• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

પહેલાં આતંકનો અંત લાવો, પછી જ વાત કરવા આવો

વિદેશપ્રધાન ડૉ. જયશંકરે પાકિસ્તાનમાં શાંઘાઈ કો-અૉપરેશન અૉર્ગેનાઇઝેશન બેઠકને સંબોધન કરતાં જણાવ્યું છે કે આતંકવાદ અને વ્યાપાર એકસાથે ન ચાલી શકે. જયશંકરે પાકિસ્તાન અને ચીનનાં નામ લીધાં વગર જણાવ્યું કે તમામ દેશોએ એકબીજાની સરહદોની મર્યાદા અને સન્માન જાળવવું જરૂરી છે. ભારતીય વિદેશપ્રધાને બન્ને પડોશી દેશોને સંભળાવી દીધું છે કે અૉર્ગેનાઇઝેશનના દેશો સાથે દોસ્તીમાં કમી આવી છે અને પડોશી સંબંધો વણસ્યા છે તેના પર વિચાર કરવો જોઈએ. આ અગાઉ પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે અૉર્ગેનાઇઝેશનની બેઠકનો આરંભ કરતાં જણાવ્યું છે કે પાકિસ્તાન શાંતિ, સુરક્ષા અને આર્થિક પ્રગતિ ઇચ્છે છે.

વિદેશપ્રધાન એસ. જયશંકરે ઇસ્લામાબાદમાં આતંકવાદ બાબત જે સ્પષ્ટ સંદેશ આપ્યો છે તે યોગ્ય અને આવકારપાત્ર છે. કોઈ સંદેહ નથી કે આતંકવાદની અસર વ્યાપાર, ઊર્જા સંચાર અને સંચાર સંપર્ક પર પડે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સંવાદ - મંત્રણા શા માટે બંધ છે તો તેનું મૂળ કારણ આતંકવાદ જ છે. ભારત પ્રતિ પાકિસ્તાનનો દુશ્મનીભર્યો વ્યવહાર સૌ જાણે છે, જ્યારે તે સુધરવા જ તૈયાર નથી ત્યારે સંબંધોમાં સુધાર કેવી રીતે થઈ શકે?

જ્યારે દુનિયાના તમામ દેશો પોતાનું હિત જોઈ રહ્યા છે ત્યારે ભારતે પણ પોતાનું હિત જોવું જોઈએ. ભારતે વિશ્વ સ્તર પર અનેક વેળા એ વાતનો પુનરોચ્ચાર કર્યો છે કે આતંકવાદી બંદૂક અને વ્યાપાર, બન્ને સાથે હોઈ શકે નહીં. જયશંકરે સુધારની જે વાત કરી છે તે ચીનને પણ લાગુ પડે છે. વર્ષો પછી ભારતના વિદેશપ્રધાન પાકિસ્તાનની મુલાકાતે ગયા છે. તેઓ પાકિસ્તાની નેતાઓ સાથે ઔપચારિક અભિવાદન તો સ્વીકારી રહ્યા છે પણ તેમની અલગ મુલાકાત શક્ય નથી.

પાકિસ્તાન દ્વારા વારંવાર પ્રયાસ થયા છે કે ભારતીય નેતા સાથે અલગથી મંત્રણા થાય, વ્યાપાર પર નહીં તો મોસમ પર થાય, ક્રિકેટ પર થાય, પરંતુ ભારત હજી તૈયાર નથી. અનેક વખત દગો સહન કરી ચૂકેલું ભારત ચાહે છે કે શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠક દરમિયાન ફક્ત વ્યાપાર અને આર્થિક એજન્ડા પર ધ્યાન કેન્દ્રિત રહે. આ સંજોગોમાં પાકિસ્તાન સાથે અલગ મંત્રણા કરવાની કોઈ શક્યતા હાલ નથી દેખાતી. પાકિસ્તાન મંત્રણા કરવા તો તલપાપડ છે પણ તેના વ્યવહારમાં બદલાવના સંકેત નથી.

શાંઘાઈ સહયોગ સંગઠન એક સ્થાયી આંતરરાષ્ટ્રીય સંગઠન છે પણ આજના સમયમાં તેનો લાભ પાકિસ્તાનને વધુ અને ભારતને ઓછો થઈ રહ્યો છે. પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ હવે કહી રહ્યા છે કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠકમાં આવવું જોઈએ પણ આતંકવાદ સંબંધી નરેન્દ્ર મોદીની ચિંતા પર તેમણે કેટલું ધ્યાન આપ્યું હતું? ભારતની આતંકવાદ સંદર્ભની ચિંતા દૂર થાય તો જ ભારત સંવાદ માટે તૈયાર થાય એ ન્યાયોચિત જ છે.

ઇ-પેપરના નવા શુલ્ક