• રવિવાર, 05 જાન્યુઆરી, 2025

કૃષિક્ષેત્ર માટે 2025ની શુકનવંતી શરૂઆત

કેન્દ્ર સરકારે 2025ના વર્ષની શરૂઆતમાં જ દેશના ખેડૂતો માટે રાહતનો પટારો ખોલી દીધો છે. લાંબા સમયથી જે માંગ ખેડુતોની હતી અને વિશેષજ્ઞોના મતે જેની જરૂર પણ હતી તેવા નિર્ણય કેબિનેટની બેઠકમાં લેવાયા છે. કૃષિક્ષેત્રે પરિશ્રમ અને ટેક્નોલોજીને લીધે જે પ્રગતિ થઈ રહી છે તે અવિરત રાખવા માટે આ પગલું ઘણા સમયથી જરૂરી હતું. આજે 2025ના વર્ષનો પહેલો જ દિવસ ખેડૂતો માટે શુકનવંતો નિવડયો છે. કેન્દ્રીય બજેટમાં પણ ગયા વર્ષે સરકારે પ્રાકૃતિક ખેતી સહિતની બાબતો પર ધ્યાન વધારે આપ્યું હતું. જો કે દેશના કેટલાક ભાગોમાં ખેડૂતોનો વિવિધ પ્રકારનો અસંતોષ તેમ છતાં ચાલી રહ્યો છે પરંતુ વ્યાપક હિતને ધ્યાને લઈ આજે આ નિર્ણય જાહેર થયો છે. ડીએપી ખેડુતોને પ્રતિ 50 કિલોની બેગ ઉપર સબસિડી મળતી રહેશે, બેગની કિંમત રૂ. 3000 છે. વધારાનો ભાર સરકાર પોતે વહન કરશે.તેના માટે એક સમયે રૂ. 3850 કરોડની સબસિડી મળશે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેના ભાવમાં ફેરફાર થશે તો પણ તેની અસર ખેડૂતો પર નહીં પડે.

ખેડૂતો માટે એક નિર્ણય એ પણ લેવાયો છે કે તેના પાક વીમાના દાવા પણ જલદી મંજૂર થઈ જશે. ખેડૂતોએ સ્વાભાવિક રીતે આ નિર્ણયને આવકાર્યો છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાને થોડા દિવસ પૂર્વે મન કી બાતમાં ઓડિશાના કાલાહાંડી જિલ્લાના ગોલામુંડા બ્લોકના ખેડૂતોના ક્ષેત્રમાં શાકભાજી ક્રાંતિને વખાણી હતી. ભૂખમરા માટે જાણીતું કાલાહાંડી હવે કિસાનસંઘ અને નવી ટેક્નિક માટે જાણીતું બન્યું છે. આ મોટો સંકેત છે અને ખેતીક્ષેત્ર માટે આશાનું કિરણ છે. પ્રયોગશીલ ખેતી દેશવ્યાપી બની રહી છે. બદલાતા હવામાનના પડકારની વચ્ચે પણ કૃષિકર્મીઓ ઝઝૂમી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં પણ આ ચિત્ર જોવા મળે છે.

સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક વર્ષથી અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાય છે. માવઠાને કારણે પણ પાક ઉપર વિપરીત અસર પડે છે. ગત ચોમાસા પછી કપાસના પાકમાં ખેડૂતોને સારું એવું નુકસાન થયું હતું. જો કે, અહીં  પણ પ્રયોગશીલ ખેડૂતો વધ્યા છે. સજીવ ખેતી માટેની જાગૃતિ વધી છે. ડ્રોન ટેકનોલોજીના પગરણ થયા છે. કૃષિ આજે પણ દેશના અર્થતંત્ર માટે અગત્યનો ત્રોત છે. ઉદ્યોગોના અપૂર્વ વિકાસ અને માળખાકીય સુવિધામાં સતત વૃદ્ધિની સાથે કૃષિક્ષેત્રની અવગણના પાલવે તેમ નથી તે વાસ્તવિકતા છે.

 હરિયાણા, પંજાબ, કાશ્મીર, કેરળ, સિક્કિમ, ગુજરાત સહિતના રાજ્યોમાં હવે ખેડૂતો અભિનવ પ્રયોગ કરી રહ્યા છે. અનાજ-કઠોળના પરંપરાગત પાક ઉપરાંત અન્ય પાકનું ઉત્પાદન કરી રહ્યા છે.  2024માં કૃષિક્ષેત્રનો વૃદ્ધિદર 1.4 ટકા હતો. સબસિડી, લોન, વ્યાપક બજાર અને સલામતીની આ ક્ષેત્રને જરુર વર્તાઈ રહી હતી. સરકારે સમયસર આ નિર્ણય લીધો છે. નવા વર્ષે ચોમાસાં પૂર્વે ખેતીક્ષેત્ર પર સરકાર દ્વારા વરસાદ થયો છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક