• રવિવાર, 05 જાન્યુઆરી, 2025

બેકાબૂ મોંઘવારીનો પડકાર

મોંઘવારીનો પડકાર દિવસો દિવસ ઘેરો બની રહ્યો છે, તેની સાથોસાથ ચિંતા વધારતી બાબત એ છે કે, આ પડકારનો કોઇ ઉકેલ જણાતો નથી.  સરકાર દ્વારા વિવિધ આર્થિક પગલાં વાટે આ પડકારને પહોંચી વળવાના પ્રયાસો સફળ થતા જણાયા નથી ઉલ્ટું મોંઘવારી સતત વધી રહી છે.  સામાન્ય રીતે વાતવરણ અને બજારની સ્થિતિને અનુરૂપ મોંઘવારીમાં વધારો કે ઘડાડો થતો રહ્યો છે , પણ આ વખતે એમ થયું નથી.  હકિકત એવી છે કે, શિયાળાની મોસમમાં લીલાં શાકભાજીની બજારમાં રેલમછેલ રહે છે અને તેને લીધે ભાવો પણ કાબૂમાં હોય છે, પણ આ વખતે એમ થયું નથી.  બજારમાં શાકભાજીની ઉપલબ્ધ પૂરતી હોવા છતાં ટમેટાં, ભીંડા, પાલક, લસણ, ડુંગળી જેવા શાકના ભાવો ભારે ઊંચા રહ્યા છે.  આવા આકરા ભાવ હોવાને લીધે સામન્ય નાગરિકાને તે પરવડી શકે તેમ નથી રહ્યા.  શાકભાજીના વેપારીઓ આ માટે   જથ્થાબંધ વિક્રેતાઓને જવાબદાર ગણે છે.  વળી, હાલે લગ્નનાં રસોડા માટે મોટાપાયે શાકભાજીની ખરીદી થઇ રહી છે.  આને લીધે નાના વેપારીઓ પાસે પૂરતા પ્રમાણમાં માલ આવતો નથી.  એમ પણ કારણ અપાય છે કે, આ વખતની મોસમમાં શાકભાજીનો પાક ઓછો થયો છે.

મોંઘવારીના બોજાને લીધે દેશમાં સામાન્ય વર્ગને તેમનાં ખાવા પીવાની વસ્તુઓની યાદીમાં કાપ મૂકવાની  ફરજ પડી રહી છે.  આવા સંજોગોમાં આર્થિક વિકાસના દાવાની સામે ગંભીર સવાલ ખડા થવા લાગ્યા છે.  મોંઘવારી માત્ર શાકભાજી પૂરતી મર્યાદિત નથી રહી, અન્ય ખાદ્ય પદાર્થોના ભાવો પણ વધી રહ્યા છે.  હાલત એવી છે કે, લોકો ખરીદી કરતી વેળાએ બે વખત વિચાર કરતા થઇ ગયા છે.  આવી ચિંતાજનક સ્થિતિમાં રૂપિયાની સતત ઘટી રહેલી કિંમત બેવડો પડકાર બની રહી છે. મોંઘવારીને કાબૂમાં લેવામાં નડી રહેલી મુશ્કેલીની પાછળનાં કારણોમાં રૂપિયાનાં મૂલ્યનો મુદ્દો પણ ચાવીરૂપ બની રહ્યો છે. આમ તો સરકાર મોંઘવારી ઘટી હોવાના સતત દાવા કરે છે અને તે મુજબના આંકડા જાહેર કરે છે.  ત્રણેક દિવસ અગાઉ પણ છૂટક બજારમાં ભાવો ઘટી રહ્યા હોવાની વિગતો જાહેર કરાઇ હતી, પણ વાસ્તવમાં આ આંકડા અને દાવા કરતા સાવ વિરોધાભાસી સ્થિતિ છે.  હાલત એવી છે કે, જથ્થાબંધ બજારને કાબૂમાં લઇને ભાવોને નિયંત્રણ રાખવાના પ્રયાસ સફળ થતા જણાતા નથી.  એક તરફ વેપારી દ્વારા ખાદ્યને ઓછી કરવા વિવિધ ઉત્પાદનોની નિકાસ માટે ઉત્તેજન અપાય છે, પણ આ પગલાંને લીધે ઉત્પાદનોનાં ઘર આંગણાના ભાવો કાબૂમાં આવી શક્તા નથી.  ખેરખર તો બજારમાં વચેટિયા દલાલોની બેફામ નફાખોરીને નાથવા કોઇ નક્કર પગલાં લેવા પર ધ્યાન અપાતું નથી.  સરકારે વચેટિયા દલાલોની કડીને તોડીને ઉત્પાદક કિસાનો અને વેપારીઓ વચ્ચે સીધા વ્યવહારની વ્યવસ્થા કરવા પર ધ્યાન આપવાની ખાસ જરૂરત છે.  આ માટે નક્કર પગલાં લેવાય, તો નફાખોરીના એક સ્તરને દૂર કરવાથી મોંઘવારીને કાબૂમાં લાવવામાં સફળતા મળી શકે છે.  સરકારે વિવિધ ઉપાયો કરી જોયા છે આ પગલાંનો ઉપાય કરીને તેની અસરકારકતાજાણી લેવા જેવી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક