• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતને બોલાવવા ફરી કરગર્યું પાકિસ્તાન

PCBએ ભારતીય ટીમ માટે દિલ્હી-ચંડીગઢનો વિકલ્પ આપ્યો

ઈસ્લામાબાદ, તા. 19 : શું ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમ જઈ શકે છે ?કારણ કે પાકિસ્તાન ભારતને બોલાવવા માટેની દરેક સંભવ કોશિશ કરી રહ્યું છે. હવે તો ભારતને બોલાવવા માટે એક નવો વિકલ્પ પણ આપ્યો છે. હકીકતમાં પાકિસ્તાને પ્રસ્તાવ મૂક્યો છે કે, ભારતીય ટીમ પાકિસ્તાન રમવા આવે ભલે તે મેચ રમ્યા બાદ ચંડીગઢ કે દિલ્હી પરત ચાલી જાય.

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરની પાકિસ્તાન યાત્રાએ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ક્રિકેટ ટીમની પાકિસ્તાન યાત્રાની સંભાવનાની ચર્ચાને ફરીથી હવા આપી છે. એક અહેવાલ અનુસાર એસ જયશંકર અને તેના પાકિસ્તાની સમકક્ષ ઈશાક ડાર વચ્ચે વાતચીતમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. દાવો છે કે આ વાતચીત દરમિયાન પીસીબીના અધ્યક્ષ મોહસીન નકવી જે મંત્રી પણ છે તે બેઠકમાં સામેલ હતા.

જો કે 8 દેશ વચ્ચે 50 ઓવરની ટૂર્નામેન્ટ માટે ભારતીય ટીમ પાકિસ્તાન જશે કે નહીં તેનો નિર્ણય ભારત સરકારે લેવાનો છે. વર્તમાન સમયે બીસીસીઆઇ કે આઇસીસી તરફથી આ મામલે કોઈપણ પુષ્ટિ કરવામાં આવી નથી. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પીસીબીએ બીસીસીઆઇને પત્ર લખીને રજૂઆત કરી છે. પીસીબીએ કહ્યું છે કે, જો ભારતીય ટીમ સુરક્ષા ચિંતાનાં કારણે પાકિસ્તાનમાં રહેવાથી બચવા માગે છે તો તે પ્રત્યેક મેચ બાદ ચંડીગઢ અથવા દિલ્હી પરત ફરી શકે છે.

પીસીબીના એક અધિકારીએ કહ્યું હતું કે, બે મેચ વચ્ચે એક અઠવાડિયાનું અંતર છે. ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી થવાની છે. જેના મેચ લાહોર, રાવલપિંડી અને કરાચીમાં થવાના છે. પીસીબીએ સુરક્ષા ચિંતાને ધ્યાને લઈને ભારતના તમામ મેચ લાહોરમાં રાખવાની યોજના બનાવી છે. લાહોર ભારતીય સરહદથી નજીક છે અને મેચ જોવા માટે ભારતીય ચાહકોને પહોંચવું સરળ પણ રહેશે.

ઇ-પેપરના નવા શુલ્ક