• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

ગડકરીને વડા પ્રધાનપદની ઓફર!

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે આજે 74 વર્ષ પૂર્ણ કરી ઉંમરના 75માં વર્ષમાં પદાર્પણ કરી રહ્યા છે. ભાજપે પક્ષના બંધારણમાં સુધારો કરીને 75મા વર્ષે નેતાઓ રાજકારણમાંથી નિવૃત્ત થાય એવો નિર્ણય લીધો હતો. તેથી મોદી પછી કોણ? ચર્ચા રાજકીય વર્તુળોમાં શરૂ કરવામાં આવી છે. વડા પ્રધાનપદના શક્તિશાળી દાવેદાર નીતિન ગડકરીએ હાલમાં જ ગૌપ્યસ્ફોટ કરતાં કહ્યું છે કે વડા પ્રધાનપદ માટે પૂરેપૂરો ટેકો આપવાનું વિપક્ષના એક મોટા નેતાએ જણાવ્યું હતું પણ એમણે આ અૉફર નકારી કાઢી હતી. ગડકરીએ કહ્યું ‘મારાં મૂલ્યો અને મારા પક્ષ સાથે હું પ્રામાણિક છું. વડા પ્રધાનપદ મેળવવાનું મારું ક્યારે પણ ધ્યેય નહોતું અને આજે પણ નથી. મેં આજ સુધી કોઈ પણ પદ માટે તડજોડ નથી કરી અને ભવિષ્યમાં પણ કરવાનો નથી.’ ગડકરીએ વડા પ્રધાનપદમાં રસ નથી એમ કહ્યું હોવા છતાં તે અંગે ગૌપ્યસ્ફોટ કરવા માટે તેમણે સમયની જે પસંદગી કરી તેને લઈ રાજકીય વર્તુળમાં ઉલટસૂલટ ચર્ચા થવી સ્વાભાવિક છે.

વાસ્તવમાં હાલમાં કોઈ પણ નેતા કંઈ પણ બોલે તો તેના પર વિવાદ ઊભો કરવાનું કે પ્રત્યાઘાત આપવાનું મોટા ભાગના પક્ષોના નેતા ચૂકતા નથી. કેન્દ્રના પરિવહન પ્રધાન નીતિન ગડકરી સ્પષ્ટવાદી સ્વભાવના નેતા છે. કેટલાંક નિવેદનોથી આશ્ચર્યના ધડાકા કરતા હોય છે. તેમના કેટલાંક નિવેદન કોઈ ફૂલઝરી નહીં પણ બૉમ્બ ધડાકા જેવાં હોય છે. બેધડક ખુલ્લા રસ્તા પર ચાલવાનું સાહસ ઘણા ઓછા લોકોમાં હોય છે, પરંતુ ગડકરીને જે કંઈ પણ કહેવું હોય તે ડંકેની ચોટ પર કહે છે.

હવે વડા પ્રધાનપદ માટે ગડકરીને ક્યા વિપક્ષ નેતાએ અૉફર કરી તેનું નામ નથી આપ્યું. તે રહસ્ય બનાવી રાખ્યું છે. ગડકરીની વાત એ માટે સાચી લાગે છે કે દેશના બધા પક્ષોમાં તેમના સમર્થકો છે, જે તેમનાં કાર્યોને અને કાર્યશૈલીને પસંદ કરે છે. ભારતવાસીઓ ગડકરીને રસ્તા નિર્માતા માને છે. દેશમાં કેટલાક નેતાઓ એવા પણ છે જે કૉંગ્રેસની મોહજાળમાં ફસાઇને વડા પ્રધાન બન્યા હતા. જનતા પક્ષના ચૌધરી ચરણસિંહ અને પછી સમાજવાદી વિચારસરણીવાળા ચંદ્રશેખર કૉંગ્રેસના બહારથી ટેકાને લઈ કેટલાક મહિના માટે વડા પ્રધાન બન્યા હતા. આ સૂચિમાં એચડી દેવેગૌડા પણ સામેલ છે.

એવું મનાય છે કે આરએસએસના લોકો અને ડાબેરીઓ જીવનભર પક્ષ નથી બદલતા અને પોતાના સિદ્ધાંતો અને વિશ્વાસ પર અટલ કે એકનિષ્ઠ રહેતા હોય છે. અટલ શબ્દથી યાદ આવે છે કે એક વેળા અટલબિહારી વાજપેયીએ કહ્યું હતું કે કૉંગ્રેસના કેટલાક લોકો કહે છે કે અટલ નેતા તો સારા છે પરંતુ ખોટા પક્ષમાં છે.

ઇ-પેપરના નવા શુલ્ક