નવી
દિલ્હી, તા. 3 : દક્ષિણ કોરિયાના તપાસ અધિકારી માર્શલ લો લગાડવાના કેસમાં રાષ્ટ્રપતિ
યુન સુક યોએલને ધરપકડ કરવા પહોંચ્યા હતા. તેઓ મહાભિયોગ ચલાવવાના વોરન્ટ સાથે સિયોલમાં
રાષ્ટ્રપતિ નિવાસે પહોંચ્યા હતા. જ્યાં તેઓને સુરક્ષા કર્મચારીઓના વિરોધનો સામનો કરવો
પડયો હતો. આ ઉપરાંત યુન સુકના સેંકડો સમર્થકો પણ રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. જેઓએ યુન
સુકને હિરાસતમાં લેતા રોકવાનો પ્રયાસ કર્યો હતો. જેના પરિણામે સ્થિતિ તણાવપૂર્ણ બની
હતી. દક્ષિણ કોરિયાની એક અદાલતે મહાભિયોગ લગાડવામાં
આવેલા રાષ્ટ્રપતિ યુન સુક યોલની ધરપકડ અને રાષ્ટ્રપતિ આવાસની તલાશી માટે વોરન્ટ જારી
કર્યું હતું. દક્ષિણ કોરિયાના આધુનિક ઈતિહાસમાં પહેલી વખત કોઈ રાષ્ટ્રપતિ સામે ધરપકડ
વોરન્ટ જારી થયું હતું. સંયુક્ત તપાસ એકમે આ અગાઉ વિદ્રોહ અને અન્ય આરોપો ઉપર સિયોલ
પશ્ચિમી જિલ્લા ન્યાયાલય સમક્ષ યુન સામે વોરન્ટની અપીલ કરી હતી. યુનને 18 ડિસેમ્બર,
25 ડિસેમ્બર અને 29 ડિસેમ્બરના ત્રણ વખત પૂછપરછ માટે ઉપસ્થિત રહેવા કહેવામાં આવ્યું
હતું પણ તેમણે સમન લેવા અને પોતાના બચાવ પક્ષના વકીલની નિયુક્તિ માટે દસ્તાવેજ જમા
કરવાનો ઈનકાર કરી દીધો હતો.