• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

કાશ્મીરમાં આતંકના ખાતમાના નિર્ધારની સફળતા ક્યારે ?

જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદની ભરતી અને ઓટનો અનુભવ સતત થતો રહ્યો છે. ઓટના સમયે આતંકવાદ ખતમ થઇ ગયાની છાપ ઊભી ન થાય ત્યાં આતંકવાદીઓ ફરી માથું ઊંચકીને પોતાની લોહિયાળ હાજરી નોંધાવી દેતા હોય છે.  આવા સંજોગોમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચારના ધમધમાટ વચ્ચે સરકારે દાવો કર્યો છે કે, હવે ત્યાં આતંકવાદ ખતમ થવામાં છે, પણ વાસ્તવમાં આ દાવો સાચો ન હોવાની સાબિતી આપતા બનાવો સતત સામે આવતા રહે છે.

થોડા દિવસ અગાઉ ગૃહમંત્રાલયે એવો દાવો કર્યો હતો કે, જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ બહુ ઓછો થઇ ગયો છે અને તે અમુક વિસ્તારો પૂરતો મર્યાદિત રહી ગયો છે. હવે બહુ જલદી તેનો અંત પણ આવી જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડોડામાં ચૂંટણી પ્રચાર દરમ્યાન આ વાતનો પુનરોચ્ચાર કર્યો છે. ડોડાથી વિધાનસભાની ચૂંટણીનો આરંભ કરાવતાં મોદીએ કહ્યંy કે, જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ છેલ્લા શ્વાસ લઇ રહ્યો છે. જો કે, વડાપ્રધાનની મુલાકાત પહેલાં જ ત્યાં આતંકી હુમલો થયો હતો, જેમાં એક અધિકારી સહિત બે સુરક્ષાકર્મી શહીદ થયા હતા.  લશ્કરના વળતા હુમલામાં ત્રણ આંતકીનાં મોત થયાં હતાં.  ખીણમાં સક્રિય વિરોધ પક્ષોનો આરોપ છે કે, છેલ્લા દસ વર્ષથી ત્યાં આતંકી હુમલા વધ્યા છે. આ હુમલામાં ઘણા બધા નિર્દોષ લોકો અને સલામતી દળોના જીવ ગયા છે. આરોપ મહદ્અંશે ગળે ઊતરે તેવો જણાઇ રહ્યો છે.

જો કે, થોડા સમય અગાઉ આતંકવાદી હુમલાનું પ્રમાણ ખરેખર ઓછું થઇ ગયું હતું. તે સમય સરકાર સ્થાનિક લોકોની સાથે સતત સંવાદ કરતી હતી. લાકોમાં વિશ્વાસ વધવાની સાથે આંતકવાદને મળતા ટેકામાં ઓટ આવી હતી, પણ સરકાર આ વાતને સાવ નકારે છે, પણ રાજ્યને ખાસ દરજ્જાનો અંત આણવાના નિર્ણય બાદ પરિસ્થિતિને કાબૂમાં રાખવા લદાયેલી સંચારબંધી દરમ્યાન સ્થાનિક યુવાનો ફરીવાર આતંકી જૂથો ભણી વળ્યા હતા.

આમ તો સરકાર દ્વારા ખીણમાં વખતોવખત આતંકવાદના અંતની વાતો થતી રહી છે. નોટબંધી બાદ આતંકને આર્થિક મદદ બંધ થશે એવો દાવો થયો હતો, તો 370મી કલમ દૂર થવાથી સ્થાનિક લોકોને વધુ તક મળતી થશે, જેને લીધે આતંકવાદ નાબુદ થશે એવી દલીલ સામે આવી હતી. છેલ્લા લગભગ બે વર્ષ દરમ્યાન સલામતી દળોએ સતત ચાંપતો બંદોબસ્ત જાળવ્યો છે, જ્યારે જ્યારે સ્થિતિ સામાન્ય થતી જણાઇ છે ત્યારે સલામતીના નિયંત્રણોને હળવા પણ બનાવાય છે, પણ તેનો લાભ લઇને આતંકી નવેસરથી હુમલા કરતા રહે છે.

વળી છેલ્લા થોડા સમયથી આતંકવાદીઓએ સલામતી દળોને નિશાન બનાવતાં હુમલા વધારી નાખ્યા છે. આમ આતંકીઓની સલામતી દળો સાથે અથડામણો વધતાં ખીણમાં અસલામતીની લાગણી વધી રહી છે. આતંકીઓના તાજેતરના હુમલાની પેટર્ન અને તેમાં ઉપયોગમાં લેવાતા શસ્ત્રો પરથી બીજી એક ચિંતાજનક બાબત સ્પષ્ટ થઇ રહી છે કે, તેમને સરહદ પારથી મદદ વધી રહી છે. આવામાં આતંકીઓની સામે કાર્યવાહીને વધુ ઘનિષ્ઠ બનાવવાની સાથોસાથ સરહદ પારથી મળતી મદદને રોકવા એમ બે મોરચે સલામતી દળોએ મજબૂત અને અસરકારક વ્યૂહરચના અમલમાં મૂકવાની તાતી જરૂરત છે. આમ થશે તો જ આતંકનો અંત લાવવાનો નિરધાર સફળ થઇ શકશે.

ઇ-પેપરના નવા શુલ્ક