ચૂંટણી પંચની નિષ્પક્ષતા અને કાર્યદક્ષતા સામે વિપક્ષી નેતાઓએ હંમેશાં શંકાની આંગળી ચીંધી છે અને આક્ષેપો કર્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મતદારોની સંખ્યા, ટકાવારીમાં વધારો કેમ થયો? એવા પ્રશ્નનો જવાબ-ખુલાસો મળી ગયા પછી પણ વિપક્ષને સંતોષકારક જણાયો નથી અને જાહેરસભાઓમાં જૂના આક્ષેપો થયા કરે છે. મતદાતાઓની ઓળખ માટે વપરાતી શાહીથી લઈને વોટિંગ મશીન બાબત આક્ષેપો થયા છે. આ શ્રેણીમાં બિહારનો ઉમેરો થયો છે!
બિહાર
વિધાનસભાની ચૂંટણી વર્ષાંતે થનાર છે ત્યારે ચૂંટણી પંચે મતદારોની યાદીની તાત્કાલિક
ફેરતપાસ શરૂ કરવાની જાહેરાત કરી અને નામ નોંધાવવા માટે અથવા તો યાદીમાં નામ નોંધાયાની
ખાતરી કરવા માટે અગિયાર દસ્તાવેજી પુરાવા માગ્યા છે. ચૂંટણી માથાં ઉપર ગાજે છે ત્યારે
આ ચકાસણી પ્રક્રિયા પૂરી થશે નહીં અને લાખ્ખો નહીં - કરોડો મતદારો મતાધિકારથી વંચિત
રહેશે - ભાજપ સરકારનું આ કાવતરું હોવાનો આક્ષેપ વિપક્ષોએ કર્યો અને મતદાર યાદીની ચકાસણી
રદ કરવાની માગણી સુપ્રીમ કોર્ટ સમક્ષ મૂકી છે.
સુપ્રીમ
કોર્ટે ફરિયાદ પક્ષના ધુરંધર વકીલો અને ચૂંટણી પંચને સાંભળ્યા પછી યાદીની ચકાસણી રદ
કરવાની માગણી સ્વીકારી નથી, પણ ચૂંટણી પંચ સમક્ષ કેટલાક પ્રશ્નો મૂકીને ખુલાસા માગ્યા
છે. જનપ્રતિનિધિ કાનૂન અને સંવિધાને ચૂંટણી પંચને આપેલી સત્તા-અધિકાર હેઠળ મતદારોની
યાદી ફેરતપાસ થઈ શકે છે. કોઈનો મતાધિકાર ગેરકાયદે છીનવી લેવાય નહીં તેનું ખાસ ધ્યાન
રાખવું જરૂરી છે. ભારતમાં મતાધિકાર કાનૂની છે. મૂળભૂત અધિકારોમાં સામેલ નથી, છતાં લોકતંત્રમાં
પવિત્ર અધિકાર છે. ભારતીય પ્રજાસત્તાકને ટકાવી રાખવા માટે અનિવાર્ય છે તેથી કોઈનો મતાધિકાર
ગેરકાનૂની રીતે રદ થાય નહીં તે જોવાની ફરજ પંચની અને સુપ્રીમ કોર્ટની છે.
બિહારમાં
આ વિવાદ જાગ્યો, કારણ કે મતદાર યાદીમાં ઘણાં નામ-ઉમેરાયાં છે અને મતદાતાની પૂરી તપાસ
થઈ નથી. છેલ્લી ચૂંટણીની સરખામણીમાં આ વખતે સંખ્યા વધી હોય તે સ્વાભાવિક છે, પણ કાયદેસર
છે કે નહીં તેની તપાસ શરૂ થઈ એટલે વિપક્ષનો વિરોધ છે. પ્રશ્ન એ છે કે શું વિપક્ષને
શંકા કે ડર છે કે ગેરકાયદે યાદીમાં નોંધાવાયેલાં નામ હવે પુરાવાના અધારે નાબૂદ થશે?
મતદાતાઓની
યાદી ચકાસવા માટે પૂરતો સમય નથી અને ઘણા મતદારોનાં નામ રહી જાશે એવી ફરિયાદમાં વજૂદ
છે. સુપ્રીમ કોર્ટે પણ આ પ્રશ્ન પૂછ્યો છે. પંચે સંતોષકારક કામગીરી અને પરિણામની ખાતરી
આપવી પડશે.
આધાર
કાર્ડ, રૅશન કાર્ડ અને જૂના મતદાર કાર્ડ હોય તો સ્વીકારાય કેમ નહીં? એવો પ્રશ્ન સુપ્રીમ
કોર્ટનો છે. પંચનો જવાબ છે કે આધાર કાર્ડ રહેઠાણનો પુરાવો છે, નાગરિકત્વનો નહીં, આ
દલીલ સ્વીકાર્ય નથી, પણ વાસ્તવિક્તા એ છે કે રાજકીય પક્ષો અને અન્ય રાષ્ટ્રહિત વિરોધી
લોકો બનાવટી ફરજી આધાર કાર્ડ બનાવીને બાંગ્લાદેશી, પાકિસ્તાનીઓને પૂરાં પાડયાં છે.
આ રેકેટની જાણ પોલીસ તંત્રને પણ છે - છતાં સરકારી તંત્રનો ભ્રષ્ટાચાર કબૂલ થઈ જાય તેવા
ડરને કારણે સ્વીકારવા તૈયાર નથી.
સુપ્રીમ
કોર્ટે આ કેસની સુનાવણી મોકૂફ રાખી છે, પણ અત્યારે ફેરતપાસ રોકવાનો ઈનકાર કર્યો છે
- સાથે પંચ માટે આધાર કાર્ડ વગેરેની શરત - અથવા સૂચનો છે તેથી વિપક્ષે પણ વચગાળાનો
હુકમ આવકાર્યો છે તે બિહારના વિવાદમાં રાહતરૂપ છે.