• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

મદરેસાઓને બંધ કરવા પર ‘સુપ્રીમ’ રોક

- મુસ્લિમ વિદ્યાર્થીઓને સરકારી શાળાઓમાં ખસેડવા પર પણ પ્રતિબંધ; સરકાર, બાળઅધિકાર સંરક્ષણ આયોગ, રાજ્યોને નોટિસ

 

નવી દિલ્હી, તા. 21 : સુપ્રીમ કોર્ટે સોમવારે એક ધ્યાન ખેંચનારા ચુકાદામાં જણાવ્યું હતું કે, મદરેસા બંધ નહીં થાય. સાથોસાથ મુસ્લિમ વિદ્યાર્થીઓને મદરેસાઓમાંથી સરકારી શાળાઓમાં ખસેડવામાં આવશે નહીં. મદરેસા પર બે ફેંસલા અપાયા છે. પ્રથમ ફેંસલામાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોના સરકારી મદરેસા બંધ કરવા પર રોક મૂકી દીધી હતી.

હકીકતમાં, રાષ્ટ્રીય બાળઅધિકાર સંરક્ષણ આયોગે મદરેસાને ભંડોળ નહીં આપવા સહિત ભલામણ કરી હતી. કેન્દ્ર સરકારે આ ભલામણનું સમર્થન કરતાં રાજ્યોને પગલાં લેવા જણાવ્યું હતું.

બીજા ફેંસલામાં સર્વોચ્ચ અદાલતે મદરેસાઓમાં અભ્યાસ કરતા મુસ્લિમ વિદ્યાર્થીઓને સરકારી શાળાઓમાં ખસેડવાના ઉત્તરપ્રદેશ અને ત્રિપુરા સરકારના આદેશ પર પણ રોક લગાવી હતી.

મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડના વડપણવાળી ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલા અને મનોજ મિશ્રાની ખંડપીઠે જમિયત-ઉલેમા-એ-હિન્દની અરજી પર સુનાવણી કરતાં પણ ચુકાદા આપ્યા હતા.

સુપ્રીમ કોર્ટની ખંડપીઠે કેન્દ્ર સરકારની સાથોસાથ રાષ્ટ્રીય બાળઅધિકાર સંરક્ષણ આયોગ અને તમામ રાજ્યોને નોટિસ આપીને ચાર સપ્તાહમાં જવાબ માગ્યો છે.

સમાંતરે ખંડપીઠે એવું પણ કહ્યું હતું કે, આ રોક વચગાળાની છે. અંતિમ ફેંસલો ન આવી જાય ત્યાં સુધી રાજ્યો મદરેસાઓ પર કોઇ કાર્યવાહી નહીં કરી શકે.

રાષ્ટ્રીય બાળઅધિકાર સંરક્ષણ આયોગે કહ્યું હતું કે, મદરેસાઓમાં શિક્ષણ અધિકાર કાયદાનું પાલન નથી થતું. આવા મદરેસાઓની માન્યતા રદ કરીને તપાસ કરાય, તેવી માંગ આયોગે કરી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક