• શુક્રવાર, 27 ડિસેમ્બર, 2024

બાંગ્લાદેશી ઘૂસણખોરોની સમસ્યા

મહારાષ્ટ્ર, આસામ અને બંગાળની પોલીસે ગેરકાયદે ઘૂસી આવતા બાંગ્લાદેશી ઘૂસણખોરો વિરુદ્ધ દેશવ્યાપી ઝુંબેશ આદરી છે અને ઘણાંની ધરપકડ કરી છે. બાંગ્લાદેશના સીમાવર્તી વિભાગ પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર, કાશ્મીર, મુંબઈ, બેંગલોર અને દિલ્હી એનસીઆરમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોની સમસ્યા સૌથી વધુ વિકટ છે. કેન્દ્ર સરકારે ગેરકાયદે ઘૂસણખોરોને પહોંચી વળવા નાગરિક સંશોધન કાયદા સીએએ લાગુ ર્ક્યો છે, જેમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનથી ભારત આવેલા ગેરભારતીય નાગરિકોને શરતી નાગરિકતા આપવાની જોગવાઈ કરવામાં આવી છે, પરંતુ આજે દેશમાં મૂળ સમસ્યા બાંગ્લાદેશથી આવેલા ગેરકાયદે મુસ્લિમ ઘૂસણખોરોની છે, જે ભારત માટે અનેક ભય ઊભા કરી રહ્યા છે.

બાંગ્લાદેશથી પીડિત થઈને હિન્દુ ભારતમાં આવે છે, જ્યારે મુસ્લિમ અને રોહિંગ્યા મુસ્લિમ ભારતમાં ગેરકાયદે ઘૂસણખોરી કરે છે. આવા બાંગ્લાદેશીઓ ભારતના અર્થતંત્ર, રાજકીય સમાજ અને સુરક્ષા માટે ગંભીર ભય બની રહ્યા છે. 2003-04ના એક રિપોર્ટ મુજબ બાંગ્લાદેશી ઘૂસણખોરો દેશમાં પચીસ લોકસભા બેઠકો અને 120 વિધાનસભાની બેઠકો પર અસરકારક ભૂમિકામાં છે. 2003 સુધી દિલ્હીમાં છ લાખ બાંગ્લાદેશી ઘૂસણખોરો ભારતીય ઓળખપત્ર મેળવી ચૂકયા છે! હાલ ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં પણ બાંગ્લાદેશી ઘૂસણખોરોનો મુખ્ય મુદ્દો હતો. અનુમાન છે કે હાલ ત્રણથી પાંચ કરોડ બાંગ્લાદેશી ઘૂસણખોરો ભારતમાં રહે છે. 2001માં કટ્ટરપંથી જમાત-એ-ઈસ્લામી જેવા પક્ષોના સહયોગથી બીએનપી સત્તામાં આવી, તો ભારતમાં ઘૂસણખોરી અને આતંકવાદી ગતિવિધિઓ વધી ગઈ હતી.

2002માં તત્કાલીન વિદેશપ્રધાન યશવંત સિન્હાએ સંસદમાં કહ્યું હતું કે ઢાકામાં પાકિસ્તાની આઈએસઆઈનાં નવ સેન્ટર છે, જે ભારત વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓમાં સક્રિય છે. અૉક્ટોબર 2002માં બીએસએફએ બાંગ્લાદેશમાં ચાલી રહેલા 99 આતંકવાદી ટ્રેનિંગ કૅમ્પોનું લિસ્ટ બાંગ્લાદેશ બૉર્ડર ગાડર્સને સોંપ્યું હતું. 2000માં ભારતના ત્યારના ગૃહસચિવ માધવ ગોડબોલેએ કેન્દ્ર સરકારને સોંપેલા મહત્ત્વપૂર્ણ રિપોર્ટમાં કહ્યું હતું કે લગભગ 15 કરોડ બાંગ્લાદેશી ઘૂસણખોરો ભારતમાં રહે છે.

વિઝા મેળવીને ભારે સંખ્યામાં બાંગ્લાદેશી આવે છે, પણ આમાંના અનેક પાછા વતન જતાં નથી. 2023માં લગભગ 16 લાખ બાંગ્લાદેશી વિઝા લઈને ભારત આવ્યા હતા. 1974માં ભારત-બાંગ્લાદેશ બૉર્ડર ‘ગાઈડલાઈન’ બની હતી ત્યારે બાંગ્લાદેશનો માહોલ બિલકુલ અલગ હતો, આજે બાંગ્લાદેશમાં ભારતવિરોધી માહોલ છે, જેને લઈ હવે ભારત-બાંગ્લાદેશ બૉર્ડર ગાઈડલાઈન્સની સમીક્ષા પણ કરવી જરૂરી છે. ઘૂસણખોર બાંગ્લાદેશીઓને વીણીવીણીને દેશ બહાર કરવાની પ્રક્રિયા પ્રભાવીપણે શરૂ થવી જોઈએ.

 

ઇ-પેપરના નવા શુલ્ક