બાંગ્લાદેશ
સરકારે પૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને સ્વદેશ પાછા મોકલી આપવા ભારત સરકારને માગણી-પત્ર
મોકલ્યો છે. બાંગ્લાદેશના વિદેશ વિભાગના સલાહકાર તૌહિદ હુસૈને કહ્યું છે કે અમે શેખ
હસીનાનાં પ્રત્યાર્પણ માટે ભારતને રાજદ્વારી ધોરણે પત્ર મોકલ્યો છે. બાંગ્લાદેશના ગૃહ
બાબતોના સલાહકાર જહાંગીર આલમ ચૌધરીએ કહ્યું છે કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રત્યાર્પણ
સંધિ અને ન્યાયિક પ્રક્રિયા અંતર્ગત માગણી કરાઈ છે. બાંગ્લાદેશમાં 5 અૉગસ્ટે તખ્તાપલટ પછી શેખ હસીના ભાગીને ભારત આવ્યાં હતાં
અને ભારતમાં આશરો લીધો છે.
બાંગ્લાદેશની
વચગાળાની સરકારે શેખ હસીનાનું પ્રત્યાર્પણ માગ્યું છે. જોકે દુનિયાએ જોયું છે કે પાંચમી
અૉગસ્ટે વડા પ્રધાન શેખ હસીનાના ઘરને ઘેરીને લૂંટવામાં આવ્યું હતું. એ પણ જોવામાં આવ્યું
છે કે સાધુ ચિન્મય દાસને કેવી રીતે ફસાવવામાં આવ્યા છે અને વકીલોએ તેમનો કેસ લડવાનો
ઈનકાર કર્યો છે. આવામાં સામાન્ય વ્યક્તિ પણ સમજી શકે છે કે શેખ હસીનાના બાંગ્લાદેશ
પહોંચવા પર તેમની સાથે કેવી રીતે ન્યાય થશે!
બાંગ્લાદેશમાં
ચૂંટાયેલી સરકાર સ્થિર બને નહીં ત્યાં સુધી હસીના બાંગ્લાદેશ પાછાં ફરી શકે નહીં. તેઓ
પોતાની મરજીથી જીવ બચાવીને ભારત આવ્યાં છે અને તેમને આશ્રય નકારવાનું યોગ્ય લેખાત નહીં.
શેખ હસીનાની સુરક્ષા સુનિશ્ચિત થવી જોઈએ અને બાંગ્લાદેશની સ્થિતિ સ્થિર બને તેની પ્રતીક્ષા
કરવી જોઈએ. બાંગ્લાદેશ સાથે આપણી પ્રત્યાર્પણ સંધિ છે, પણ તે ભારતદ્રોહી આતંકવાદીઓને
ભારતને સોંપવા તૈયાર નથી, જ્યારે કે તે ઈચ્છે છે કે તેમનાં માજી વડા પ્રધાનને ઢાકા
મોકલી દેશમાં આવે. બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુસુફ પહેલાં જ કહી ચૂક્યા છે
કે શેખ હસીના ભારતમાં રહીને નિવેદનો કરે તે કોઈને પસંદ નથી. શું ભારત શેખ હસીનાને ચૂપ
રહેવા માટે બાધ્ય કરી શકે છે? તેઓ એક મોટા પક્ષના નેતા છે, તેમનો પક્ષ નબળો છે, પણ
તેમને તેમના પક્ષનો બચાવ કરવાથી કેવી રીતે રોકી શકાય? બાંગ્લાદેશમાં લોકતંત્ર ખતમ થવાની
ઘોષણા તો નથી થઈ તો પછી નવેસરથી ચૂંટાયેલી સરકારના નિર્ણયની શા માટે પ્રતીક્ષા ન કરવામાં
આવે?
બાંગ્લાદેશના
કટ્ટરપંથી સલાહકારોએ એક ચૂંટાયેલી સરકારનો તખ્તાપલટ કર્યો છે, પણ તેનો અર્થ એ નથી કે
ત્યાં સમગ્ર દેશ તખ્તાપલટની તરફેણમાં છે. હજી અધિકતમ બાંગ્લાદેશીઓને પોતાના પક્ષમાં
કરવા માટે વચગાળાની સરકારે પ્રયાસ કરવા પડશે. આ લોકતાંત્રિક કાર્ય કે પ્રયાસમાં તેમને
ભારત જ હંમેશાં મદદ આપી શકે.
શેખ
હસીના પ્રત્યાર્પણની માગ વિરુદ્ધ કોર્ટમાં જઈ શકે છે. જે રીતે ભારતના પ્રત્યાર્પણ અનુરોધોને
અન્ય યુરોપીય દેશોએ વિભિન્ન દલીલો અને ચેતવણીઓથી નકારી કાઢ્યા હતા, એવી રીતે શેખ હસીના
પણ કહી શકે છે કે તેમને ત્યાંની સરકાર પર વિશ્વાસ નથી અને તેમની સાથે અનુચિત વ્યવહાર
થવાનો ડર છે. આ ઉપરાંત ભારત પણ રાજનીતિક કારણોસર પ્રત્યાર્પણ નકારી શકે છે. બાંગ્લાદેશ
સાથે આપણી પ્રત્યાર્પણ સંધિ છે, પરંતુ ‘નોટ વર્બલ’ બે સરકારો વચ્ચે સંદેશ વ્યવહારનું
સૌથી નીચલું સ્તર છે. જો બાંગ્લાદેશ સરકાર આ પ્રકરણમાં ગંભીર હોય તો તેણે ઉચ્ચ સ્તરીય
નોટ મોકલવાની રહેશે. આમ છતાં હસીનાને પાછાં મોકલવાની યુનુસ સરકારની માગ બન્ને દેશોના
સંબંધોને વધુ તાણભર્યા બનાવી શકે છે. આમ પણ ભારત આ માગનો સ્વીકાર કરે તેવી શક્યતા નથી.
લાગે છે કે યુનુસ સરકાર આંતરિક સમસ્યાઓથી બાંગ્લાદેશના લોકોનું ધ્યાન ભટકાવવા આવી માગણી
કરી રહી છે. ત્યારે ભારત માટે શરણાગતને રક્ષણ આપવું અનિવાર્ય છે.