• શુક્રવાર, 01 નવેમ્બર, 2024

સામરિક સામર્થ્ય

વડોદરામાં તાતા ઍરક્રાફ્ટ કૉમ્પ્લેક્સના ઉદ્ઘાટન પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારતમાં ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ઈકો સિસ્ટમ નવા શિખર સર કરી રહી છે. સી-295 ઍરક્રાફ્ટ ફૅક્ટરી નૂતન ભારતની નવી કાર્ય સંસ્કૃતિનું પ્રતિબિંબ છે. આ પ્લાન્ટથી સ્પેન અને ભારત વચ્ચેના સંબંધો મજબૂત થવાની સાથે ‘મેઈક ઈન ઇન્ડિયા, મેઈક ફોર ધ વર્લ્ડ’ના અભિયાનને વેગ મળશે. ભારતે દસ વર્ષ પહેલાં નક્કર પગલાં લઈ ડિફેન્સ ઉત્પાદન વધારવા એક લક્ષ સાથે નવા પથ પર ચાલવાનું નક્કી કર્યું હતું, જેનું પરિણામ આજે સૌની સમક્ષ છે. સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેઝે કહ્યું કે વડા પ્રધાન મોદી પાસે ભારતને એક ઔદ્યોગિક મહાશક્તિમાં બદલવાનું વિઝન છે. ઍરબસ અને તાતા વચ્ચે આ સમજૂતી ભારતીય ઍરસ્પેસ ઉદ્યોગની પ્રગતિમાં યોગદાન આપશે અને અન્ય યુરોપીય કંપનીઓ ભારતમાં આગમન કરશે.

આજ કાલ કોઈપણ દેશની સામરિક શક્તિનું મૂલ્યાંકન એ આધાર પર કરવામાં આવે છે કે તેના વાયુદળમાં કેટલાં આધુનિક યુદ્ધ વિમાનો છે, કેટલી દૂર સુધી મિસાઈલ્સ ફેંકવા અને દુશ્મનની મિસાઈલોને ભેદવાની તેની ક્ષમતા છે. યુદ્ધના મેદાનમાં તે કેટલી ઝડપથી પોતાના સૈનિકોની તહેનાતી કરી શકે છે, હથિયારો અને દારૂગોળાની પહોંચ સુનિશ્ચિત કરી શકે છે. આ દિશામાં ભારતીય વાયુદળનું સામર્થ્ય સતત વધી રહ્યું છે. સી-295 વિમાનોને પોતાના જ દેશમાં તૈયાર કરવાનું સરકારની તૈયારીનું મુખ્ય ચરણ છે.

હવાઈદળની લાંબા સમયથી ફરિયાદ રહી છે કે તેના કાફલામાંનાં યુદ્ધ અને માલવાહક વિમાનો જૂનાં થઈ ગયાં છે, જેના પગલે દુશ્મનોથી ધાર્યો મુકાબલો કરવામાં તકલીફ પડે છે. આ સ્થિતિ લક્ષમાં લઈને રફાલ વિમાનોની ખરીદી કરવામાં આવી હતી. સ્વદેશી ટેક્છનિકથી હથિયારોના નિર્માણ પર ભાર મૂકવામાં આવ્યો હતો હવે છપ્પન સી-295 વિમાનોના નિર્માણથી હવાઈદળને યુદ્ધની સામગ્રી પહોંચાડવા, સૈનિકો અને ચિકિત્સા સુવિધાઓની ત્વરિત વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં ભારે મદદ મળશે.

પ્રથમ વેળા કોઈ ખાનગી કંપની ભારતમાં હવાઈદળ માટે વિમાનોનું નિર્માણ કરશે. સ્પેનની કંપની ઍરબસની સાથે તાતાએ સમજૂતી કરી આ વિમાનોનાં નિર્માણની દિશામાં પગલું આગળ વધાર્યું છે. આ વિમાનની ખાસિયત એ છે કે ઉતરવા અને ઉડાન ભરવા માટે ખૂબ નાની હવાઈ પટ્ટીની જરૂર રહેશે. એટલે કે દુર્ગમ પહાડી વિસ્તારો પર પણ ઉતારી શકાશે. 73 સૈનિકો કે નવ ટન વજનની સામગ્રી લઈ ઉડાન કરી શકે છે. આમાં આઠસો કિલોગ્રામ વજનનાં હથિયાર પણ લઈ શકાય છે. આ સતત અગિયાર કલાકનું ઉડ્ડયન કરી શકે છે અને આકાશમાં જ આમાં હવાઈ ઈંધણ ભરી શકાય છે. આ શ્રેણીનાં 16 વિમાનો સ્પેનમાં તૈયાર થશે અને બાકીનાં ચાલીસ વડોદરામાં બનાવવામાં આવશે. સ્વાભાવિક જ આ વિમાનો હવાઈદળના કાફલામાં સામેલ થવાથી સેનાનું મનોબળ વધશે; એટલું જ નહીં, પડોશી દેશોથી મળતા પડકારોને પહોંચી વળવાનું ખૂબ સરળ બનશે.

ઇ-પેપરના નવા શુલ્ક