• શનિવાર, 12 જુલાઈ, 2025

સમસ્યાના ઉકેલને બદલે રાજકીય અખાડો

વિધાનસભાની વિસાવદર બેઠકની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો વિજય થયો તે બાબતને ભારતીય જનતા પાર્ટીએ વધારે પડતી ગંભીરતાથી લઈ લીધી હોય તેવું લાગી રહ્યું છે. બે દિવસથી એવું લાગી રહ્યું છે કે આપના વિજેતા ઉમેદવાર સામે એક મોરચો ખૂલ્યો છે. રાજકારણ તો તેની રીતે ચાલતું રહે તેમાં કોઈ સમસ્યા ન હોય પરંતુ લોકોની સમસ્યાને અકારણ રાજકીય અખાડામાં લાવવામાં આવી રહી છે.

એક બેઠક જે ભાજપ પાસે હતી જ નહીં તેના ઉપર આપનો વિજય થયો છે. ભાજપે ચોક્કસ મનોમંથન કરવું રહ્યું. જો કે ચૂંટણીના પરિણામની સાંજે જ અને કદાચ તે પુર્વે પાર્ટી પાસે આ પરિણામના વિવિધ કારણ પહોંચી ગયા હતા. ગોપાલ ઈટાલિયા લોકોની વચ્ચે જઈને તેમની વાત સાંભળતા અને પોતાની વાત કરતા નેતા છે, વારંવાર આંદોલનો કરી ચૂક્યા છે તે બધું સાચું પરંતુ પેટાચૂંટણીનું આ પરિણામ વિધાનસભાની 2027ની ચૂંટણી ઉપર અસર કરી શકે તેવું અત્યારથી ધારી લેવું વહેલું છે. છતાં એક પછી એક ઘટનાઓ એવી બની રહી છે કે જાણ્યે-અજાણ્યે ગોપાલ અને આપના વિજયથી ભાજપ ક્યાંક પરેશાન થયો છે.

મોરબીમાં રસ્તા તૂટેલા છે, આંદોલન કરવું પડશે તેવી કોઈ વાત ગોપાલે કરી તેમાં મોરબીના ધારાસભ્યે ગોપાલને પડકાર ફેંક્યો કે ‘અહીંથી ચૂંટણી લડીને જીતો તો બે કરોડ રૂપિયા ઈનામમાં આપું.’  ગોપાલે પડકાર સ્વીકાર્યો. આ ઘટના પછીના અમુક કલાકમાં ભાજપના અન્ય અગ્રણીઓએ પણ ગોપાલ ઈટાલિયાને આવો પડકાર કર્યો છે. ગોપાલ કે અન્ય કોઈ પણ ધારાસભ્ય, કોઈ રાજકીય પક્ષના અગ્રણી રસ્તા, પાણી, શિક્ષણ, સ્વાસ્થ્યની સમસ્યા અંગે રજૂઆત, નિવેદન કે આંદોલન કરે તે લોકશાહીની પરંપરા છે. કોઈ મતવિસ્તાર વિશે કોઈ પણ પક્ષના પ્રતિનિધિ કંઈ કહે તો તેને લડાઈનું સ્વરુપ આપવાની જરુર નથી. આ કિસ્સામાં ગોપાલ ઈટાલિયા મોરબી કે અન્ય કોઈ મતવિસ્તાર માટે કંઈ બોલ્યા તો તેને લીધે વર્તમાન સરકારનો ગઢ હચમચી

જવાનો નથી.

ભાજપના સિનીયર અગ્રણી હોવા છતાં મોરબીના ધારાસભ્ય કાન્તિભાઈ તો એક વાયરલ કથિત વીડિયોમાં એવું બોલી રહ્યા છે કે એક સીટ ઉપર જીત થઈ એમાં આટલું બધું આપ શા માટે કરે છે? આવી વાતનો ગર્ભિત અર્થ કોઈ ધારે તો એવો તારવી શકે કે આ એક બેઠક આવી તેની અસર તેમને થઈ છે. ભાજપ પાસે પંચાયતથી લઈને છેક સંસદ સુધી તોતિંગ બહુમતિ છે. કોઈ વિપક્ષમાંથી કંઈ બોલે તો તેને કામ કરીને જવાબ આપવો જોઈએ કે પડકાર કરીને? આમ આદમી પાર્ટી હોય કે ભાજપ કે કોંગ્રેસ અત્યારે આવા પડકારો, વિવાદો કરવાને બદલે ખરેખર જે સમસ્યા છે તેના ઉકેલમાં ધ્યાન આપવું જોઈએ. વારંવાર બનતી દુર્ઘટનાઓ ન બને તે અગ્રતા હોવી જોઈએ. એકમેકને પડકાર આપવાથી કદાચ રાજકીય કદનું માપ નીકળી શકે, લોકોના પ્રશ્નોનું શું?

ઇ-પેપરના નવા શુલ્ક