-ICMR-NIEનો ચેતવણી આપતો રિપોર્ટ : શહેરોમાં નિયત પ્રમાણ કરતા નમકનો બમણો ઉપયોગ
નવી
દિલ્હી, તા. 14 : ભારતમાં નમકનો વધુ ઉપયોગ મોટી સમસ્યા બની રહ્યો છે. ભારતીય આયુર્વિજ્ઞાન
અનુસંધાન પરિષદ (આઈસીએમઆર)ના રાષ્ટ્રીય મહામારી વિજ્ઞાન સંસ્થાન (આસીએમઆર-એનઆઈઈ)ના
વૈજ્ઞાનિકો અનુસાર વધુ પડતા નમકના ઉપયોગથી લોકોને હાઈ બ્લડ પ્રેશર, સ્ટ્રોક, હૃદયની
બીમારી અને કિડનીની સમસ્યા થઈ રહી છે. આ સમસ્યાને ઘટાડવા માટે વૈજ્ઞાનિકોએ નવી રીત
શોધી છે અને ઓછું સોડિયમ ધરાવતા નમકના ઉપયોગને પ્રોત્સાહન આપી રહ્યા છે. પંજાબ અને
તેલંગણમાં ત્રણ વર્ષનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જેથી લોકોને ઓછુ નમક ખાવા સમજાવી
શકાય અને બ્લડ પ્રેશરને કંટ્રોલ કરી શકાય.
ડબલ્યુએચઓ
અનુસાર એક વ્યક્તિએ એક દિવસમા પાંચ ગ્રામથી ઓછુ નમક ખાવું જોઈએ. જો કે ભારતમાં લોકો
વધુ ખાઈ રહ્યા છે. શહેરોમાં લોકો પ્રતિદિવસ લગભગ 9.2 ગ્રામ અને ગામડામાં 5.6 ગ્રામ પ્રતિદિવસ નમકનો ઉપયોગ કરે છે. આ માત્રા
ડબલ્યુએચઓની સલાહથી ખુબ જ વધારે છે. એનઆઈઈના એક વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. શરણ મુરલીના કહેવા
પ્રમાણે ઓછા સોડિયમ ધરાવતા નમકમાં સોડિયમ ક્લોરાઈડની જગ્યાએ પોટેશિમ અથવા મેગ્નીશિયમ
સોલ્ટ ભેળવવામાં આવે છે. જેનાથી નમકની માત્રા ઓછી થાય છે. ઓછું સોડિયમ ધરાવતા મીઠાંના
ઉપયોગથી બ્લડ બ્રેશર સરેરાશ 7/4 એમએમએચજી સુધી ઓછું થઈ શકે છે. આ એક નાનો બદલાવ છે
પણ તેની અસર ખુબ મોટી હોય છે. ડો. મુરલીના કહેવા પ્રમાણે ઓછા સોડિયમવાળું નમક ખાવાથી
બ્લડ પ્રેશર ઓછું થાય છે અને હૃદય સ્વસ્થ રહે છે. હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકો માટે
આ સારો વિકલ્પ છે. અન્ય એક વૈજ્ઞાનિક ડો. ગણેશ કુમારના કહેવા પ્રમાણે પંજાબ અને તેલંગણમાં
એક પ્રોજેક્ટ ચલાવી રહ્યા છે. જેમાં લોકોને નમક ઓછું ખાવાના ફાયદા સમજાવવામાં આવશે.
આ પ્રોજેક્ટ ઈન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચની મદદથી ચલાવવામાં આવે છે.