• મંગળવાર, 07 જાન્યુઆરી, 2025

નવ નગર હવે મહાનગર : સુવિધા, વિકાસ અને પ્રશ્નો

2025ના વર્ષના પ્રથમ જ દિવસે કેન્દ્ર સરકારે કૃષિક્ષેત્ર માટે મહત્ત્વનો નિર્ણય લઈને પેકેજ જાહેર કર્યું. ગુજરાત સરકારે શહેરી વિસ્તારોના વિકાસની યાત્રાને ગતિ આપતો નિર્ણય લીધો છે. રાજ્યમાં કુલ નવ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો છે. હવે ગુજરાતમાં 17 મહાનગરપાલિકા રહેશે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર પછી જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરપાલિકા બની હતી. હવે કુલ નવ નવી નગરપાલિકાઓને મંજૂરી અપાઈ છે જેમાં મોરબી, પોરબંદર, જૂનાગઢ અને ગાંધીધામનો સમાવેશ છે.  સૌરાષ્ટ્રના 3 અને કચ્છનું 1 નગર હવે મહાનગર ગણાશે. આમાંથી મોરબી અને ગાંધીધામ તો ગુજરાતના-દેશના આર્થિક ક્ષેત્રે પણ વર્ષોથી અગત્યનું યોગદાન આપી રહ્યા છે, હવે બન્ને નગરોનો પણ વધારે વિકાસ થશે.

જિલ્લા વિભાજન અને મહાનગરપાલિકાની સંખ્યામાં વધારો થવાનો નિર્ણય આ વર્ષમાં થશે તે નક્કી હતું પરંતુ ભુપેન્દ્ર પટેલની સરકારે નવા વર્ષના પહેલા જ દિવસે આ જાહેરાત કરીને નવેય નગરના રહેવાસીઓને ખુશ કર્યા છે. અલબત્ત, નગરો મોટાં થતાં ત્યાં પ્રાશાસનિક અને પ્રજાકીય પ્રશ્નો, મુદ્દાઓમાં પણ વધારો થશે તે સ્વાભાવિક છે પરંતુ તે એક પ્રક્રિયાનો ભાગ છે કોઈ સમસ્યા નથી. સૌરાષ્ટ્રના જે ત્રણ નગરની પસંદગી સરકારે કરી છે તેને લીધે અનેક આશા જાગી છે. મોરબી સિરામિક ઉદ્યોગ માટે જગમાં જાણીતું છે. આ ઉદ્યોગે ઉત્તરોત્તર પ્રગતિ કરી છે પરંતુ ઉદ્યોગ-વેપારની પ્રગતિની સાથે રસ્તા, વીજળી, પીવાનું પાણી અને શિક્ષણ-સ્વાસ્થ્ય સહિતની સેવામાં સરકારી સ્તરે જે થવું જોઈએ તે પ્રજાની અપેક્ષા અનુસાર નથી. સંપત્તિ લોકો પાસે છે, સગવડ ઓછી છે પરિણામે ત્યાંથી રાજકોટ જેવા નજીકના મહાનગરમાં સ્થળાંતર વધ્યું હતું. આશા છે કે હવે તે અટકશે. મોરબીની વસતી હવે 5 લાખ લોકોની થશે. આસપાસના ગામો પણ મોરબીમાં ભળશે  ત્યાંના લોકોને માટે પણ પાણી, રસ્તા, સ્ટ્રીટલાઈટ, ભૂગર્ભ ગટર સહિતની સુવિધા મળશે. સ્વાભાવિક રીતે લોકોને તેનો રાજીપો હોવાનો.

પોરબંદર પણ પૌરાણિક સંદર્ભો ધરાવતું ઐતિહાસિક નગર છે. નજીકમાં માધવપુર-દ્વારકા જેવાં તીર્થો, એક સમયનું ધીકતું બંદર, ગાંધીજીની જન્મભૂમિ છે આ નગરનો વિકાસ જેટલો થાય તેટલો જરૂરી છે, સાડા ત્રણ વર્ષ કરતાં પણ વધારે સમયથી પ્રજાની માગણી હતી. સુરેન્દ્રનગર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતી કડી છે. ઝાલાવાડ તરીકે ઓળખાતા આ પ્રાંતની અલગ ઓળખ, અલગ તાસીર છે.

મીઠા ઉદ્યોગ કે શિલ્પ સ્થાપત્યના ઉદ્યોગ માટે તે જાણીતો છે. તીર્થો છે, તેને પ્રવાસનધામ તરીકે વિકસાવવામાં આવે તે જરૂરી છે. સુરેન્દ્રનગર-વઢવાણ વર્ષોથી સંયુક્ત નગરપાલિકા રહી, અહીં ગ્રામ્ય વિસ્તારમાં ટાંગલિયા કળા વગેરે છે તેને પણ હવે મહાનગરના માધ્યમથી વિકસાવી શકાય. જ્યાં જ્યાં સુવિધા મળવાની છે ત્યાં સ્વાભાવિક રીતે મહાનગરપાલિકાના નિયમો અમલી બનશે. બાંધકામ માટે માર્જિનની જગ્યા છોડવી, રાજ્યમાં અમલી નિયમ અનુસાર નવા બાંધકામ કરવાથી લઈને મિલકત વેરો, પાણીનો દર, સફાઈનો વેરો બધું પણ લોકોએ ભરવાનું થશે જ. પ્રશાસન પહેલેથી જ સુવિધા વ્યવસ્થિત આપે તો વેરા વગેરેમાં પ્રશ્ન નહીં થાય. ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો તેને લીધે કંડલા ક્ષેત્રને પણ ફાયદો થશે અને ગાંધીધામ તો સ્વયંવિકસિત છે. ભૂજવાસીઓની માગણી જો કે હજી યથાવત્ છે.  સત્તર મહાનગરપાલિકા ધરાવતું ગુજરાત હવે વધારે વિકાસશીલ બનશે તે પણ સ્પષ્ટ છે. આધુનિક બાંધકામ, પરિવહન સહિતની સુવિધા વધશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક