• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

દિલ્હીના નવા સી.એમ. : વિશ્વાસનું વળતર, ભાવિ પડકારો

દિલ્હીના મુખ્યમંત્રી તરીકે આતિશી મેરલેનાના નામની જાહેરાત થઈ ગઈ છે. ટીવી પડદે ભલે જે ચર્ચાઓ થતી હોય, કેજરીવાલના રાજીનામાની ઘોષણા સાથે જ લગભગ એ નક્કી હતું કે તેમના ઉત્તરાધિકારી આતિશી બનશે. એક મોટો વર્ગ તેમને એક્સિટડન્ટલ ચીફ મિનિસ્ટર તરીકે જોઈ રહ્યો છે. જો કે આવું થવું  ભારતની રાજનીતિમાં જરાય પણ નવી બાબત નથી. આતિશી સામે અલબત્ત થોડા પડકાર કહી શકાય તેવી પણ સ્થિતિ છે પરંતુ છેલ્લા પાંચ માસથી તેઓ પક્ષ માટે ઝઝૂમી રહ્યા હતા તેમ પણ કહેવું ખોટું નથી.

અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા અને તેમણે બે દિવસની અંદર રાજીનામું આપવાનું કહ્યા પછી નામો તો અનેક બોલાતાં હતાં પરંતુ મોટા ભાગે નિશ્ચિત હતું તે નામ આતિશીનું. પક્ષના તેઓ અગ્રહરોળના નેતા થોડા સમયમાં બની ગયા હતા. કેજરીવાલ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ જ્યારે જેલમાં હતા ત્યારથી પક્ષની મુખ્ય બાબતો તેઓ જોતા. વિપક્ષોનો સામનો પણ કરતા. અન્ય ખાતાં પણ સંભાળવાનો તેમની પાસે અનુભવ છે અને તેઓ કેજરીવાલના વિશ્વાસુ ગણાય છે. એક રીતે આ વિશ્વાસનું જ વળતર છે. આતિશી અરવિંદ કેજરીવાલના ઉત્તરાધિકારી બને તે વાતમાં કોઈને નવાઈ

લાગી નથી.

ભાજપમાંથી સુષ્મા સ્વરાજ, કોંગ્રેસમાંથી શીલા દીક્ષિત પછી દિલ્હીને આપના માધ્યમથી વધુ એક મહિલા મુખ્યમંત્રી મળી રહ્યા છે. પાંચ માસ જેટલો સમય તેમની પાસે છે. આમ આદમી પાર્ટી દિલ્હીમાં અત્યાર સુધી જે સ્તરે રહી છે તે જાળવવાનો પડકાર નવા મુખ્યમંત્રીની સામે છે. સંજયસિંહ, કૈલાસ ગેહલોત સહિતના નેતાઓના નામોની વચ્ચેથી આ નામ મુખ્યમંત્રી તરીકે ઉપસ્યું છે. કોઈના પર વિવિધ એજન્સીઓનો સકંજો છે તો કોઈ સ્વાતિ માલીવાલ કેઈસમાં સંડોવાયા છે. આપના સિનીયર નેતાઓ પૈકી કેટલાક  સતત કાનૂની કાર્યવાહીમાં છે. આ સ્થિતિમાં આતિશીની પસંદગીનો કોઈ વિકલ્પ પક્ષ પાસે નહોતો અને પક્ષ તેમાં રાજી પણ હતો. કેવી રીતે સ્થિતિ સંજોગોનો સામનો તેઓ કરી શકે છે તેના પર આતિશીનું પોતાનું અને આમ આદમી પાર્ટીનું ભાવિ નિર્ભર છે.

ઇ-પેપરના નવા શુલ્ક