યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ટુ
કોમ્બેટ ડેઝર્ટિફિકેશન(યુએનસીસીડી) અને યુરોપિયન કમિશન જોઇન્ટ રિસર્ચ સેન્ટરે તાજેતરમાં
વર્લ્ડ ડેઝર્ટ એટલાસ બહાર પાડ્યો હતો. જેમાં દુનિયાને લાલબત્તી ધરતા કહેવામાં આવ્યું
છે કે, વર્ષ 2050 સુધીમાં આશરે 75% જેટલી વસ્તી દુષ્કાળથી પ્રભાવિત હશે. યુએનસીસીડીમાં
સામેલ દેશો સાઉદી અરેબિયાની રાજધાની રિયાદમાં મળવાના છે. વર્લ્ડ ડેઝર્ટ એટલાસ એટલે
કે વિશ્વનાં રણપ્રદેશનો નક્શો ઇટાલીના સીઆઇએમએ રિસર્ચ ફાઉન્ડેશન, નેધરલેન્ડ્સની એક
યુનિવર્સિટી અને યુએન યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ ફોર એન્વાયર્નમેન્ટ એન્ડ હ્યુમન સિક્યુરિટી
દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં ઊર્જા, કૃષિ અને વેપાર પર દુષ્કાળની અસરની વિગતો
આપવામાં આવી છે. દુષ્કાળ એ માત્ર આબોહવાની કટોકટી નથી. જમીન અને પાણીના ઉપયોગ અને વ્યવસ્થાપન
સાથે સંકળાયેલા માનવીય પરિબળો દુષ્કાળ અને તેની અસરોને વધારે તીવ્ર બનાવે છે. માનવીય
કારણોમાં પાણીનો દુરુપયોગ, વિવિધ પ્રદેશો વચ્ચે પાણીની ખેંચતાણ, નબળું જમીન વ્યવસ્થાપન
અને જળ સંસાધનોનું અયોગ્ય મૂલ્યાંકન સામેલ છે. એટલાસમાંથી મળેલી માહિતી ભવિષ્યના જોખમોનું
સંચાલન, દેખરેખ અને આગાહી કરવાનું સરળ બનાવે છે. ભારતમાં દુષ્કાળને કારણે જે પાકોને
નુકસાન થઈ રહ્યું છે તેમાં સુધારો કરવાની વાત થઈ રહી છે. 25 કરોડથી વધુ લોકો કૃષિ ક્ષેત્રમાં
કામ કરે છે. અહીં દુષ્કાળને કારણે સોયાબીન ઉત્પાદનમાં ભારે નુકસાન થવાની ધારણા છે.
2019માં ચેન્નાઈમાં ‘ડે ઝીરો’ની યાદ અપાવતા એવું કહેવામાં
આવ્યું છે કે જળ સ્ત્રોતોના ગેરવહીવટ અને ઝડપી શહેરીકરણથી શહેરમાં પાણીની કટોકટી સર્જાઈ
છે. ચેન્નાઈમાં દર વર્ષે સરેરાશ 1,400 મીમીથી વધુ વરસાદ પડે છે. ચેન્નાઈમાં ઘણા જળાશયો
છે. તે વરસાદી પાણીના સંગ્રહ માટે પાયલોટ શહેર પણ રહ્યું છે. અવ્યવસ્થિત શહેરી વિકાસને
કારણે પાણીનું સ્તર ઘટી રહ્યું છે. ચેન્નાઈ દુષ્કાળ તરફ આગળ વધી રહ્યું છે. આ દર્શાવે
છે કે દુષ્કાળ હંમેશા કુદરતી ઘટના નથી. 2020 અને 2023 ની વચ્ચે ભારતમાં જળ વ્યવસ્થાપનની
નિષ્ફળતા તણાવ તરફ પણ દોરી ગઈ હતી. ભારત પછી સબ-સહારન આફ્રિકા આવે છે. યુએનસીસીડીના
નિષ્ણાતોએ કહ્યું છે કે દુષ્કાળને કારણે થતા નુકસાનને ઘટાડવાની લડાઈમાં માહિતીની વહેંચણી
ચાવીરૂપ રહેશે. જ્ઞાનમાં સુધારો કરવા, દુષ્કાળની આગાહી કરવા અને જોખમોને સમજવા માટે
રોકાણ કરવાની જરૂર છે. યુએનસીસીડીના કાર્યકારી
સચિવ ઇબ્રાહિમ થિયાવે જણાવ્યું હતું કે સમય ઓછો છે. હું તમામ દેશોને, ખાસ કરીને યુએનસીસીડીના
દેશોને આ એટલાસના તારણોની ગંભીરતાપૂર્વક સમીક્ષા કરવા અને સ્થિર, સુરક્ષિત અને ટકાઉ
ભવિષ્યના નિર્માણ માટે પગલાં લેવા હાકલ કરું છું. દુષ્કાળના જોખમને સફળતાપૂર્વક સંચાલિત
કરવા માટે, સમુદાયો અને દેશોએ સક્રિય પગલાં લેવા જોઈએ, એમ એટલાસના લેખકોએ જણાવ્યું
હતું. આ એટલાસ દુષ્કાળ વ્યવસ્થાપન અને અનુકૂલન માટે અસરકારક વ્યૂહરચનાઓ બનાવવામાં મદદ
કરે છે. તે દર્શાવે છે કે વિવિધ ક્ષેત્રોમાં જોખમો કેવી રીતે એકબીજા સાથે જોડાયેલા
છે.