• ગુરુવાર, 26 ડિસેમ્બર, 2024

ઈવીએમનું ‘સર્વોચ્ચ’ સન્માન

ચૂંટણીમાં ઈવીએમને બદલે બૅલેટ પેપરથી મતદાન કરાવવાની માગણી સુપ્રીમ કોર્ટે નકારી કાઢી છે. આ પૂર્વે પણ ઈવીએમના વિરોધમાં અનેક લોકો, સંસ્થાઓ અને રાજકીય પક્ષોએ સુપ્રીમ કોર્ટમાં ધા નાખી હતી. આ બધાની એકત્રિત સુનાવણી કરતા ઈવીએમ માટે કયો વિકલ્પ તમારી પાસે છે? એવો પ્રશ્ન અરજદારોને પુછાતાં તેમણે મતપત્રિકા (બૅલેટ પેપર)નો વિકલ્પ સૂચવ્યો હતો. ત્યારે પણ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં તેનો વિરોધ કર્યો હતો અને આ વાત કોર્ટે ફરી યાદ કરાવી હતી.

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી હાર્યા બાદ વિપક્ષે ફરી ઈવીએમ પર દોષનો ટોપલો ઢોળ્યો છે. ઈવીએમ પર સવાલ કરતા દેશભરમાં બૅલેટ પેપરથી ચૂંટણી કરાવવાનું અભિયાન ચલાવવાની જાહેરાત કરી છે. આવી જ હાકલ મહારાષ્ટ્રમાં શરદચંદ્ર પવારની રાષ્ટ્રવાદી કૉંગ્રેસે કરી છે. આમ સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી પણ આનું માન જાળવવાનું આ પક્ષોના નેતાઓમાં નથી એવું અગાઉ અનેક વેળા જણાય આવ્યું છે. સંસદમાં બંધારણ દિવસ પર આયોજિત કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું અભિવાદન સુધ્ધાં લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ નહોતું કર્યું. કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ પોતાની બેઠક લે તે પહેલાં જ રાહુલ ગાંધી મંચ પર પોતાની બેઠક પર બેસી ગયા હતા.

ઈવીએમ પ્રકરણમાં સુપ્રીમ કોર્ટે સાચું જ કહ્યું છે કે ચૂંટણી પરાજય પછી જ ઈવીએમની ફરિયાદ કેમ કરવામાં આવે છે? આ સવાલ ફક્ત અરજદારોના મકસદને બેનકાબ કરનારો નથી પણ એ નેતાઓનો દુપ્રચારનો પર્દાફાશ કરનારો છે, જે મહારાષ્ટ્રની ચૂંટણી બાદ હાર માટે ઈવીએમને શંકાસ્પદ ગણાવી રહ્યા છે, પણ ઝારખંડનાં પરિણામોમાં તેમને કશું જ અજુગતું જણાતું નથી. સુપ્રીમ કોર્ટે ઈવીએમના સંદર્ભમાં જે કંઈ કહ્યું છે તે ઉચિત છે. આમ છતાં વિરોધીઓ કેટલી વાર સુપ્રીમ કોર્ટમાં ફરી ફરી આ એક જ મુદ્દે ધા નાખશે. સુપ્રીમ કોર્ટે અરજદારોને સ્પષ્ટ કહ્યું છે કે યુરોપના દેશોમાં શું થાય એ અહીં જણાવવાની જરૂર નથી. ભારતમાં ચૂંટણી યોજવી એ મોટું કામ છે અને આખા જર્મનીની કરતાં એકલા પશ્ચિમ બંગાળની વસ્તી વધુ છે. ઈવીએમ પર શંકા કરો નહીં એમ પણ કોર્ટે કહ્યું છે.

કેન્દ્રમાં કૅંગ્રેસની સત્તા હતી ત્યારે ઈવીએમનો ઉપયોગ શરૂ થયો હતો. દેશના કરોડો મતદારોને લક્ષમાં લેતાં ઈવીએમ લાવવામાં આવ્યાં હતાં. 1992માં તેનો સર્વ પ્રથમ ઉપયોગ કરવામાં આવ્યો હતો. 1960ના દાયકામાં ચૂંટણીમાં ઘાલમેલની ઘટના સૌપ્રથમ બિહારમાં સામે આવી હતી. આ પછી દેશમાં સર્વત્ર આ પ્રકારની ઘટનાઓને પગલે ઈવીએમની આવશ્ક્તા જણાઈ હતી, જે ચૂંટણી પંચે પૂર્ણ કરી. વિશ્વભરમાં ભારતના ચૂંટણી પંચના ભારોભાર વખાણ થઈ રહ્યા છે ત્યારે ભારતમાં કેટલાક લોકો ચૂંટણી પંચ પર અને ઈવીએમના પરિણામ સામે સવાલ કરી રહ્યા છે. આવી અરજી કરનારાઓ સામે સુપ્રીમ કોર્ટે ખૂબ આકરાં પગલાં લેવાની જરૂર છે, કેમ કે આવી અરજીઓ  રાજકીય હેતુથી પ્રેરિત હોવાની સાથે અદાલતના સમયનો પણ વેડફાટ કરે છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક