• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

બાળવિવાહનું દૂષણ : સુપ્રીમ કોર્ટનો યોગ્ય આદેશ

બાળવિવાહને ગંભીર સામાજિક દૂષણ ગણાવીને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, રાજ્યો અને અન્ય સત્તાવાળાઓને આ દૂષણની નાબૂદી માટે સંખ્યાબંધ આદેશો આપ્યા છે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને દરેક જિલ્લામાં બાળવિવાહ પ્રતિબંધ અધિકારીઓની નિયુક્તિ કરવા ઉપરાંત દરેક જિલ્લામાં ક્લેક્ટર અને પોલીસ અધીક્ષકને પણ બાળવિવાહ રોકવા માટે સક્રિયપણે પગલાં લેવાની તાકીદ કરી છે. કોર્ટે જણાવ્યું છે કે, બાળવિવાહ એક સામાજિક દૂષણ છે અને તે એક ફોજદારી ગુનો છે. બાળવિવાહનાં દુષ્કૃત્યો પર લગભગ સાર્વત્રિક પ્રતિબંધ હોવા છતાં બાળવિવાહ થઈ રહ્યા છે અને તેનો વ્યાપ ગંભીર છે.

બાળવિવાહને લઈ સુપ્રીમ કોર્ટે એ સ્પષ્ટ મત વ્યક્ત કરીને સગીર કન્યાઓની રક્ષા કરી છે. ધર્મ, સંસ્કૃતિ અને પરંપરાની આડમાં અનેક સમુદાય પોતાની સગીર પુત્રીઓનાં લગ્ન કરી નાખે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, કોઈ ‘પર્સનલ લૉઅંતર્ગત પરંપરાઓ બાળવિવાહ નિષેધ અધિનિયમના અમલ-કાર્યવાહીમાં બાધા બની શકે નહીં.

બાળવિવાહના કેસમાં સજાનો દર ફક્ત 11 ટકા છે. નોબેલ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થીએ 2022માં ‘બાળવિવાહ મુક્ત ભારતઆંદોલનની શરૂઆત કરી હતી. આ આંદોલનનો મકસદ 2030 સુધી દેશમાં બાળવિવાહ ખતમ કરવાનો છે, પરંતુ ધર્મ અને સંસ્કૃતિની આડમાં બાળવિવાહ થતા હોવાથી આ લક્ષ્ય મુશ્કેલ લાગી રહ્યું છે. યુનિસેફના આંકડા અનુસાર, ભારતમાં વર્ષે 18 વર્ષથી ઓછી ઉંમરની લગભગ 15 લાખ કન્યાઓનાં લગ્ન થાય છે, જેના કારણે ભારતમાં દુનિયાની સૌથી અધિક બાલિકાવધૂઓની સંખ્યા છે, જે વિશ્વની કુલ સંખ્યાનો ત્રીજો ભાગ છે. 15થી 19 વર્ષની ઉંમરની લગભગ 16 ટકા છોકરીઓ પરણેલી છે. યુનિસેફ અનુસાર વિવાહ માટે એક છોકરીની ઉંમર 18 વર્ષ અને છોકરાની આયુ 21 વર્ષની હોવી જોઈએ.

હવે જે લોકો ‘પર્સનલ લૉના નામે કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે, તેઓ કાયદો તોડશે તો કાનૂની કાર્યવાહી થશે. તીન તલાકની પ્રથા સામે મહિલાઓને રક્ષણ અપાયા પછી બાલિકાઓના રક્ષણ માટે કાનૂની કાર્યવાહી નિવાર્ય છે. દેશમાં દરેક સમુદાય, સમાજ, ધર્મ અને સંસ્કૃતિના લોકો માટે         બાળવિવાહ રોકવાના કાયદાનું પાલન અનિવાર્ય છે. સરકાર, કાયદા, સામાજિક સંગઠન, શિક્ષિત લોકો વગેરે બધા જ ઈચ્છે છે કે દેશમાં બાળવિવાહ થાય નહીં. સગીરોની વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકાર છિનવામાં આવે નહીં. બાળવિવાહ મુક્ત સમાજ વિકસિત ભારત લક્ષ્ય માટે પણ આવશ્યક છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક