચૂંટણીમાં પરિણામ અપેક્ષાથી થોડાં અલગ હોવા છતાં વડાપ્રધાનના આત્મવિશ્વાસ અને વલણ પર તેની નકારાત્મક અસર નથી પડી.

વડાપ્રધાને કહ્યું કે ત્રીજી વાર કેન્દ્રમાં અમારી સરકાર બની તે પછી મુદ્રાલોન 10 લાખમાંથી 20 લાખ થઈ. નવા 12 ઈન્ડસ્ટ્રીયલ સિટીને મંજૂરી અપાઈ છે. લખપતિદીદીની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો છે અને તે સંખ્યા 11 લાખે પહોંચી છે. 936 કિલોમીટરના આઠ હાઈસ્પીડ રોડ કોરીડોરને મંજૂરી મળી છે. માળખાંકીય સુવિધા તથા સ્વાસ્થ્ય સેવા ક્ષેત્રે નોંધપાત્ર કામ થયાં છે.  ગુજરાત મુલાકાત દરમિયાન તેમણે રાષ્ટ્રની પ્રગતિની સમગ્ર વાત મૂકી. વિપક્ષો અને ટીકાકારોને આટલા દિવસ બોલતા રહેવા દીધા છે પરંતુ અમે તો આ દિવસોમાં અગાઉની બે ટર્મમાં શરૂ થયેલી વિકાસયાત્રા જ  આગળ વધારી છે તેવો સ્પષ્ટ ઉલ્લેખ વડાપ્રધાને કર્યો. ગુજરાત હવે સૌરઊર્જા ક્રાંતિનું પણ પ્રણેતા બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરીને વડાપ્રધાને વિકાસની નવી દિશા તરફ નિર્દેશ કર્યો છે. લોકસભાની છેલ્લી ચૂંટણીમાં 400 પારનો નારો આપ્યા પછી ભાજપ તે સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યો નહોતો. ત્યારથી દેશમાં સ્વાભાવિક રીતે અનેક ચર્ચા છે. ગઠબંધન-સાથી પક્ષો ઉપર આ સરકાર વધારે અવલંબિત છે, નિર્ણયોમાં વિલંબ થશે તેવું કહેવાતું આવ્યું છે. અગાઉની જેમ આ સરકાર મક્કમતાથી કામ કરી શકશે તેવા પ્રશ્નાર્થો સતત થતા રહ્યા છે.

વડાપ્રધાન તરીકે ત્રીજી વખત ચૂંટાયા પછી નરેન્દ્રભાઈ પહેલીવાર ગુજરાત આવ્યા. જે વાત તેમણે કરી તેનાથી તમામ અટકળો, પ્રશ્નોનો જવાબ તેમણે આપ્યા હોવાની છાપ ઉપસ્થિત થઈ છે.  હું કોઈના દબાણમાં આવતો નથી. મારા માટે દેશવાસીઓ જ આરાધ્ય છે તેવું કહીને તેમણે વિપક્ષોને સણસણતો જવાબ આપ્યો છે. મહાત્મા મંદિર, ગાંધીનગરમાં રી-ઈન્વેસ્ટ મીટમાં તેમણે જે કહ્યું તેના પરથી એટલું સ્પષ્ટ થયું છે કે શિખર પર પહોંચવા માટે જ નહીં, ત્યાં ટકવા માટે ભારત પરિશ્રમ કરી રહ્યું છે. તેલ-ગેસના ભંડાર આપણી પાસે નથી પરંતુ આપણે વિશ્વની જરુરત અને અન્ય દેશોની સ્થિતિ પર નજર રાખીને સૌરઊર્જા, પવન ઊર્જા, પરમાણુ ઊર્જાના ક્ષેત્રે ક્ષમતા કામે લગાડી છે. ઊર્જાક્ષેત્રે સ્વાવલંબન ભારતની હવે પછીની પ્રગતિની અગ્ર શરત છે. રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ગંજાવર રોકાણ આવી રહ્યાં છે. આમ પણ રશિયા-યુક્રેન સ્થિતિમાં મધ્યસ્થી થવાની તૈયારી, વિવિધ વિદેશ પ્રવાસ જેવી બાબતોથી તેમની ગતિ પુન: પ્રસ્થાપિત થઈ જ છે. સો વર્ષનું સરવૈયું આ ગતિ પરની મહોર છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક