• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

કેનેડા PM ટ્રુડો ખાલિસ્તાનના સમર્થક

કેનેડા હિન્દુસ્તાન વિરુદ્ધ ગતિવિધિને પ્રોત્સાહન આપતું હોવાનો ભારતા પૂર્વ કમિશનર વર્માનો દાવો

ઓટાવા, તા. 21 : ખાલિસ્તાની આતંકી ગતિવિધિને સમર્થન આપવા સાથે કેનેડાની ધરતી પરથી ભારત વિરુદ્ધ કામ કરવા માટે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ખાલિસ્તાની આતંકવાદીઓને પ્રોત્સાહન આપતા હોવાનો આરોપ કેનેડામાં ભારતના પૂર્વ હાઈકમિશર સંજય વર્માએ લગાવ્યો હતો.

એક મીડિયા હેવાલ મુજબ, સંજય વર્માએ કહ્યું હતું કે, ખાલિસ્તાની આતંકીઓ ભારતીય નહીં, પણ કેનેડાના નાગરિકો છે, જે લોકો ત્યાં રહીને ભારતની સંપ્રભુતા અને અખંડિતતાને પડકારી રહ્યા છે. ટ્રુડો સરકાર તેમના પર રોક લગાવે તે જરૂરી છે તેમ વર્માએ જણાવ્યું હતું.

વર્માએ સ્પષ્ટતા કરતાં ઉમેર્યું હતું કે, તેમના કાર્યકાળ દરમિયાન કોઈ પણ ખાલિસ્તાની નેતાઓની વિગતો એકત્ર કરવાનું કોઈને કહ્યું નહોતું, પણ ટ્રુડો પોતે ખાલિસ્તાનના સમર્થક છે, તેથી કોઈ પણ આધાર-પુરાવા વિના નિજ્જરની હત્યાનો આરોપ ભારત પર લગાવી દીધો હતો.

અલબત્ત, ટ્રુડોએ થોડા દિ’ પહેલાં જ એ કબૂલ્યું હતું કે, તેમની પાસે હત્યાને લગતી માત્ર વિગતો જ હતી, નહીં કે કોઈ નક્કર પુરાવા તેમ જણાવી પૂર્વ હાઈકમિશનરે કહ્યું હતું કે, અમે પણ દુનિયા સાથે જોડાયેલા છીએ. અમારો દુશ્મન કેનેડામાં શું કરે છે તેનાથી અમે અજાણ છીએ જો એવું કેનેડાનું માનવું બાલિશતા છે.

નોંધનીય છે કે, ટ્રુડોએ નિજ્જરની હત્યા કરાવવા પાછળ ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. જો કે, ભારતે આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક