• ગુરુવાર, 26 ડિસેમ્બર, 2024

બાદલ પર હુમલો : પંજાબમાં અલગતાવાદનો પડકાર

એક સમયે પંજાબમાં હિંસાની આગ લગાવનારા શીખ અલગતાવાદે ફરી એક વખત માથું ઊંચક્યું છે. કેનેડા અને પશ્ચિમના અન્ય દેશોમાં વસતા અમુક શીખોને ખાલિસ્તાનવાદનો જ્વર તીવ્ર બનવા લાગ્યો છે. આ ઉગ્ર વિચારસરણીની સીધી અસર હવે પંજાબ સુધી વર્તાવા લાગી છે. હવે અમૃતસરનાં પવિત્ર સુવર્ણ મંદિર પરિસરમાં ખાલિસ્તાનના ટેકેદાર એવા ભૂતપૂર્વ આતંકીએ જે રીતે માજી મુખ્યમંત્રી સુખબીરાસિંહ બાદલ પર ગોળીબાર કરીને તેમની હત્યાનો જે રીતે પ્રયાસ કર્યો, તેનાથી પોલીસ સહિતની સલામતી એજન્સીઓની અસરકારકતા અંગે વધુ એક વખત ગંભીર ચર્ચા છેડાઇ છે. બાદલની હત્યાનો પ્રયાસ કરનારો ઝડપાઇ ગયો છે, છતાં તેના દોરીસંચારનું પગેરું શોધવાનો પડકાર ઉકેલવાનો રહેશે. સાથોસાથ આવાં આતંકવાદી અને અલગતાવાદી તત્ત્વોની સામે આગોતરી અસરકારક કાર્યવાહીની અનિવાર્યતા પણ હવે સાબિત થઇ ગઇ છે.  

રામરહીમની સામેના ફોજદારી ગુનામાં સમાધાન કરાવવાના આરોપમાં સુખબીરાસિંહ બાદલ સુવર્ણમંદિરનાં દ્વારે પ્રાયશ્ચિત કરી રહ્યા હતા, ત્યારે તેમની ઉપર ગોળી છોડીને તેમને ખતમ કરવાનો પ્રયાસ થયો હતો. નસીબ જોગે આ પ્રયાસ વિફળ રહ્યો અને બાદલને કોઇ ઇજા સુદ્ધાં થઇ ન હતી, પણ આખા મામલાએ દેશભરમાં ભારે ચકચાર જગાવી છે. આ અણધાર્યા બનાવે સુવર્ણમંદિર જેવાં પવિત્ર ધર્મસ્થળે શ્રદ્ધાળુઓની તપાસનો મુદ્દો પણ સપાટીએ આણ્યો છે. ઉલ્લેખનીય છે કે, દેશનાં અન્ય ધર્મસ્થળોમાં શ્રદ્ધાળુઓની પ્રવેશદ્વારે તપાસ હાથ ધરાતી હોય છે, પણ સુવર્ણમંદિરમાં આવી કોઇ તપાસ થતી નથી અને સૌ કોઇ બેરોકટોક આવ-જા કરતા રહે છે. આમ, આવાં ધાર્મિક આસ્થાનાં સ્થળોએ સલામતીના મામલે કોઇ સરકારી દખલગીરી નથી અને સુવર્ણમંદિર સંસ્થા દ્વારા વ્યવસ્થા ગોઠવાઇ છે, પણ બાદલ પર ગોળીબારના બનાવથી હવે સલામતી વ્યવસ્થામાં ફેરફાર કરવા મંદિરના વ્યવસ્થાપકોએ નવેસરથી વિચારવાની જરૂરત છતી થઇ છે. 

આ તો બાદલના સલામતી રક્ષકોએ હુમલાખોરને સમયસર જબ્બે કરી લીધો, પણ સવાલ એ છે કે, તેમની નજીક બંદૂક સાથે તે કઇ રીત પહોંચી શક્યો. ખરેખર તો મંદિર પરિસરમાં સાદા વેશમાં સલામતી કર્મીઓ તૈનાત હતા, પણ તેઓ આ હુમલાખોરને કોઇ રીતે ઓળખી શક્યા નહીં. ખરેખર તો આવા રક્ષકોને શંકાસ્પદ શખ્સોની પૂરતી વિગતો સાથે તાલીમબદ્ધ અને સાબદા રાખવા જોઇએ. વળી, જ્યારે ખાલિસ્તાની અલગતાવાદ ફરી સક્રિય બની રહ્યો છે, તેવા સમયે સલામતી એજન્સીઓએ જૂના આતંકીઓની ઉપર નજર રાખવા પર સતત ધ્યાન આપવાની જરૂરત બાદલના બનાવે બતાવી આપી છે.  રાબેતા મુજબ રીતે આ બનાવને રાજકીય સ્વરૂપ પણ અપાવા લાગ્યું છે. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર નિષ્ફળ રહી હોવાનો ભાજપ અને કોંગ્રેસે આરોપ મુક્યો છે, તો હુમલો વિફળ બન્યા અંગે આપે પોતાની પીઠ થાબડી છે. જો કે, વાસ્તવિકતા એ છે કે, આપ સરકારે અલગતાવાદીઓ તરફ લીધેલાં નરમ વલણને લીધે આવાં તત્ત્વોની હિંમત વધી રહી છે. આપે રાજકીય ફાયદાની લાલચને ત્યજીને દેશહિતને પ્રાધાન્ય આપવું જોઇએ.

 

ઇ-પેપરના નવા શુલ્ક