• મંગળવાર, 15 જુલાઈ, 2025

મરાઠી વિવાદ : શિવસેના-મનસેના કાર્યકરોએ રિક્ષા ડ્રાઇવરને માર માર્યો

મરાઠીનાં અપમાનનો આરોપ : સેનાએ આ કાર્યવાહીને યોગ્ય ગણાવી!

મુંબઈ, તા. 13 : મહારાષ્ટ્રમાં ભાષાવિવાદ વકરી રહ્યો છે. પાલઘર જિલ્લાના વિરારમાં શિવસેના (યુબીટી) અને મનસેના કાર્યકરોએ મરાઠી ભાષા વિશે આપત્તિજનક ટિપ્પણીઓ કરવાના આરોપસર એક ઓટોરિક્ષાચાલક સાથે મારપીટ કરી છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.

વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, વિરાર રેલવે સ્ટેશન પાસે બિહારથી આવેલા એક રિક્ષાચાલકને શિવસેના તેમજ મનસેના કાર્યકરો થપ્પડો મારી રહ્યા છે. લોકોએ તેને જાહેરમાં એક વ્યક્તિ અને તેની બહેનની માફી માગવા મજબૂર કર્યો હતો.

શિવસેના (યુબીટી)ના વિરાર શહેર પ્રમુખ ઉદય જાધવે આ ઘટનાની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે, જો કોઈ મરાઠી ભાષા કે મહારાષ્ટ્રનું અપમાન કરશે, તેને શિવસેના તરફથી આ પ્રકારનો જ જવાબ મળશે. પોલીસે જણાવ્યું હતું કે, તેને આ ઘટનાની ખબર છે, પણ કોઈએ ફરિયાદ નોંધાવી નથી ! આ વ્યક્તિ પર આરોપ છે કે, તેણે થોડા સમય પહેલાં મરાઠીમાં વાત કરવાને લઈને એક યુવાનને ધમકાવ્યો હતો અને તેને ભોજપુર અને હિન્દી બોલવા માટે મજબૂર કર્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક