- એસસીઓ વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા ચીન પહોંચ્યા એસ. જયશંકર : ચીનના સમકક્ષ વાંગ યી સાથે કરી બેઠક, ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગ સાથે મુલાકાત
બીજિંગ,
તા. 14 : ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર સોમવારે ત્રણ દિવસની યાત્રાએ ચીન પહોંચ્યા
હતા. તેઓ તિયાનજિનમાં થનારી શંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ)ના સભ્ય દેશોના વિદેશ મંત્રીઓની
બેઠકમાં ભાગ લેશે. એસ જયશંકરે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે એક બેઠક કરી હતી. જેમાં
વ્યાપાર, સરહદ વિવાદથી લઈને શાંતિની બહાલી મુદ્દે ચર્ચા થઈ હતી. બેઠકમાં જયશંકરે કહ્યું
હતું કે, બન્ને દેશના પરસ્પર વ્યાપાર દરમિયાન કોઈપણ પ્રકારના પ્રતિબંધો કે અડચણો થવા
જોઈએ નહીં. આવી બાબતોથી બન્ને દેશને નુકસાન થશે. ભારત અને ચીનના સામાન્ય લોકો મળતા
રહેશે તો તેનાથી સહયોગ વધશે અને સંબંધો મજબુત બનશે. ભારત ચીન વચ્ચે સારા અને સ્થિર
સંબંધ માત્ર બન્ને દેશ માટે જ નહી પણ પુરી દુનિયા માટે ફાયદારૂપ છે.
બીજિંગ
પહોંચ્યા બાદ જયશંકરે ચીનના ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન
કહ્યું હતું કે ભારત-ચીનના સંબંધ સતત સામાન્ય બન્યા રહેવાથી પરસ્પર રીતે લાભકારી પરિણામ
મળી શકે છે. હાન સાથે બેઠકમાં જયશંકરે કહ્યું હતું કે જટિલ વૈશ્વિક સ્થિતિ ધ્યાને રાખીને,
બન્ને પાડોસી દેશો વચ્ચે વિચારોનું ખુલ્લું આદાન-પ્રદાન જરૂરી છે.
પૂર્વી
લદ્દાખમાં એલએસીએ 2020મા થયેલા સૈન્ય ગતિરોધ અને સંબંધમાં ગંભીર તણાવ બાદ વિદેશ મંત્રી
જયશંકરની પહેલી ચીન યાત્રા છે. ચીનના ઉપરાષ્ટ્રપતિ સાથે બેઠક પહેલા શરૂઆતી નિવેદનમાં એસ જયશંકરે કહ્યું હતું કે ગયા વર્ષે ઓક્ટોબરમાં
કજાનમાં પીએમ મોદી અને રાષ્ટ્રપતિ શી ઝિનપિંગ વચ્ચે મુલાકાત બાદથી બન્ને દેશના દ્વિપક્ષીય
સંબંધમાં સતત સુધારો આવી રહ્યો છે. તેઓને વિશ્વાસ છે કે આ યાત્રામાં ચર્ચાઓ સકારાત્મક
દિશામાં આગળ વધશે.
વિદેશ
મંત્રીએ ભારત-ચીન કૂટનીતિક સંબંધોની સ્થાપનાની 75મી વર્ષગાંઠનો ઉલ્લેખ કર્યો હતો અને
એમ પણ કહ્યું હતું કે કૈલાશ માનસરોવરની યાત્રા શરૂ કરવાના નિર્ણયને ભારતમાં વ્યાપક
રૂપથી સરાહના મળી છે. સંબંધો સતત સામાન્ય રહેવાથી પરસ્પર રૂપથી લાભકારી પરિણામ મળી
શકે છે. બીજી તરફ ચીનના ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગે કહ્યું હતું કે ચીન અને ભારત બન્ને
પ્રમુખ વિકાસશીલ દેશ અને ગ્લોબલ સાઉથના મહત્ત્વપૂર્ણ સભ્ય છે. એકબીજાની સફળતાને સફળ
બનાવનારા ભાગીદાર બનવું અને ‘ડ્રેગન-હાથી ટેંગો’ મેળવવું બન્ને પક્ષ માટે સાચો વિકલ્પ
છે.