- એનએસઈ અને બીએસઈનાં રોકાણકારોને મોટો ફટકો: જેન સ્ટ્રીટે ભરી દીધો સેબીનો 4843 કરોડ રૂપિયાનો દંડ
નવી
દિલ્હી, તા.14: એફ એન્ડ ઓ કારોબારમાં ભાવની હેરાફેરીનાં ગોરખધંધામાં ભારતમાંથી પ્રતિબંધિત
થયેલી અમેરિકાની ટ્રેડિંગ કંપની જેન સ્ટ્રીટે સેબીએ ફટકારેલો 4843 કરોડ રૂપિયાનો દંડ
આજે ભરી દીધો છે અને સેબીને તેની સામેનાં નિયંત્રણો હટાવી લેવા માટે અનુરોધ પણ કર્યો
છે ત્યારે બીજીબાજુ જાણવા મળે છે કે, છેલ્લા એક માસમાં એનએસઈ અને બીએસઈનાં રોકાણકારોને
આશરે 1.4 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. જેન સ્ટ્રીટનો કિસ્સો, એફએન્ડઓમાં ગોટાળા
ઉકેલવા અને ડેરિવેટિવ કારોબારમાં ઘટાડા ઉપરાંત રેટિંગમાં ઘટાડાનાં પરિણામે રોકાણકારોને
મોટું નુકસાન થયું છે.
સેબીએ
3 જુલાઈએ જેન સ્ટ્રીટને ભારતીય શેરબજારમાં કારોબાર કરતી પ્રતિબંધિત કરી નાખી હતી. આ
કૌભાંડ બહાર આવવાનાં કારણે ભારતીય શેર બજારનાં કારોબારમાં ઘટાડો નોંધાયો છે. ડેરિવેટિવ
સોદા ઘટી ગયા છે. બ્રોકરેજ કંપનીઓએ એક્સચેન્જનાં શેરનાં રેટિંગ ઘટાડી દીધા છે. તેનાં
હિસાબે એનએસઈનાં શેરમાં 20 ટકાનો ઘટાડો થયો હતો. બીએસઈનો શેર 10 જૂને 3030 રૂપિયાનાં
શિખરેથી 22 ટકા ગબડીને 2376 રૂપિયા થઈ ગયો હતો.