• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

રેલવે ટિકિટ બુકિંગમાં સુધારા

રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં આવકારપાત્ર સુધારા કર્યા છે. હવે રેલવેની ટિકિટ ફક્ત 60 દિવસ એટલે કે બે મહિના પહેલાં બુક કરી શકાશે, જે પહેલાં 120 દિવસની હતી. આ નિયમ 1 નવેમ્બરથી લાગુ થઈ જશે. 31 અૉક્ટોબર સુધી થયેલા બુકિંગ પર કોઈ અસર નહીં પડે. રેલવેના જણાવ્યા પ્રમાણે 60 દિવસના એમઆરપી ઉપરવટ કરવામાં આવેલા બુકિંગના કેન્સલેશનની અલબત્ત માન્યતા અપાશે. કેટલીક ચોક્કસ દિવસ-સમયની ટ્રેનો જેવી કે તેજસ એક્સપ્રેસ, ગોમતી એક્સપ્રેસ વગેરેના કિસ્સામાં ફેરફાર નહીં થાય, કારણ કે આ ટ્રેનોના એડવાન્સ રિઝર્વેશન માટેની ઓછી સમયમર્યાદા હાલમાં અમલી છે. વિદેશી પર્યટકો માટેની 365 દિવસની સમયમર્યાદામાં પણ કોઈ ફેરફાર નહીં થાય.

તહેવારો દરમિયાન ટ્રેનોમાં ઉતારુઓની અધિક ભીડને જોતાં રેલવેએ નિયમમાં સંશોધન કર્યાનું જણાય છે. આ સુધારાથી ટિકિટના કાળા બજાર પર ઘણી હદ સુધી અંકુશ આવી શકશે. ટ્રેનોના એડવાન્સ રિઝર્વેશનની સમયમર્યાદામાં સમય સમય પર પરિવર્તન થતું રહ્યું છે. અગાઉ રિઝર્વેશનની સમયમર્યાદા 45 દિવસ હતી અને ક્યારેક 90 દિવસ પણ રહી છે. વર્તમાનમાં આ મર્યાદા 120 દિવસ છે. પહેલાં જુલાઈ 2007 સુધી અગાઉથી રિઝર્વેશનની મર્યાદા 60 દિવસોની રહેતી હતી. 2009થી 120 દિવસની કરી દેવામાં આવી હતી. લાગે છે કે વિભિન્ન સમયમર્યાદાઓની સુવિધાની દૃષ્ટિએ રેલવેને અધિકતમ 60 દિવસ અગાઉનું બુકિંગ સર્વોત્તમ લાગ્યું હોવું જોઈએ.

રેલવેને જણાયું છે કે મુસાફરી યોજના બનાવવા માટે 120 દિવસનો સમય ઘણો વધુ છે અને તેના કારણે ટિકિટ કેન્સલેશનની સંખ્યા વધી જાય છે અથવા મુસાફરી નહીં કરવાની સ્થિતિમાં સીટોની બરબાદી થાય છે. જોવામાં આવ્યું છે કે લગભગ 21 ટકા ટિકિટો કેન્સલ થાય છે અને ચારથી પાંચ ટકા મુસાફરો સમયસર પહોંચતા નથી. આવા મુસાફરો પોતાની ટિકિટ કેન્સલ નથી કરાવતા અને ટ્રેન સુધી પહોંચી શક્તા નથી. આનાથી ભ્રષ્ટાચારના કેસ વધી જાય છે. રેલવે કર્મચારીઓ દ્વારા ગેરકાયદે પૈસાની વસૂલી થવા લાગે છે. આના માટે રેલવેએ કરેલી આ પહેલ ઘણી ઉપયોગી નિવડવી જોઈએ. લાંબી સમયમર્યાદાના કારણે એજન્ટો દ્વારા ટિકિટો બ્લૉક કરવાના કેસ પણ વધી જાય છે. હવે ઓછી સમયમર્યાદામાં ખરેખરા ઉતારુઓને પ્રોત્સાહન મળશે.

સામાન્ય શ્રેણીની ટિકિટોના બુકિંગ પર સમય સીમાની અસર નથી પડતી, કારણ કે આવી ટિકિટ મુસાફરીના સમયથી કંઈક પહેલાં જ ખરીદવામાં આવતી હોય છે. રિઝર્વેશન સમય સીમાના બદલાવથી રેલવેને સૌથી અધિક સુવિધા વિશેષ ટ્રેનોને ચલાવવાની યોજના બનાવવામાં થશે, કારણ કે ઓછાં કેન્સલેશન અને ટિકિટ હોવા છતાં તેમ જ મુસાફરી નહીં કરનારાઓના કારણે, અધિક માગને જોઈ સાચી સ્થિતિની જાણ થઈ જશે. આમ છતાં બદલામાં એજન્ટો અને લુખ્ખાઓ દ્વારા કોઈ છટકબારી હોય તો તેનો લાભ લેતા અટકાવવાની મોટી જવાબદારી રહેશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક