• શુક્રવાર, 27 ડિસેમ્બર, 2024

વડાપ્રધાનની કુવૈત યાત્રા

કેન્દ્રમાં વડાપ્રધાન નરેદ્ર મોદીની સરકારે સત્તા સંભાળી છે, ત્યારે વ્યાપક અસર ઊભી કરે એવા નિર્ણયોની શૃંખલામાં મધ્ય-પૂર્વ અને અખાતના આરબ દેશોની સાથે સંબંધોને મહત્ત્વ આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કુવૈતની તાજેતરની યાત્રા વડાપ્રધાન મોદીની આરબ દેશોની 14મી મુલાકાત બની રહી હતી. આ અગાઉ તેમણે કતાર અને સાઉદી અરેબિયાની બે-બે વખત, બહેરીન અને ઓમાનની એક-એક વખત અને સંયુક્ત આરબ અમિરાતની સાત વખતે મુલાકાત લીધી હતી. ઊર્જા અને રોકાણની દૃષ્ટિએ આરબ દેશોનું વિશ્વમાં અનોખું મહત્ત્વ રહ્યંy છે. મોદી આ દેશોની સાથે સંબંધ ઘનિષ્ઠ કરીને આ ભારતને રાજદ્વારી અને વેપારી રીતે લાભ મળે તે માટે સક્રિય બન્યા છે. કુવૈતના અમીર શેખ મેશાલ અલ અહમદ અલ જબર અલ સબાએ ભારતીય વડાપ્રધાનને પોતાના દેશનું સર્વોચ્ચ સન્માન ધ ઓર્ડર ઓફ મુબારક અલ-કબીર અપર્ણ કરીને ભારત સાથે કુવૈતના સંબંધોનાં મહત્ત્વને વ્યક્ત કર્યું હતું.  

વડાપ્રધાન મોદીની આ વખતની યાત્રા દરમ્યાન બન્ને દેશે માળખાંકીય સુવિધાઓ, સલામતી, માહિતી ટેક્નોલોજી અને ફિનટેક ઉપરાંત દવાઓના મામલે વિવિધ સ્તરે વાટાઘાટો યોજી હતી. આમ તો બન્ને દેશ વચ્ચે ક્રૂડ તેલ અને કુદરતી ગેસના મામલે ગાઢ વેપારી  સંબંધ રહ્યા છે. તે ઉપરાંત લગભગ દસ લાખથી વધુ ભારતીયોએ કુવૈતને કર્મભૂમિ બનાવી છે. કુવૈતની કુલ વસ્તીમાં બિનનિવાસી ભારતીયોની ટકાવારી 21 ટકા રહી છે. કુવૈત ભારતને ક્રૂડતેલ પૂરું પાડતા દેશોમાં છઠો ક્રમ ધરાવે છે. 1961માં કુવૈતને વૈશ્વિક માન્યતા આપનારા ગણ્યાગાંઠયા દેશોમાં ભારત પણ સામેલ હતું. આજે બન્ને દેશ વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર દસ અબજ ડોલરને આંબી ગયો છે.  ભારતમાં વ્યાપક આર્થિક વિકાસ અને સંરક્ષણ સહિતની ટેક્નોલોજીમાં વધેલી ક્ષમતા બન્ને દેશોના વેપારમાં ચાવીરૂપ બની રહ્યા છે. આજે સંખ્યાબંધ ભારતીય કંપનીઓ કુવૈતમાં સક્રિય હાજરી ધરાવે છે.  ટાટા, અશોક લેલેન્ડ, એલએન્ડટી, શાપુરજી પાલનજી, વિપ્રો જેવી વાહન, બાંધકામ અને સોફ્ટવેર કંપની ઉપરાંત વીમા કંપનીઓ કુવૈતમાં કાર્યરત છે. વડાપ્રધાન મોદી વિદેશની ધરતી પર ત્યાંના ભારતીય સમુદાયને સંબોધનની તક જતી કરતા નથી હોતા, આ વખતે કુવૈતની મુલાકાત દરમ્યાન તેમણે આ પરંપરાની  સાથોસાથ ત્યાં કામ કરતા ભારતીય શ્રમિકો સાથે ભાવનાસભર રીતે વ્યક્તિગત સંવાદ સેતુ રચીને તેમના નોખાં પાસાંનો દેશ અને દુનિયાને પરિચય કરાવ્યો તે ખાસ ઉલ્લેખનીય છે.   

કુવૈત પાસે 105 અબજ બેરલનો ક્રૂડતેલનો જથ્થો છે, તેની સાથોસાથ તેની આર્થિક તાકાત પણ નોંધપાત્ર છે. છેલ્લા થોડા સમયમાં બન્ને દેશના રાજનેતાઓ વચ્ચેના સંપર્કો  જીવંત બન્યા છે અને તેની ફળશ્રુતિરૂપે મોદીની હાલની યાત્રા યોજાઇ હતી. આવનારા સમયમાં આ  સંબંધ વધુ ગાઢ બનશે અને તેનાથી બન્ને દેશોને ફાયદો મળશે એમાં કોઇ શંકા જણાતી નથી.

 

ઇ-પેપરના નવા શુલ્ક